વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા
૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મળશે લાભ, આવક મર્યાદા વિના, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર
કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમદાવાદ મહાનગરપાલિકાએ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ શહેરના ૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉની પીએમજે યોજનામાં આવક મર્યાદા હતી, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. ૭૦ વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ૮૫ અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ સત્તાવાર રીતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેથી, સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ યોજના હેઠળ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. (ગુજરાતમાં આ રકમ ૧૦ લાખ રૂપિયા છે) આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે.
આ ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવર્ત્રિક આરોગ્ય કવરેજ હશે. દેશના લગભગ ૪.૫ કરોડ પરિવારો અથવા ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ વિશેષ સુવિધાનો લાભ મળશે. જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાનો હિસ્સો છે, જાે તેમના પરિવારમાં એક વ્યક્તિ પણ ૭૦ વર્ષથી વધુ વયની હોય, તો તેમને પ્રતિ વર્ષ ૧૦ લાખ રૂપિયાના દરે ટોપ-અપ હેલ્થ કવરેજ મળશે.
આ યોજનાનો લાભ લેવા વૃદ્ધો માટે 'આયુષ્માન વય વંદના કાર્ડ' બહાર પાડવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન ભારત કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે.
આ પણ વાંચો: પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તમને મેસેજ આવ્યો?
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.