દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં
રવિવારે રાત્રે એક દલિત યુવક નિર્દયતાથી માર મારેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. ગામલોકો તેની લાશ પોલીસ સ્ટેશને લઈ પહોંચી ગયા અને ન્યાયની માંગણી કરી.
ભારતમાં દલિતો પર અત્યાચારની ઘટનામાં તમે એક કોમન બાબત જોઈ હશે. પીડિત દલિત વ્યક્તિનું મોત શંકાસ્પદ હોય છે. આરોપીઓ કોણ છે તેની પીડિતના પરિવારને જાણ હોય છે, પણ પોલીસ સાવ અજાણ થઈને આખા મામલાની તપાસ કરતી હોય છે.
છેલ્લે પીડિતનો પરિવાર ન્યાય મેળવવા માટે રઘવાયો થાય છે અને આખો મામલો આંદોલનમાં ફેરવાઈ જાય છે. અંતે પોલીસ કોઈ તપાસ સમિતિ નીમી દે છે અને પછી મુદ્દો લાંબા સમય સુધી અભેરાઈએ ચડી જાય છે.
આવા સેંકડો કેસો આપણી નજર સામે છે. ગુજરાતમાં થાનગઢ હત્યા કેસ મુદ્દે હજુ પણ ગુજરાત સરકાર રિપોર્ટ જારી કરતી નથી એ તેનું એક મોટું ઉદાહરણ છે.
મહિલાઓ માટે નર્ક સમાન ગણાતા રાજસ્થાનમાં હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પીડિત દલિત પરિવારે ના છુટકે રસ્તા પર ઉતરવું પડ્યું છે. કેમ કે, તેમના એક યુવકનું મોત થઈ ગયું હોવા છતાં પોલીસ કશું કરી રહી નથી તેવો આક્ષેપ લાગ્યો છે.
રાજસ્થાનના જોબનેર પોલીસ સ્ટેશનના હિંગોનિયામાં રવિવારે રાત્રે રસ્તાની બાજુમાં એક દલિત યુવક ઢોર માર મારેલી હાલતમાં પડ્યો હતો. પરિવારજનો જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં તેનું મોત થઈ ગયું.
મૃતકનું નામ અજય કુમાર છે અને તે ટેંટ બનાવવાનું કામ કરતો હતો. રવિવારે તે મુખ્ય રસ્તાની બાજુમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અને તેણે સોમવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
અજયનું મોત થતા તેના પરિવારજનો ગુસ્સે ભરાયા હતા અને તેની લાશ લઈને હિંગોરિયા પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા, જ્યાં રોડ બ્લોક કરી દઈને હોબાળો મચાવ્યો હતો. ધરણા પર બેઠેલા ગામલોકોએ અજયના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની, તેના પરિવારને રૂ. 50 લાખનું વળતર આપવાની અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરી છે. પોલીસ તંત્ર ધરણા પર બેઠેલા ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન કરતું રહ્યું પણ કોઈ ટસનું મસ નહોતું થયું. દરમિયાન જોબનેર, રેનવાલ સહિત આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?
એ દરમિયાન જયપુર ગ્રામ્ય એસપી શાંતનુ કુમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગામલોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પણ કોઈ તેમનું કહ્યું માન્યું નહોતું. ગામલોકોએ પોલીસ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો 24 કલાકની અંદર આરોપીઓને પકડવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે અને એ પછી જે કંઈપણ થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારની રાતે મૃતક દલિત યુવક અજય કુમાર ઈજાગ્રસ્ત સ્થિતિમાં રસ્તાની બાજુમાં પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દરરોજ દલિતો પર અત્યાચારની કોઈને કોઈ ઘટના બનતી રહે છે પણ ગુજરાતની જેમ અહીં પણ સરકાર દલિતોને ન્યાય અપાવવામાં સતત પાછી પાની કરતી હોવાના આક્ષેપો લાગતા રહે છે. જોવાનું એ રહે છે કે, અજય કુમારના કેસમાં ન્યાય મળે છે કે નહીં.
આ પણ વાંચો: દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો
.