પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની એક બેઠકમાં અખાડાના બે જૂથ વચ્ચે ભારે મારામારી થઈ હતી.

પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ
image credit - Google images

સંતનો દરજ્જો ભારતમાં ઈશ્વરના દૂત તરીકે ગણવામાં આવે છે પરંતુ કેટલાક લેભાગુ લોકો સંતોની ગરિમાને લાંછન લગાડે તેવા કૃત્યો કરતા હોય છે. આવું જ કંઈક આજે યુપીના પ્રયાગરાજમાં બન્યું હતું. અહીં મહાકુંભને લઈને યોજાયેલી અખાડાઓની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. એટલું જ નહીં અખાડાઓથી જોડાયેલા સંતોએ એકબીજાને લાફાવાળી કરી હતી અને ઢીકાપાટુ પણ માર્યા હતા. મહાકુંભના મેળા વહિવટી તંત્રની અખાડાઓની બેઠક કાર્યાલયમાં થવાની હતી. અખાડા પરિષદ હાલના દિવસોમાં બે ભાગમાં વહેંચાયેલું છે. બંને જૂથોના પદાધિકારી આ બેઠકમાં આમને-સામને થઈ ગયા અને વાદ વિવાદ બાદ મારામારી પણ થઈ.

મારામારીના કારણે મોડે સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સંતો વચ્ચે થયેલી મારામારીના કારણે બેઠક યોજાઈ શકી નહોતી. આજે પ્રયાગરાજ મેળા વહિવટી તંત્રની બેઠક યોજાવાની હતી. વહિવટી તંત્રની બેઠક માટે અખાડા પરિષદના બંને જૂથોને બોલાવવામાં આવ્યા હતા. ઓપચારિક રીતે બેઠકની શરૂઆત થતા પહેલા જ હોબાળો શરૂ થઈ ગયો હતો. મારામારીના કારણે આ ઘટનામાં કેટલાક સંતોને સામાન્ય ઈજા પણ આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મોત બાદથી અખાડા પરિષદ બે જૂથમાં વહેંચાયું છે.

આ ઘટનાને લઈને અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીજીએ જણાવ્યું હતું કે, 'જમીન વહેંચણીને લઈને વિવાદ થયો છે, કેટલાક સંતો તરફથી હોબાળો કરાયો હતો. મહાકુંભ માટે જમીન વહેંચણીને લઈને એકબીજા બંને જૂથોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સંતો ઝઘડ્યા હતા.'

બીજી તરફ નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર દાસે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ મેળો થાય છે ત્યારે અખાડાના પદાધિકારીઓને બોલાવવામાં આવે છે. પરંતુ કુંભ મેળામાં આવું બે-ત્રણ વાર થયું છે કે પદાધિકારીઓને બદલે અન્યને બેસાડવામાં આવે છે. જૂના અખાડાઓનો રેકોર્ડ સારો નથી, ઝઘડા કરવા અને વિવાદ કરવો એ જ તેમનું કામ છે. અમને ત્યાં બેસવા માટેની જગ્યા મળી નથી, જેના કારણે અમે વાત કરી હતી. જેને લઈને જૂના અખાડાના પ્રેમ ગિરીએ હુમલો કરી દીધો હતો.'

આ પણ વાંચો: વડતાલ સ્વામીનારાયણના સંતોએ રૂ. 1.55 કરોડની છેતરપિંડી આચરી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.