દલિત દંપતિ પોલીસ સાથે વાવણી કરવા ગયું, જાતિવાદીઓએ બધાંને માર્યા
એક ગામમાં જાતિવાદીઓનો ખૌફ એટલો કે દલિતો તેમના ખેતરમાં વાવણી પણ નહોતા કરી શકતા. એક વૃદ્ધ દલિત દંપતિએ પોલીસ સાથે એ હિંમત કરી પણ...
ગામડાઓમાં એક વેંત જમીન પણ દલિતોના હાથમાં ન જાય તે માટે જાતિવાદી તત્વો સતત એક્ટિવ રહેતા હોય છે. સરકારી ધોરણે દલિતોને મળેલી હકની જમીન પણ ગામની માથાભારે કોમના લુખ્ખા તત્વો તેમને ખેડવા દેતા નથી. આવું માત્ર ગુજરાત જ નહીં દેશના લગભગ તમામ રાજ્યોમાં દલિત, આદિવાસી સમાજ સાથે બનતું રહે છે. ઘણાં કેસમાં પોલીસની હાજરીમાં દલિતો પોતાના હકની જમીન ખેડવા ગયા હોય તો પણ તેમના પર અને પોલીસ પર હુમલા થયાની ઘટનાઓ બને છે. આ ઘટના તેમાં વધુ એક ઉમેરો છે.
જો કે અહીં મામલો આનાથી પણ ક્યાંય ગંભીર છે. કેમ કે, અહીં ન તો દલિતો સરકારી રાહે જમીન મેળવવા ગયા છે, ન તો જમીન અંગે કોઈ વિવાદ છે. તેમ છતાં જાતિવાદીઓ ગામના એકેય દલિતને તેમની માલિકીની કાયદેસર જમીનો પર પણ વાવણી કરવા જવા દેતા નથી. જાતિવાદી તત્વોની બીક એટલી બધી છે કે, વરસાદ પડી ગયો છે, ગામના કથિત સવર્ણોએ તેમના ખેતરોમાં વાવણી કરી દીધી છે, પણ દલિતો તેમના ખેતરોમાં હજુ પગ પણ મૂકી શકતા નથી. એક વૃદ્ધ દલિત દંપતિએ તેની પોલીસ જાપ્તા વચ્ચે હિંમત કરી જોઈ પણ તેનું પરિણામ દુખઃદ આવ્યું.
દલિત દંપતિ ખેતરમાં વાવણી કરવા માટે ગયું હતું. ગામના જાતિવાદી તત્વો તેમને હેરાન કરશે, માર મારશે તેવી બીકના કારણે તેઓ પોલીસનો જાપ્તો સાથે લઈને વાવણી કરવા ગયા હતા. પણ તેમ છતાં જાતિવાદી તત્વો ત્યાં પહોંચી ગયા હતા અને દલિત દંપતિને માર મારી વાવણી કરતું રોક્યું હતું. એટલું જ નહીં પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસ જવાનોને પણ ભગાડ્યા હતા.
રાજસ્થાનના સવાઈ માધોપુરની ઘટના
મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં સવાઈ માધોપુરમાં લુખ્ખા તત્વો સામે પોલીસ પણ લાચાર જોવા મળી, જ્યાં પોલીસનો જાપ્તો હોવા છતાં જાતિવાદી તત્વોએ એક દલિત દંપતિ પર હુમલો કર્યો હતો.
ઘટના રાજસ્થાનના કિશનપુરા છાહરા ગામની છે. અહીં ખેતરમાં વાવણી કરવા માટે ગયેલા એક દલિત દંપતિ સાથે જાતિવાદી લુખ્ખા તત્વોએ મારામારી કરીને તેમને ખેતર ખેડતા રોક્યા હતા. મહત્વની વાત એ છે કે, પોલીસ જાપ્તા વચ્ચે તેઓ વાવણી કરવા માટે ગયા હતા, તેમ છતાં પોલીસ તેમનું રક્ષણ કરી શકી નહોતી. એટલું જ નહીં લુખ્ખા તત્વોએ પોલીસને પણ મારીને ભગાડી દીધી હતી.
છેલ્લાં 6 મહિનાથી દલિતોને હેરાન કરાય છે
મળતી માહિતી પ્રમાણે સવાઈ માધોપુર જિલ્લાના બહરાવંડા કલાં પોલીસ સ્ટેશન હેઠળ આવતા કિશનપુરા છાહરા ગામમાં જાતિવાદી તત્વો છેલ્લાં 6 મહિનાથી દલિતોને હેરાન કરી રહ્યાં છે. અહીં થોડા મહિના પહેલા દલિત સમાજના એક સામાજિક પ્રસંગમાં ટ્રેક્ટર ટ્રોલી લઈને ગયેલા અન્ય સમાજના એક યુવકનું ખૂન થઈ ગયું હતું. એ વખતે 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરીને મામલો થાળે પાડી દીધો હતો. જો કે દલિતોને આ કેસ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં છેલ્લાં 6 મહિનાથી ગામના જાતિવાદી તત્વો સમયાંતરે દલિત સમાજના લોકોને માર મારે છે, ધમકી આપે છે. એટલું જ નહીં, જાતિવાદી તત્વો દ્વારા દલિતોના ખેતરોમાં જાણી જોઈને ભેલાણ કરવામાં આવે છે, તેમની જમીનો પર કબ્જો કરી લેવામાં આવે છે.
