દલિત યુવક શિવ મંદિરમાં જળ ચઢાવવા ગયો, જાતિવાદીઓએ મોં પર પેશાબ કર્યો

યુવક મોટા ઉપાડે હિંદુ બનીને મંદિરમાં પ્રસાદ ચડાવવા ગયો હતો. જાતિવાદી તત્વો તેને જોઈ ગયા અને હાથ ભાંગી નાખ્યો. એ પછી મોં પર પેશાબ કર્યો.

દલિત યુવક શિવ મંદિરમાં જળ ચઢાવવા ગયો, જાતિવાદીઓએ મોં પર પેશાબ કર્યો
image credit - Google images

યુપીના મેરઠમાં એક દલિત યુવકને હિંદુ બનીને મંદિરમાં ભગવાનને પ્રસાદ ચડાવવા જવું ભારે પડી ગયું. જાતિવાદી તત્વો યુવકને મંદિરમાં પ્રવેશતા જોઈ ગયા અને તરત તેને પકડીને મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, લુખ્ખા તત્વોએ તેના મોં પર પેશાબ કર્યો હતો.

ઘટના મેરઠના જાની પોલીસ સ્ટેશનની છે. અહીં કુરાલી ગામમાં એક દલિત યુવકે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે તેણે મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો ત્યારે ગુંડાઓએ તેને નિર્દયતાથી માર્યો, તેનો હાથ તોડી નાખ્યો અને તેના ચહેરા પર પેશાબ કર્યો. દલિત યુવકનો આરોપ છે કે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી પરંતુ કાર્યવાહી ન થઈ. એટલે તેણે એસએસપી ઓફિસમાં ફરિયાદ કરી છે અને ત્યાંથી કાર્યવાહીના આશ્વાસન સાથે તપાસના આદેશ અપાયા છે.

1 ડિસેમ્બરની ઘટના
એસએસપીને આપેલી ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે તે કડિયાકામ કરે છે. 1લી ડિસેમ્બરે તે ગંગા સ્નાન કરવા ગઢમુક્તેશ્વર ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તે ગઢગંગાનું પાણી લાવ્યો હતો અને પોતાના ગામ કુરાલીમાં આવેલા શિવ મંદિરમાં તે ગંગા જળ ચઢાવવા ગયો હતો. એ વખતે ગામના દીપુ ઉર્ફે શિવા, નિશાંત, આકાશ અને કેટલાક અજાણ્યા યુવકો રસ્તામાં આવી પહોંચ્યા અને તેની સાથે મારામારી કરી.

જેમ તેમ કરીને જીવ બચાવી ભાગ્યો
દલિત યુવકનો આરોપ છે કે આ લોકોએ તેને રસ્તામાં રોક્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાતિ સંબંધિત ગાળો ભાંડી. એટલું જ નહીં તેની પાસે રહેલા પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધો હતો. યુવકનો આરોપ છે કે, આ લોકોએ તેને લાકડીથી ફટકારીને નાળામાં ફેંકી દીધો હતો, જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. યુવકે કહ્યું કે, આરોપીઓએ તેના મોં પર પેશાબ પણ કર્યો હતો. આ બધી ઘટનાઓથી ગભરાઈને તે જેમતેમ કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

જાતિવાદી તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
દલિત યુવકનું કહેવું છે કે તેણે આરોપી વિરુદ્ધ જાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી. જ્યારે આરોપીઓને તે પોલીસ ફરિયાદ કરવા ગયો હતો તેની જાણ થઈ ત્યારે તેમણે તેને ધમકી આપી હતી. યુવકનો આરોપ છે કે લુખ્ખા તત્વો તેના ઘરે આવ્યા હતા અને જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. 

આરોપીઓ સામે FIR દાખલ
એસએસપીના આદેશ બાદ યુવકની ફરિયાદના આધારે જાની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસએસપી ડો.વિપિન ટાડાનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એસપી (ગ્રામ્ય)ને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે પણ એક્શનમાં આવી અને આરોપીના ઘરે દરોડા પાડ્યા છે.

આ પણ વાંચોઃ વિકલાંગ દલિત કિશોર પાસે મનુવાદીએ શર્ટ ઉતરાવી પેશાબની સફાઈ કરાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.