મહેસાણામાં યુવકની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું
વગડામાં રહેતા ગરીબ યુવકને દારૂ પીવડાવી હોસ્પિટલ લવાયો, બીજા દિવસે નસબંધી થઈ હોવાની ખબર પડી. યુવકના એક મહિના પછી લગ્ન થવાના હતા.
ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે તે જોતા એવું લાગે જાણે કોઈ ધણીધોરી જ નથી. ખ્યાતિ જેવી કોર્પોરેટર હોસ્પિટલો કતલખાનું હોય તેમ દર્દીઓની બિનજરૂરી સર્જરીઓ કરીને કરોડો રૂપિયા ઓળવી જાય છે. ટાર્ગેટ પુરો કરવાની લ્હાયમાં આવી જ એક ઘટના મહેસાણામાંથી સામે આવી છે. જ્યાં એક ગરીબ યુવકનું તેની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, યુવકના આવતા મહિને લગ્ન થવાના હતા. સમગ્ર મામલે યુવકના પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આરોગ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નવી શેઢાવી ગામમાં વગડામાં રહેતા 31 વર્ષના આ ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં તેને દારૂ પીવડાવી નશો ચડ્યો એટલે નસબંધીનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. ચોંકી જવાય તેવી વાત એ છે કે, યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે તેનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે.
આ ઘટનાને લઈને મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર શેહજાદ અજમેરી લઈ ગયા હતા. યુવકને અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એકબીજા અધિકારી પર ખો આપતા જોવા મળ્યા. સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. આ ટાર્ગેટ પુરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે. આ ગંભીર મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવે તેવી શક્યતા છે. જો કે, હાલત તો આરોગ્ય વિભાગના બેદરકાર અધિકારીઓના ટાર્ગેટ પૂર્ણ કરવાની લાલચમાં એક નિર્દોષ ગરીબ યુવકનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે.
આ પણ વાંચો: અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત