તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા

દલિતો સાથે જાતિના આધારે કેવી કેવી જગ્યાએ ભેદભાવો થતા હોય છે તે તો દલિત તરીકે જેમણે વેઠ્યું હોય તેને જ ખબર હોય. આ રહ્યો ચોંકાવનારો કિસ્સો.

તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા
પ્રતિકાત્મક તસવીર

ભારતનું બંધારણ જેમણે લખ્યું છે તે ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના નામથી કથિત સવર્ણોને કેટલી ચીડ અને નફરત છે તે સૌ જાણે છે. જાહેરમાં પણ જો આ લોકો 'જય ભીમ'નો નારો સાંભળી જાય તો અંદરખાને બળીને રાખ થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ 'જય ભીમ'ની જાતિનો યુવક તેમના વગર અનામતે એકાધિકાર જેવા ફિલ્ડમાં ભાગ પડાવે, તો સીધી વાત છે કે, આ લોકો એને જરાય સહન ન કરે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દલિત યુવકને માત્ર એટલા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો, કેમ કે તે ડૉ. આંબેડકરને પોતાના આદર્શ માનતો હતો અને તેમના વિચારોથી પ્રભાવિત હતો. યુવક એક કંપનીમાં નવોસવો કામે લાગ્યો હતો અને 14મી એપ્રિલના દિવસે જ તેને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું કે, તમે 'જય ભીમ' છો, અમે કંપનીમાં 'જય ભીમ' વાળાને નોકરી નથી આપતા. એમ કહીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

બાબાસાહેબના વિચારોથી આટલો ડર કેમ?

મામલો ખુદ બાબાસાહેબની કર્મભૂમિ એવા મહારાષ્ટ્રનો છે અને એ પણ દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ શહેરનો. અહીં ગોરેગાંવમાં એક 23 વર્ષીય દલિત યુવકને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે આંબેડકર અને તેમના વિચારોનું સમર્થન કરતો હતો. યુવક પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતો હતો.

યુવકના વકીલના કહેવા મુજબ તેણે ખાનગી કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. તે ત્રણ દિવસ કામે પણ ગયો હતો. પરંતુ આંબેડકર જયંતિના દિવસે ઓફિસમાંથી એક મહિલાએ મેસેજ કર્યો અને પૂછ્યું કે, 'તમે જય ભીમ વાળા છો? જેના જવાબમાં યુવકે હા પાડી અને આવું પૂછવાનું કારણ પણ પૂછ્યું. યુવતીએ સીધો જવાબ લખીને કહ્યું કે, તે 'જય ભીમ વાળા'ને લોકોને નોકરી નથી આપતી. આ ઘટના બાદ આઘાત પામેલા યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબેડકર જયંતિના દિવસે જ મેસેજ આવ્યો

આ મામલે પીડિત યુવકના એડવોકેટ દીપક સોનાવણે કહે છે, "યુવાન 23 વર્ષનો છે. તેણે માસ મીડિયા અને કોમ્યુનિકેશનમાં બેચલર ઓફ આર્ટસ કર્યું છે. તેણે નોકરી માટે અરજી કરી હતી. 8 એપ્રિલના રોજ તેણે એક ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મ એલીટ સેફાયર કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. કંપનીએ તેને ₹ 15,000 ના માસિક પગાર પર નોકરીમાં જોડાવા માટે આદેશ આપ્યો હતો. તેણે 9 એપ્રિલના રોજ ગોરેગાવંમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પણ આંબેડકર જયંતિના દિવસે તેને કથિત રીતે તેની જાતિના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો."

આ પણ વાંચો: DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા

સોનાવણેએ વધુમાં જણાવ્યું કે, "14 એપ્રિલે કંપનીની માલિક નેહા દત્તે તેને વ્હોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં નેહાએ યુવકને પૂછ્યું હતું કે, "તું જય ભીમ વાલા હૈ ક્યા (તમે દલિત છો)?" આના પર યુવકે હકારમાં જવાબ આપ્યો હતો. જેના પર નેહાએ કહ્યું, "હું જય ભીમ વાળાને નોકરી નથી આપતી." (હું દલિતોને નોકરી નથી આપતી.) 

યુવક કહે છે કે, એ મેસેજ પછી હું એ માહોલમાં કામ કરી શક્યો નહીં. તેની કારકિર્દી અને જીવનમાં આ પ્રથમ વખત છે જ્યારે તેને આવા જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. 

એડવોકેટ સોનાવણેએ જણાવ્યું હતું કે, "આજે પણ મુંબઈ જેવા મહાનગરમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો સાથે જાતિના આધારે ભેદભાવ કરવામાં આવે છે. મુંબઈમાં હજુ પણ આવો ભેદભાવ થાય છે તે ભયાનક છે."

યુવકની ફરિયાદના આધારે, ગોરેગાંવ પશ્ચિમ પોલીસે ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ એલિટ સેફાયરના માલિક નેહા દત્ત વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

આ મામલે મીડિયાએ પણ ફર્મની માલિક નેહા દત્તનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, મેં તેને મેસેજ કર્યો હતો, પરંતુ એનો અર્થ એવો નથી કે મેં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. મેં તેને કામ પર ન આવવા માટે નથી કહ્યું. વીકએન્ડ પછી જ્યારે સોમવારે તે ઓફિસે ન આવ્યો ત્યારે મેં તેને મેસેજ કરીને પૂછ્યું કે તે ક્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.