IC 814 વેબ સિરીઝમાં આતંકવાદીઓના ‘ભોલા’ અને ‘શંકર’ નામને લઈ વિવાદ

નેટફ્લિક્સની નવી વેબ સિરીઝ IC 814: ધ કંદહાર હાઈજેકમાં આતંકીઓના નામ ભોલા અને શંકર હોવાથી વિવાદ શરૂ થઈ ગયો છે. વાંચો શું છે મામલો.

IC 814 વેબ સિરીઝમાં આતંકવાદીઓના ‘ભોલા’ અને ‘શંકર’ નામને લઈ વિવાદ
image credit - Google images

IC814 The Kandahar Hijack Series Controversy:  મુલ્ક, આર્ટિકલ 15, થપ્પડ અને ભીડ જેવી અફલાતૂન ફિલ્મોના ડિરેક્ટર અનુભવ સિંહા (Anubhav Sinha)ની નવી વેબ સિરીઝ IC814 the Kandahar Hijack વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર આ વેબ સિરીઝના બહિષ્કારની માંગ જોર પકડી રહી છે. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ૮૧૪ના હાઈજેક પર આધારિત છે. જે તાજેતરમાં નેટફલિકસ(Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝમાં વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, દિયા મિર્ઝા અને અરવિંદ સ્વામી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત સિરીઝને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદનું કારણ શ્રેણીમાં અપહરણ કરનારાઓના નામ છે, જેને લઈને આ સમગ્ર વિવાદ ઊભો થયો છે. 

વેબ સિરીઝ ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના કંદહાર હાઈજેક(Kandahar Hijack) પર આધારિત છે, જેમાં ઈન્ડિયન એરલાઈન્સ(Indian Airlines)ની ફ્લાઈટ આઇસી ૮૧૪(Flight IC 814)ના હાઈજેકની વાર્તા બતાવવામાં આવી છે. આ ફ્લાઈટે તે દિવસે નેપાળના કાઠમંડુ ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરી હતી, જેને પાંચ આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. હાઇજેકરોએ તેને અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરાવી હતી. આ વેબ સિરીઝમાં આતંકવાદીઓને ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર જેવા કોડ નેમ(codename)થી ઓળખવામાં આવે છે અને તેને લઈને જ સમગ્ર વિવાદ ઉભો થયો છે.

આ પણ વાંચો: Pa. Ranjithની બોલીવૂડમાં એન્ટ્રી, Birsa Munda પર ફિલ્મ બનાવશે

પ્લેન હાઇજેક કરનાર આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન(Harakat-ul-Mujahedeen)ના આતંકવાદીઓના નામ ઇબ્રાહિમ અથર, શાહિદ અખ્તર સઇદ, સની, અહેમદ કાઝી, ઝહૂર મિસ્ત્રી અને શાકિર હતા. આ આતંકવાદીઓએ ભારતમાં જેલમાં બંધ પાકિસ્તાની આતંકવાદીઓ - અહેમદ ઉમર સઈદ શેખ, મસૂદ અઝહર અને મુશ્તાક અહમદ ઝરગરની મુક્તિની માંગ કરવા માટે ફ્લાઇટ હાઇજેક કરી હતી. જો કે, વેબ સીરિઝના સ્ટ્રીમિંગ પછી સોશિયલ મીડિયા પર એક વિવાદ છેડાઈ ગયો છે. કેટલાક દર્શકોએ વેબ સિરીઝના નિર્માતાઓ પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ના ગુનાઓ છુપાવવા અને ક્રૂર આતંકવાદીઓને હિંદુ ધર્મના આરાધ્ય દેવ મહાદેવના ‘ભોલા’ અને ‘શંકર’ જેવા નામ આપવા બદલ સોશિયલ મીડિયા પર ટીકા કરી છે.

કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો છે કે મેકર્સે જાણીજોઈને કિડનેપરોનો ધર્મ બદલ્યો છે. એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું છે કે “આ સિનેમેટિક વ્હાઇટવોશિંગ છે.” બીજાએ લખ્યું, “આઇસી ૮૧૪ના હાઇજેકર્સ ઘાતક, ક્રૂર હતા પરંતુ નેટફ્લિક્સની વેબ સિરીઝમાં તેમને માનવ તરીકે બતાવવાનો પ્રયાસ યોગ્ય નથી.” અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, "મેં પણ આ જોયું અને ખૂબ જ આશ્ચર્ય થયું. આવું કરવું સારી બાબત નથી. મને આશ્ચર્ય થાય છે કે નેટફ્લિકસની ટીમ આટલી બેદરકાર કેવી રીતે રહી શકે?" 

આ પણ વાંચો: એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં

નેટયુઝર્સે પોતાનો મત વ્યક્ત કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ પ્રકારના કોડનેમ ખરેખર આતંકવાદીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા, જેથી કોઈને પણ તેમના કાવતરાની ગંધ ન આવે. જાન્યુઆરી ૨૦૦૦ના વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર આ આતંકવાદીઓના કોડ નેમ હતા. હાઇજેકર્સ હંમેશા આ નામોથી એકબીજાને સંબોધતા હતા. ગીતકાર-લેખક નિલેશ મિશ્રા (Nilesh Mishra) જેમણે ૧૭૩ અવર્સ ઇન કેપ્ટિવિટીઃ ધ હાઇજેકિંગ ઓફ આઇસી ૮૧૪ (173 Hours in Captivity: The Hijacking of IC 814) પુસ્તક લખ્યું છે, તેમણે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મામલે સ્પષ્ટતા કરી છે કે, "શંકર, ભોલા, બર્ગર, ડૉક્ટર અપહરણકર્તાઓના કોડનેમ હતા, જે તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે રાખ્યા હતા.”

આ તથ્ય સામે આવ્યા પછી પણ સોશિયલ મીડિયા પર આ વેબ સિરીઝનો બહિષ્કાર કરવાની માંગ જોર પકડી રહી છે. જો કે, તેનાથી સિરીઝને ફાયદો જ થઈ રહ્યો છે, કેમ કે તે રિલીઝ થઈ ગયા પછી તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. પરંતુ જે રીતે આ આખો વિવાદ ઉભો થયો છે, તે જોતા તેનું સ્ટ્રીમિંગ વધી જશે તે નક્કી છે.

આ પણ વાંચો: પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.