આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?

શાળા પ્રવેશોત્સવનો સરકારી તાયફો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં શિક્ષણની શું દયનિત સ્થિતિ છે તે વિશે પાલનપુરી લેખક-પત્રકાર હિદાયત પરમાર નક્કર આંકડાઓ સાથે વાત કરે છે.

આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?
image credit - Google images

‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ હેઠળ ૨૬,૨૭, ૨૮ જૂન ૨૦૨૪ એમ ત્રણ દિવસ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી થશે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. તેના લાભ છેક ગ્રામ્ય સ્તર સુધી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું આહવાન પણ કર્યું છે. રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. (જેમાંથી મોટા ભાગના પોતાના બાળકને ખાનગી શાળામાં મૂકીને પોતે સરકારી શાળામાં ઊજવણીના મહેમાન બનીને આવશે અને શિક્ષણના મહત્વ વિશેના પાઠ ભણાવશે.). બાળવાટિકાથી લઈને ધો. ૧૧ સુધી કુલ ૩૨.૩૩ લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જેમાં સરકારના દાવા મુજબ બાળવાટિકામાં ૧૧.૭૩ લાખ, ધોરણ ૧ માં ૩.૬૨ લાખ, ધો.૯ માં ૧૦.૩૫ લાખ અને ધો. ૧૧ માં ૬.૬૧ લાખ સાથે ૧૦૦% નામાંકન લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. (જો કે ખાનગી બાળવાટિકાઓએ નોંધણી સરકારમાં કરાવી જ નથી. ૫૦% કરતાં વધુ બાળકો ખાનગી પ્રિ-સ્કૂલમાં પ્રવેશ મેળવતા હોય છે.)

૫૦૦ રૂપિયાની ગ્રાન્ટમાં વધારો કર્યો કે કેમ? એ જાણકારી નથી મળી. છતાં પહેલા ધોરણમાં પ્રવેશ કરતા બાળકો માટે દફ્તર, કંપાસ, પેન, સ્લેટ, દેશી હિસાબ, નોટ જેવી કીટ તૈયારી, કાર્યક્રમનું યોગ્ય આયોજન કરાયું છે. કેમ કે અધિકારીઓ અને સત્તાપક્ષના નેતાઓની હાજરી તો હોવાની જ, તેની જવાબદારી શાળા,એસએમએસી અને ગામલોકોના શિરે આવશે. ત્રણ દિવસ સુધી ફ્રન્ટ પેજ પર વાહવાહીની જાહેરાતો આવશે. શિક્ષણને ત્રણ દિવસ પુરતું ખુબ પ્રોત્સાહન આપવાનું પરસેપ્શન બનાવવામાં આવશે અને તેની ચિંતા કરવામાં આવશે.

આ વખતે પ્રવેશોત્સવની ઊજવણી દરમિયાન ફીડબેક લેવામાં આવશે અને મૂળભૂત જરૂરિયાત જણાય તો ૬ મહિનામાં પુરી કરવામાં આવશે એવા દાવા કરવામાં આવ્યા છે. ખુબ જ સારી અને સરાહનીય પહેલ છે. સાથે આવી રાજ્યની કેટલી સરકારી શાળાઓ હશે જેમાં શિક્ષકોની ઘટ, ઓરડાની ઘટ, જર્જરિત ઓરડાઓ અને મૂળભૂત જરૂરિયાતો જ નથી, જેને લઈને અવારનવાર એ શાળાઓ, વિસ્તારના લોકોની રજૂઆતો સાથે સમાચારો બન્યાં, વર્ષો થઈ ગયા હોવા છતાં હજી સુધી કોઈ જ નિરાકરણ લાવવાની શરુઆત સુદ્ધાં નથી થઈ.

