“હું તમને બોલાવું ત્યારે એકલા આવવાનું…” બોડેલી કોર્ટના સિનિયર જજ આશુતોષ રાજ પાઠકે ન્યાયતંત્ર લજવ્યું, મહિલા અરજદારના ગંભીર આરોપો
ગુજરાત સહિત દેશભરના ન્યાયતંત્રને કલંક લાગે તેવી એક ઘટના હાલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની કોર્ટમાં સામે આવી છે. જ્યાં એક સિનિયર જજ પર અરજદાર મહિલાએ અણછાજતી માંગણી કરવાની સાથે જજના ચરિત્ર પર ગંભીર આરોપો લગાવતા હોબાળો મચી ગયો છે. મહિલાએ આ જજ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. સિનિયર જજની આવી હરકતોને કારણે છોટાઉદેપુર સેશન્સ જજે આ ચરિત્રહીન જજની કોર્ટમાં ચાલતો કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચોઃ ભારતની અદાલતોમાં 4.44 કરોડ કેસો પેન્ડિંગ, જેમાં 36.57 લાખ કેસો મહિલાઓને લગતા!
આ કેસની મળતી વિગતો મુજબ વડોદરામાં રહેતા આધેડ મહિલા આરોપીએ બોડેલી કોર્ટના જજ આશુતોષ રાજ પાઠકના ચરિત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ કહ્યું હતું કે, “2જી ઓગસ્ટ 2023ના રોજ બોડેલી કોર્ટમાં તેના એક કેસની મુદ્દત હતી તે સમયે તેણીએ જજ આશુતોષ રાજ પાઠકને હાજરી મુદ્દે રજૂઆત કરતા તેઓ તેની વાત સાંભળ્યા વિના ડાયસ પરથી ઉતરીને ચાલ્યા ગયા હતા. એ પછી મહિલા આરોપી જ્યારે કોર્ટ બહાર તેની કારમાં બેસવા જતા હતા ત્યારે જજના પટાવાળાએ તેમને બોલાવીને જજની ચેમ્બરમાં મોકલ્યા હતા. જ્યાં જજ આશુતોષ રાજ પાઠકે આરોપી મહિલાને કહ્યું હતું કે, “મારી પાસે તમારી બધી વિગતો છે, તમારો મોબાઈલ નંબર પણ છે. તમારી ઉંમર 40 ઉપર હોય તેવું લાગતું નથી. હું તમને તમારા નંબર પર કોઈપણ પ્રકારના મેસેજ કરું તો તમને વાંધો નથી ને? તમે હાઉસ વાઈફ છો એવું લાગતું નથી. તમે કયાં રહો છો? હું રાણેશ્વર મહાદેવ પાસે રહું છું. હું તમને કોઈ મેસેજ કરું તો તે વાત આપણા બંને વચ્ચે રાખજો, તમારા પતિને પણ જણાવતાં નહીં. તમે ચિંતા ના કરતા, હું તમને કશું નહીં થવા દઉં, પણ હું જયારે મળવા બોલાવું ત્યારે તમારે એકલા આવવાનું.”
એક સિનિયર જજની આવી હરકતથી હેબતાઈ ગયેલી મહિલાએ સમગ્ર ઘટનાને લઈને છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. એ પછી ગુજરાત હાઈકોર્ટના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ (Vigilance Department of High Court) અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ(Chief Justice of Gujarat High Court)ને પણ મામલાની જાણ કરી છે.
હોબાળો થતા જજ આશુતોષ રાજ પાઠક રજા પર ઉતરી ગયા
આ બાજુ આરોપી મહિલાએ કરેલી કાર્યવાહીની જાણ થતા જજ આશુતોષ પાઠક રજા પર ચાલ્યા ગયા હોવાનું કહેવાય છે. તેઓ ઉત્તર ભારતની યાત્રા કરવા જતા રહ્યાં હોવાનું સૂત્રો કહે છે.
જજ આશુતોષ રાજ પાઠક સામે તેમની પત્નીએ પણ આરોપ લગાવ્યા હતા
જજ આશુતોષ રાજકુમાર પાઠકના ચરિત્રનો ખ્યાલ એના પરથી પણ આવે છે કે તેમની પત્નીએ પણ તેમની સામે વર્ષ 2017માં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે પતિ આશુતોષ સામે બિભત્સ વર્તૂણૂંક અને બદનામ કરવા ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપવી સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા.
12 જેટલા અરજદારોએ પણ જજ પરેશાન કરતા હોવાની અરજી કરી
જજ આશુતોષ રાજ પાઠકના મનસ્વી વર્તનથી કંટાળીને હાલમાં જ 12 જેટલા અરજદારોએ પણ તેમની વિરુદ્ધ અરજી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જજ આશુતોષ રાજ પાઠક ન્યાય કરવાને બદલે તેમને હેરાન કરે છે. બોડેલી કોર્ટમાં આરોપી ગેરહાજરીની અરજી આપે તો તે નામંજૂર કરી બિનજામીનપાત્ર વૉરંટ (Non Bailable Warrant) કાઢી પોલીસ અધિકારીને અદાલતમાં હાજર રાખી વૉરંટ બજવણીની સૂચના આપે છે.
આ પણ વાંચોઃ કલોલમાં BAMCEF કાર્યકરના પિતાની અર્થીને મહિલાઓ-દીકરીઓએ કાંધ આપી પરિવર્તનનો ચિલો ચાતર્યો