કથિત ગૌરક્ષકોએ મુસ્લિમ યુવકને આંતરી ગૌતસ્કર કહી માર મારતા મોત

યુવક પશુઓના ખરીદ-વેચાણનું કામ કરતો હોવાથી ટેમ્પામાં ગાય અને વાછરડું લઈને જતો હતો. કથિત ગૌરક્ષકોએ તેને આંતરીને જીવલેણ હુમલો કરી દેતા મોત.

કથિત ગૌરક્ષકોએ મુસ્લિમ યુવકને આંતરી ગૌતસ્કર કહી માર મારતા મોત
image credit - Google images

હરિયાણાના પલવલ જિલ્લામાં ટોળાએ ગૌતસ્કરીની આશંકાએ એક મુસ્લિમ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ યુવકનું મોત થઈ ગયું હતું. મિત્રોલ ગામમાં બનેલી આ ઘટના અંગે 10 લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો શુક્રવારે રાત્રે પશુઓની તસ્કરીની શંકામાં થયો હતો એ દરમિયાન, એક વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું અને બીજો ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. મૃતકની ઓળખ મુંડકટી ગામના 28 વર્ષીય યુસુફ તરીકે થઈ છે. જ્યારે અન્ય ઘાયલ થયેલા છોકરાનું નામ રવિ છે, જેની ઉંમર 26 વર્ષ છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પશુઓનું ખરીદ-વેચાણ કરતો હતો. તે રવિ સાથે નાગલા ગામથી એક ગાય અને વાછરડાને ટેમ્પોમાં લઈ જઈ રહ્યો હતો. એ દરમિયાન, મિત્રોલ ગામ પાસે કેટલાક લોકોએ તેને ઘેરી લીધો. તેમણે ઢોરના દસ્તાવેજો માંગ્યા પણ યુસુફ આવા કોઈ કાગળો બતાવી શક્યો નહીં. જેને લઈને ટોળાએ બંને પર પશુ તસ્કરીનો આરોપ લગાવ્યો અને તેમના પર હુમલો કરી દીધો. જેમાં યુસુફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં રવિવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. ટેમ્પો ડ્રાઈવર રવિને પણ ઈજા થઈ હતી પરંતુ તેની હાલત હવે સ્થિર છે.

યુસુફના મૃત્યુ પછી મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો ત્યારે ભારે વિરોધ પ્રદર્શનો થયા. રસ્તા પરનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. એ પછી તેના પરિવારના સભ્યો મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સંમત થયા હતા. મળતી માહિતી પ્રમાણે યુસુફ કે રવિને કોઈની સાથે દુશ્મની નહોતી. પરંતુ પોતાને ગૌરક્ષક કહેતા લોકોએ તેને પશુ તસ્કર જાહેર કરીને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે યુસુફનું મોત નીપજ્યું. પોલીસનું કહેવું છે કે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.