અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ સોલંકી સહિત 7 લોકો નિર્દોષ જાહેર

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે પૂર્વ સાંસદ સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.

અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ સોલંકી સહિત 7 લોકો નિર્દોષ જાહેર

ગુજરાત હાઈકોર્ટે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલામાં આજે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી (Dinu Bogha Solanki) સહિત સાત લોકોને નિર્દોષ કર્યા છે. આ લોકોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધીશ વિમલ કે.વ્યાસની બેંચે સીબીઆઈના આદેશને ફગાવી દીધો હતો, જેમાં તમામ આરોપીઓને આજીવન કેદની સજા જાહેર કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, ટ્રાયલ કોર્ટે અગાઉથી જ દોષિત ઠેરવીને કાર્યવાહી કરી હતી, જેથી એવું લાગે છે કે, કેસની તપાસમાં શરૂઆતથી જ જરૂરી ધ્યાન અપાયું નથી અને આરોપીઓને અગાઉથી જ દોષિત ગણી લેવામાં આવ્યા હતા.

અમિત જેઠવા કેસ શું છે?

વર્ષ 2010માં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઈકોર્ટ બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી સહિત હત્યામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલમાં જામીન પર હતા. 20 જુલાઈ 2010ના રોજ ખાંભાના વતની આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ગુજરાત હાઈકોર્ટ નજીક રાત્રે 8:30 વાગ્યે હત્યા કરવામાં આવી હતી. અમિત જેઠવા તે દિવસે એફિડેવિટ રજૂ કરવા હાઈકોર્ટમાં આવ્યા હતા. તેમણે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમના જીવને દિનુ બોઘાથી ખતરો છે. ત્યારબાદ મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ ગીર સોમનાથના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બે વર્ષ પછી કેસ CBIને ટ્રાન્સફર કરાયો હતો

હાઈકોર્ટના આદેશ બાદ 2012માં કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરાઈ હતી. પાંચમી નવેમ્બર-2013ના રોજ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરાઈ હતી અને બાદમાં સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ત્યારબાદ CBI કોર્ટે 2019માં દિનુ સોલંકી સહિત સાત લોકોને હત્યા અને ગુનાહિત કાવતરાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.15 લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે આ કેસમાં દોષિત ઠરેલા દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદ પર સ્ટે આપ્યો હતો. સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ દિનુ સોલંકીએ 2019માં સાત જૂને સીબીઆઈના નિર્ણય વિરુદ્ધ અરજી કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં હાઈકોર્ટે અપીલ પેન્ડિંગ રાખી દિનુ સોલંકીની સજા પર સ્ટે આપ્યો હતો. ગત વર્ષે હાઈકોર્ટે તેમના ભત્રીજા શિવા સોલંકીની આજીવન કેદ પર પણ સ્ટે આપ્યો હતો અને CBI કોર્ટ દ્વારા જાહેર કરાયેલી સજા સામે દાખલ કરાયેલી તેમની અપીલની સુનાવણી બાકી હોય ત્યાં સુધી તેમને જામીન આપી દીધા હતા.

આ પણ વાંચો: દેશભરના માહિતી આયોગોમાં 3 લાખથી વધુ અપીલો અને ફરિયાદો પેન્ડિંગ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.