લોન લઈ કે દેવું કરીને બનેલો ડોકટર દર્દીની સેવા નહીં શોષણ કરશે

GMERS સંચાલિત મેડિકલ કોલેજોની ફીમાં રાજ્ય સરકારે 80 ટકા સુધીનો વધારો કરી દીધો છે. સ્થિતિ એવી પેદા થશે કે દલિત, આદિવાસીનો છોકરો કદી ડોક્ટર નહીં બની શકે.

લોન લઈ કે દેવું કરીને બનેલો ડોકટર દર્દીની સેવા નહીં શોષણ કરશે
image credit - Google images

ગુજરાત સરકાર દ્વારા જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોની ફી વધારા મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોન લઈને કે દેવું કરીને બનેલો ડોક્ટર દર્દીની સેવા નહીં પરંતુ શોષણ કરશે. એટલું જ નહીં, સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીમાં વધારો કરશે.

ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી(જીએમઇઆરએસ) હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ક્વોટાની બેઠક (સીટ)ની ફી જે રૂ. 3.30 લાખ હતી, તેને વધારીને રૂ. 5.50 લાખ કરી દીધી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠક માટેની ફી જે રૂ. 9.75 લાખ હતી, તેને વધારીને રૂ. 17 લાખ કરી દીધી છે. જ્યારે એનઆરઆઇ ક્વોટા માટેની ફી 22,000 ડોલર હતી જેને વધારીને 25,000 ડોલર કરી દેવાઈ છે. ફીમાં કરાયેલો વધારો આ શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે તેવો પરિપત્ર કરાયો છે.

રાજ્ય સરકારની જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કૉલેજમાં લાગુ કરાયેલા ફી વધારાનો ગુજરાતભરમાં ઠેર-ઠેર વિરોધ શરૂ થયો છે. ત્યારે આ મેડિકલ કોલેજોમાં થયેલા ફી વધારા મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. 

આ પણ વાંચો: આમા કેવી રીતે 'ભણશે ગુજરાત'?

કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારે મેડિકલ કૉલેજમાં 66 થી 88% ફીમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં રાજ્યની ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીમાં વધારો માંગશે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ફી વધારાનો પરિપત્ર રદ કરવાની જરૂર છે. લોન લઈને અને દેવું કરીને ડૉક્ટર બનનારો વ્યક્તિ ક્યારેય સમાજની સેવા નહીં કરે. આ પ્રકારના ડૉક્ટર દર્દીનું શોષણ કરશે. જેથી રાજ્ય સરકારે તાકીદે આ ફી વધારાનો પરિપત્ર રદ કરવાની જરૂર છે.

બીજી તરફ સરકારે આ ફી વધારા અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રાજયમાં 13 જિલ્લામાં GMERS સંચાલિત સ્વનિર્ભર એમબીબીએસ અને પીજી કોલેજો છે. રાજ્યના વિદ્યાર્થીઓને રાજયમાં સુવિધા મળી રહે તે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 8,500 કરોડનA કેપિટલ ખર્ચ કરીને આ કોલેજો અને હોસ્પિટલોનું નિર્માણ કરાયું છે. સરકારે ગત વર્ષે જીએમઇઆરએસને ફીની આવક સામે ૮૪૩.૨૬ કરોડ ફાળવ્યા છે.  

આ ૧૩ કોલેજોમાં એમબીબીએસની કુલ-૨૧૦૦ બેઠકોમાંથી ૧૭૮૫ (૧૫૭૫ સરકારી ક્વોટાની બેઠક અને ૧૦% પ્રમાણે ૨૧૦ મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો) ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરાય છે.

૧૫ ટકા એનઆરઆઇ બેઠકો (૩૧૫) પૈકી ગત વર્ષે ૧૦૨ બેઠકો એનઆરઆઇ ક્વોટાની ફી થી ભરાયેલ છે અને બાકીની ખાલી રહેલ ૨૧૩ પૈકી માત્ર ૧૫૩ મેનેજમેન્ટ ક્વોટાથી આમ, એનઆરઆઇ ક્વોટાથી ઓછી ફી લઇને મેનેજમેન્ટ ક્વોટા ભરાયેલ છે. મેનેજમેન્ટ ક્વોટામાં પણ ન ભરાતાં બાકી રહેલ ૬૦ બેઠક ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરાયેલ છે. આમ, ૧૭૮૫ + ૬૦ = ૧૮૪૫ બેઠકો ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરેલ છે.  

આમ, સરકારી ક્વોટામાં ભરાયેલ કુલ ૧,૮૪૫ અને મેનેજમેન્ટ ક્વોટામાં ભરાયેલ ૧૫૩ મળી કુલ ૧,૯૯૮ બેઠકમાંથી ૧,૩૬૫(આશરે ૬૯%) વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ, કન્યા કેળવણી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કિમ જેવી સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ મળેલ છે.  

ગત વર્ષના આંકડા મુજબ, જીએમઇઆરએસ સંચાલિત ૧૩ કોલેજ તથા સંલગ્ન ૧૪ હોસ્પિટલ ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે ૧,૧૬૮ કરોડ થયો છે. જેની સામે જીએમઇઆરએસની ફીની આવક ૪૨૩.૭૪ કરોડ થઈ છે. આથી ઘટ પડેલ ૭૪૪.૬૧ કરોડની રકમ સામે સરકારે ગત વર્ષે ૮૪૩.૨૬ કરોડ જીએમઇઆરએસને ફાળવ્યા છે.

આ પણ વાંચો: ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    સાચી વાત છે પણ માત્ર છોકરાનો જ કેમ, છોકરીનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ભલે આ વાત નાની લાગતી હોય પણ હકીકતમાં એ નાની વાત નથી.
    9 months ago