ખેતરમાં દવા છાંટવા ન જતા દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો
દલિત યુવકે ખેતરમાં દવા છાંટવા જવાની ના પાડી તો જાતિવાદી ખેતરમાલિકે તેને પકડીને ખાંસડામાં પેશાબ ભરીને પીવડાવ્યો.
આઝાદ ભારતમાં દલિતો પર જે રીતે અત્યાચારો થાય છે તે જોતા આઝાદીને લઈને પણ સવાલો ઉઠવા માંડે તેવી સ્થિતિ નિર્માણ પામતી જાય છે. એટ્રોસિટીના કેસોમાં જો પીડિતોને યોગ્ય ન્યાય મળે તો જાતિવાદી તત્વોની સાન ઠેકાણી આવી જાય, પણ કાયદો કાયદાનું કામ કરતો નથી અને તેના કારણે જાતિવાદી તત્વોની ફેણ ફાટતી જાય છે અને તેઓ દલિતો પર અત્યાચારને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજી બેસે છે. આ પ્રકારની માનસિકતા આજે પણ દેશના લાખો ગામડાઓમાં વસતા કથિત ઉચ્ચ જાતિના લોકોમાં ભરી પડી છે અને આ ઘટના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
એક ગામમાં દલિત યુવકને ગામના કથિત ઉચ્ચ જાતિના વ્યક્તિએ પોતાના ખેતરમાં દવા છાંટવા માટે આવવા કહ્યું હતું. જેની સામે યુવકે હાલ જે મજૂરી ચાલતી હતી તે ચૂકવવા આગ્રહ રાખ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા ખેતર માલિકે દલિત યુવકને ત્યાં જ ફટકાર્યો હતો. જેનાથી બચીને યુવક પોતાના ઘરે આવી ગયો હતો. જો કે જાતિવાદી ખેતર માલિક આટલેથી ધરાયો નહોતો અને તેણે પોતાના સાગરિતો સાથે યુવકના ઘરે પહોંચી જઈને લાકડીઓ અને દંડાથી દરવાજા પર હુમલો કરી તેને બહાર ખેંચી કાઢી પોતાના ખાંસડામાં પેશાબ ભરીને પીવડાવ્યો હતો.
મામલો મધ્યપ્રદેશનો છે. અહીં શિવપુરી જિલ્લાના બગેદરી ગામનો 32 વર્ષનો રાજેશ જાટવ 14 જુલાઈના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ મજૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે કરૈરા ગામના રામસિંહ ઠાકુરે તેને રસ્તામાં રોકીને ખેતરમાં દવા છાંટવા માટે કેમ ન આવ્યો તેમ પૂછ્યું હતું. જેના પર રાજેશે તેમને પુરતી મજૂરી આપવા માટે કહ્યું હતું અને મજૂરી પેટે રૂ. 500 આપો તો કાલથી આવી જઈશ તેમ જણાવ્યું હતું.
રાજેશની આવી માંગથી રામસિંહ ઠાકુર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે રાજેશને ત્યાં જ માર માર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી ગભરાઈને રાજેશ ઘરે આવી ગયો હતો. જો કે આરોપી રામસિંહ તેના સાગરિતો સાથે લાકડીઓ અને દંડા લઈને તેના ઘરે પહોંચી ગયો હતો અને તેના ઘરના દરવાજા પર લાકડી-દંડાથી ઘા કર્યા હતા. એ પછી તેણે રાજેશને ઘરમાંથી બહાર કાઢ્યો હતો અને તેને પોતાના ખાંસડામાં પેશાબ કર્યા બાદ બધાંની હાજરીમાં પીવડાવ્યો હતો. આ મામલે સમગ્ર પંથકમાં હોબાળો મચી જતા દલિત સંગઠનો રાજેશની વ્હારે આવ્યા હતા અને એસસી એસટી એક્ટ સહિતની કલમો મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હળવી કલમો લગાવ્યાનો આક્ષેપ
આખી ઘટનામાં પીડિત રાજેશ જાટવે આક્ષેપ કર્યો છે કે, રામસિંહ ઠાકુરે તેની સાથે જે કર્યું તેને લઈને તે બીજા દિવસે 15 જુલાઈના રોજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયો હતો. પણ પોલીસે તેની ફરિયાદ લીધી નહોતી. એ પછી તેણે રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરવો પડ્યો.
આ પણ વાંચો: આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ તપાસ કરાવીશું- રાજસ્થાનના શિક્ષણમંત્રી
ત્યારે જતી પોલીસે મોડી સાંજે પોલીસે કલમ 126(2), 332, 115(2), 296, 351(3) BNS 3(1) (દ), 3(1)(ધ), 3(2) અને SC/ST એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. જો કે, રાજેશનો આરોપ છે કે, પોલીસે આરોપીએ તેને પેશાબ પીવડાવ્યો તે સંબંધમાં જે કલમો લગાવવી જોઈએ તે લગાવી નથી અને હળવી કલમો લગાવીને આરોપીનો બચાવ કર્યો છે.
ભીમ આર્મી યુવકની મદદે આવી
સમગ્ર ઘટનાની જાણ મધ્યપ્રદેશ ભીમ આર્મીને થતા શીવપુરી વિસ્તારના તેના કાર્યકરો રાજેશની મદદે આવ્યા હતા. ભીમ આર્મીએ મંગળવારે એસડીએમને આવેદનપત્ર આપીને આ કેસમાં યોગ્ય કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
બીજી તરફ પોલીસે આરોપીએ યુવકને પેશાબ પીવડાવ્યાની વાતને ફગાવી દીધી છે. કરૈરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિનોદ છાવઈનું કહેવું છે કે, દલિત યુવકને પેશાબ પીવડાવવા સંબંધિત આરોપો પાયાવિહોણા છે. આ તરફ ભીમ આર્મીના કાર્યકરોનું કહેવું છે કે, પોલીસ દ્વારા યોગ્ય કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી અને તેઓ પેશાબ પીવડાવવાની વાતનો છેદ ઉડાડી દઈને આરોપીને બચાવવા પ્રયત્નો કરી રહી છે. પહેલા તો ફરિયાદીની ફરિયાદ જ લેવામાં આવતી નહોતી. પરંતુ ચક્કાજામ થયા બાદ પોલીસે ફરિયાદ લેવા મજબૂર થવું પડ્યું હતું. એ જ બતાવે છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે.
પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું હતું કે, ગામમાં એક મહિલા સાથે છેડતીની ઘટના બાદ પરિહાર સમાજના લોકોએ મારામારી કરી હતી અને એ લોકો રામસિંહ ઠાકુરને ત્યાં કામ કરે છે. આગળ તપાસમાં જે પણ વિગતો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત કિશોરને પકડીને ત્રણ બ્રાહ્મણોએ બોટલમાં પેશાબ ભરીને પીવડાવ્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kantibhai Rathodદેવી શ્રી ફુલન દેવી ની જેમ જાતે જ બહારવટું ખેલવું પડે કા તો મરવું સારું