જાતિવાદી તત્વોની આ નાગાઈને કારણે ગામના દલિતો પોતાના જ ખેતરોમાં વાવણી કરી શકવા જઈ શકતા નથી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે એક દલિત દંપતિએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પોતાના ખાલી પડેલા ખેતરમાં વાવણી કરવા જવા માટે પોલીસ જાપ્તાની જરૂર હોવાની અરજી કરી હતી. જેને મંજૂર રાખીને બહરાવંડા કલાં પોલીસ તેમને જાપ્તા સાથે તેમના ખેતરો ખેડવા માટે લઈ ગઈ હતી. પણ જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થાની પણ કોઈ બીક ન હોય તેમ તેમની મહિલાઓએ પોલીસ અને દલિત મહિલાઓ પર હુમલો કરી દીધો હતો અને વૃદ્ધ દલિત દંપતિને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન
આ આખી ઘટનામાં ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે, જાતિવાદી તત્વોએ પોલીસને પણ ફટકારી હતી. દલિત દંપતિ સાથે જાપ્તામાં સાથે આવેલા પોલીસકર્મીને જાતિવાદી ગુંડાઓએ ભારે માર માર્યો હતો અને તેમને ઉભે રસ્તે ભગાડ્યા હતા. પોલીસ જાતિવાદીઓ સામે લાચાર નજરે ચડી હતી. પોલીસની નજર સામે જ લુખ્ખા જાતિવાદી તત્વો દલિત દંપતિને માર મારતા રહ્યા હતા અને પોલીસ લાચાર વદને આખા મામલામાં કશું કરી શકી નહોતી. આખરે અન્ય લોકોને ઘટનાની જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જેમતેમ કરીને દલિત દંપતિને દવાખાને લઈ ગયા હતા.
દવાખાનામાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ દંપતિને વધુ સારવાર માટે સવાઈ માધોપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ જાતિવાદીઓને જેર કરવા માટે બહરાવંડા કલાં પોલીસ સ્ટેશન અને તેની આસપાસના પોલીસ સ્ટેશન પરથી વધારાનો પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવી હતી.
દલિતો ઘર છોડીને જઈ રહ્યા છે
આ ગામમાં જાતિવાદી તત્વોનો દલિતો પર ત્રાસ એ હદે વધી ગયો છે કે, છેલ્લાં 6 મહિનામાં અનેક દલિત પરિવારો ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે. એમાં પણ પોલીસની હાજરી છતાં દલિત દંપતિ પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યા બાદ દલિતોને લાગી રહ્યું છે કે, પોલીસ પણ તેમની સુરક્ષા કરી શકે તેમ નથી. આથી એક પછી એક દલિત પરિવારો પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા માટે જવા માંડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ તેમને ગામમાં જ રોકાવાનું કહીને સુરક્ષાની ખાતરી કરાવી શકતી નથી.
સવર્ણ મીડિયાની ચાલાકી
આટલી ગંભીર ઘટનામાં પણ સવર્ણ મીડિયા જાતિવાદી રમત રમતા શરમાયું નથી. અગાઉ થયેલા ખૂનમાં યુવક જાટ સમાજનો હતો એટલે તેની તરફેણમાં સવર્ણ મીડિયાએ જબરદસ્ત વાતાવરણ ઉભું કરવા પ્રયત્ન કર્યો હતો. પણ હવે જાતિવાદી તત્વો કશા જ વાંક ગુના વિના દલિત સમાજના લોકો પર હુમલો કરી રહ્યા છે ત્યારે જાતિવાદીઓનું ગુલામ મીડિયા તેમના નામ પણ પોતાના રિપોર્ટમાં લખતું નથી. રાજસ્થાનના તમામ મોટા મીડિયા હાઉસે આ ઘટનાના પોતાના રિપોર્ટમાં આરોપીઓના નામ કે તેમની જાતિનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. જેના કારણે આખી ઘટનાનું રિપોર્ટિંગ સાવ નિમ્ન સ્તરનું બનીને રહી જાય છે. આરોપીઓ કોણ છે તેની જ જો વાચકોને ખબર ન પડે તો પછી તેની જાતિની ખબર ન પડે અને એ રીતે જાતિવાદીઓ દલિતો વાચકોની નજરથી બચી જાય. બસ આ ખેલ સતત ચાલતો રહે છે અને આ કેસમાં પણ એવું જ થયું છે.
આ પણ વાંચો: જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Shamat RajvanshiAA ghatna bahu dukhdayak chhe. Kya kya ladvu ne kya kyathi bachvu e Gambhir samasya chhe.