શિક્ષણ વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રીની હાજરીમાં ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખુદ સ્વિકારતાં કહે છે કે "કરોડો ખર્ચ છતાં સરકારી શિક્ષણ સુધરતું કેમ નથી?" આપણે ત્યાં વર્ષોથી પ્રવેશોત્સવ અને ગુણોત્સવોની ધૂમ છે. પાઠ્યપુસ્તકોમાં છબરડા એ પણ વર્ષો પછી ખબર પડે, બજેટમાં શિક્ષણ માટે ન બરાબર જોગવાઈ, ડ્રોપ આઉટ રેશિયો ખુબ જ ઊંચો, શું કારણ છે કે દિવસે ને દિવસે સરકારી શિક્ષણ કથળતું જાય છે? (૨૦૨૨માં ગુજરાતમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૨૩.૩% નેશનલ એવરેજથી પણ વધુ હતો. ૨૦૨૩માં ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો નેશનલ એવરેજથી ૫.૩% વધુ - ધો.૬ થી ૮નો રેશિયો ૫. ધોરણ-૬ થી ૮માં સૌથી વધુ વિદ્યાર્થિનીઓ અને ધો.૯ થી ૧૦માં ૧૭.૯% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. સેકન્ડરીમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. ધોરણ ૧ થી ૭માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો  ૩૩.૧૭% થી ઘટીને ૩.૦૧% સુધી આવી ગયો છે. જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩% થી વધીને ૯૩.૧૨% ટકા સુધી પહોંચી ગયો છે. જે ખુબ જ સારી બાબત છે. સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા પ્રયાસો સરાહનીય છે.) 

૨૦૨૩ના કેટલાક સમાચાર પત્રોના સમાચારો મુજબ જોઈએ તો..

- અમદાવાદ જિલ્લાના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો હતો. વિનોદ રાવ સાહેબના આદેશથી DEO એ શાળાઓને વોઇસ મેસેજ મોકલ્યો હતો કે તે વિદ્યાર્થીઓને શોધીને, ઘરે જઈને, રજીસ્ટર કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડો. એનું શું થયું? એકાદ આંકડો તો બહાર પાડો તુલનાત્મક ચાર્ટ સાથે.

-ગુજરાતમાં ૨૫ વર્ષમાં વોકેશનલ કોર્સના શિક્ષકોની ભરતી નથી કરી. 

- ગુજરાતી માધ્યમની શાળાઓ મરણપથારીએ પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૭ કરતાં વધારે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ. 

- ૧૨૦થી વધારે ઉચ્ચત્તર-માધ્યમિક શાળાઓને તાળા લાગ્યા છે. આ ઉપરાંત ૭૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે.

- અમદાવાદ જિલ્લામાં વધુ ૧૨ જેટલી સરકારી શાળાઓને તાળા વાગવા જઈ રહ્યા છે.

૨૦૨૩-૨૪ ના વિધાનસભાના આંકડા જોઈએ તો, રાજ્યની શાળાઓમાં ૩૨ હજારથી વધુ શિક્ષકો ૩૫૦૦ આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે. સૌથી વધુ ખાલી જગ્યા દાહોદ અને કચ્છમાં, જે શિક્ષણની ગુણવતા સામે સવાલો ઉભા કરે છે.

- ૭૧ શાળાઓમાં શિક્ષકોની ઘટ

- ૧૬૦૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

- ૨૦ શાળાઓ જ્યાં પાંચથી ઓછા શિક્ષકો. 

- ૮૬ શાળાઓમાં ૫ થી ૧૦ જ વિદ્યાર્થીઓ. 

- ૪૧૯ શાળાઓ ૨૧ થી ૩૦ જ વિદ્યાર્થીઓ. 

- ૬૦૦ શાળાઓ જેમાં ૩૧ થી ૬૦ શિક્ષકો. 

- રાજ્યની ૧૦૨૮ પ્રાથમિક શાળા અને ૨૫૪૯ સરકારી તેમજ ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં આચાર્ય જ નથી.

