21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય બોલો...
દેશની કોર્ટોમાં બેઠેલા જજો કેવા કેવા તરંગી અને મનઘડંત ચૂકાદાઓ સંભળાવે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.

Madhya Pradesh Jabalpur Bench Strange judgment : રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બદલ ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના યુવક ફૈઝલે મંગળવારે કોર્ટના આદેશ પર 21 વખત ત્રિરંગાને સલામી આપી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચના આદેશ બાદ ફૈઝલે ભોપાલ પોલીસ સ્ટેશનમાં 21 વખત 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. તેણે 'પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ'ના નારા લગાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે તેણે રીલ બનાવતી વખતે ભૂલથી તે સ્લોગનનો ઉપયોગ કર્યો હતો.
ફૈઝલને જામીન આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે એવી શરત મૂકી હતી કે તેણે મહિનામાં બે વખત ભોપાલના મિસ રોડ પોલીસ સ્ટેશનમાં ત્રિરંગાને સલામી આપવી પડશે. જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી તેણે મહિનાના પહેલા અને ચોથા મંગળવારે ત્રિરંગાને સલામી આપવી પડશે અને 'ભારત માતા કી જય' ના નારા લગાવવા પડશે. કોર્ટના આદેશ બાદ ફૈઝલે તેની શરૂઆત કરી છે.
જસ્ટિસ ડીકે પાલીવાલે 15 ઓક્ટોબરના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે આરોપીને કેટલીક શરતો લાદીને જામીન પર મુક્ત કરી શકાય છે, જેનાથી તેની અંદર એ જે દેશમાં જન્મ થયો છે અને જ્યાં જીવે છે તેના પ્રત્યે જવાબદારી અને ગર્વની ભાવના પેદા થાય.
આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાનની મે મહિનામાં ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) (રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળ નિવેદનો) ની કલમ 153B હેઠળ એફઆઈઆર દાખલ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપ છે કે ફૈઝાને પાકિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેની કરતૂતો વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સમાન છે અને તે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા માટે જોખમી છે.
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું કે અરજદાર રીઢો ગુનેગાર છે અને તેની સામે 14 ફોજદારી કેસ નોંધાયેલા છે.
આ દલીલો વચ્ચે કોર્ટે આરોપીને વિચિત્ર આદેશ કર્યો હતો અને તેને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપીને 21 વાર ભારત માતા કી જય બોલવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત આજે આરોપી ફૈઝલ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને તેણે 21 વાર સલામી આપી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચોઃ 300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકોને ચોર સમજીને માર માર્યો, એકનું મોત