૨૦૨૨ના વર્ષના આંકડા જોઇએ તો વિધાનસભાના આંકડા મુજબ ૮૬ શાળાઓ બંધ કરાઈ, ૪૯૧ મર્જ કરી.

- ૧૦,૦૦૦ ઉપર શિક્ષકોની ઘટ.

- ૧૯,૧૨૮ વર્ગખંડોની ઘટ. બનાસકાંઠા બીજા નંબરે ૧૫૦૦ની ઘટ. ૧૪ જિલ્લાઓમાં એક પણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. ૨૦૧૫ની સ્થિતિએ પ્રાથમિક શાળામાં ૮૩૮૮ ઓરડાની ઘટ  જોવા મળી હતી. સામે ૨૦૧૭માં ૧૬ હજાર ૦૮ ઓરડાની ઘટ સામે આવી હતી. ૨૦૨૧માં પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ ૧૮ હજાર ૫૩૭ પર પહોચી હતી.

- લગભગ ૭૦૦ જેવી શાળાઓમાં એક જ શિક્ષક છે. (ભરતી કરવામાં વિલંબ) 

- ૪૦૦૦ થી વધુ શાળાઓમાં મેદાન નથી

- ૨૦૦૭-૦૮ બાદ વ્યાયામ શિક્ષકની ભરતી જ નહીં, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી છેલ્લે નવેમ્બર ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી. 

- શિક્ષણને લગતા ન હોય એવા ન કરવાના કામો શિક્ષકોને સોપવામાં આવે છે. 

- શિક્ષણનું વ્યાપારીકરણ કરી ધીકતો ધંધો બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. અંગ્રેજી માધ્યમોનો ક્રેઝ વધવાથી માતૃભાષાની શાળાઓને થઈ રહ્યું છે નુકસાન. 

RTE હેઠળ ઓછા બાળકોને પ્રવેશ અપાય છે. રાજ્ય સરકાર RTE હેઠળ પ્રવેશમાં ઉદાસીનતા દાખવે છે. RTE હેઠળ રાજ્યમાં ૨૦૨૦-૨૧માં ૯૮,૩૧૨ બાળકો સામે ૭૮,૯૮૯ને જ પ્રવેશ અપાયો તો વર્ષ  ૨૦૨૧-૨૨માં ૭૫,૫૦૩ બાળકો સામે ૬૪,૧૭૫ બાળકોને જ પ્રવેશ અપાયો. સરકારે બે વર્ષમાં ૧,૪૩,૧૬૪ બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો હતો. આ દરમિયાન  ૩૦,૬૫૧ ઓછા બાળકોને પ્રવેશ અપાયો. ૨૦૨૪-૨૫ માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી ૨.૩૫ લાખથી વધુ ફોર્મ ભરાયા, જેમાંથી ૧.૬૬ લાખથી વધુ ફોર્મ માન્ય થયા. ખાનગી શાળાઓમાં ૨૫% લેખે ૪૩,૮૯૬ બેઠકો RTE હેઠળ બાળકોને પ્રવેશ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે

એજ રીતે બાળકોના આરોગ્ય બાબતે જોઈએ તો, પ્રવેશોત્સવ,ગુણોત્સવ,કન્યા કેળવણીની જેમ શાળા આરોગ્ય સપ્તાહ ચાલ્યું થોડા દિવસ. કૂપોષણ મુક્ત ગુજરાત પાછળ કરોડોનો ધુમાડો છતાંય સ્થિતિ એમની એમ જ શું વધારે કથળી છે. ગુજરાતે તો કુપોષણ સામે એક પોલીસી બનાવી પરંતુ આ પોલીસી બાળકોને કામ લાગતી નથી. પોલીસીમાં ત્રુટીઓ હોવાથી બાળકોની સમસ્યા દૂર થઇ શકતી નથી. બાળકોના કુપોષણની સ્થિતિ ખુબ જ ગંભીર દિવસે દિવસે બનતી ગઈ. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ રાજ્ય સરકારે પોતે કબૂલ્યું કે રાજ્યના ૩૧ જિલ્લામાં ૫.૭૦ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર (૪૧,૬૩૨ ગંભીર કુપોષિત) છે. જે ૨૦૨૨માં ૧.૨૫ લાખ હતી. ચાર ગણો વધારો થયો.. ગુજરાતમાં ચાર લાખથી વધુ ઓછા વજનવાળા અને ૧.૭૦ લાખથી વધુ અતિ વધુ ઓછા વજનવાળા બાળકો છે. 

બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૨૦૧૩ માં સરકારે કુપોષણ નાથવા બનાસકાંઠા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતનાના ૨૩૭ સરકારી કર્મચારીઓએ બાળકો દત્તક લીધા હતા. એ વખતે જિલ્લામાં ૯૯૦૦ જેવા ૧૬ વર્ષ સુધી વયના બાળકો કુપોષિત હતા.૩૭૬૦ અતિ કુપોષિત હતા.તે વર્ષે પણ ૨૧ કરોડ જેટલુ બજેટ ફાળવ્યું હતું..૨૦૧૮ માં બનાસકાંઠામાં ૬૫૩૯ બાળકો કુપોષિત હતા. ૨૦૨૨ માં ૪૮૩૮ અને ૨૦૨૩ માં આ આંકડો ૪૮,૮૬૬ અને ૨૦૨૪ માં ૨,૨૫,૮૦૫ બાળકોમાંથી ૨૦% એટલે ૪૪,૯૫૩ ની સંખ્યા છે. આદિવાસી વિસ્તાર દાંતા તાલુકામાં સૌથી વધું ૬૭૫૩ બાળકોની સંખ્યા છે. 

કુપોષણની સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ICDS હેઠળ આંગણવાડી કેન્દ્રોની સ્થાપના કરવાની હોય છે. ફેબ્રુઆરી ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યમાં ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રની આવશ્યક્તા સામે સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ૨૦૧૫-૧૬ સુધીમાં બનેલા ૫૩૦૨૯ આંગણવાડી કેન્દ્રો(૪૩,૧૬૩ પોતાના મકાનમાં અને ૯,૮૬૬ પાસે પોતાનું મકાન નથી, ૭૮૨ આંગણવાડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી.) હતા એટલે કે રાજ્યના ૩૪ લાખ લાભાર્થી બાળકોને આ કાર્યક્રમમાં આવરી લેવાયા નથી જેથી સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા સાત વર્ષમાં એકેય નવી આંગણવાડી નથી બનાવી.૨૦૦૮-૦૯થી નવા મકાનો બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. પરંતુ નાના ભૂલકાઓ માટે આંગણવાડી બનાવવા માટે ન તો સમય છે ના પૈસા! યુનિસેફ ચિલ્ડ્રન ફુડ પોવર્ટી રિપોર્ટ મુજબ ભારતમાં બાળકોની ખાદ્ય સુરક્ષાને મામલે વિશ્વનો આઠમો સૌથી ખરાબ દેશ છે. 

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને ખુબ સરસ અને સુંદર વાતો કરવામાં આવે છે. પરંતુ જમીની હકીકત કંઈક જુદી છે. મીડિયા રિપોર્ટમાં સામે આવેલા આંકડા પરથી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય હોવાનું જણાય છે. ત્યારે આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત? આવતા વર્ષે યોજાનારા કન્યા કેળવણી - શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવી ફ્રંટ પેજ પર આના સુધારા વધારા સાથેના સાચા આંકડાઓ તુલનાત્મક રીતે રજૂ થાય એવી શુભકામનાઓ.

હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)

આ પણ વાંચો: આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે

.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Bharatkumar
    Bharatkumar
    પ્રવેશોત્સવ માટે હજી પણ ફક્ત રૂ. 500 ની ગ્રાન્ટ જ મળે છે, એમાં કોઈ ફેરફાર નથી થયો.