ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ
ગુજરાત સરકારે બનાવેલા અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પહેલીવાર ધરપકડ કરવામાં આવી અને એ એક દલિત યુવકની છે.
જેનો ડર હતો એજ થઈ રહ્યું છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને અંધશ્રદ્ધા ન ગણતી ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો તેમાં આ બંને પ્રવૃત્તિઓને ચોક્કસ જાતિના લોકોના લાભ માટે જાણે બાકાત રખાઈ હોય તેમ સ્પષ્ટ જણાય છે. ત્યારે આ કાયદા હેઠળ પહેલીવાર ધરપકડ કરાઈ છે અને તે એક દલિત યુવકની છે.
આ કાયદો બન્યો ત્યારે એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે, તેનાથી મોટાભાગે દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે, જ્યારે ખૂલ્લેઆમ ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી લોકોને લૂંટતા વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓને આ કાયદામાંથી બાકાત રાખીને સરકારે રીતસરના તેમને છાવર્યા છે. અને એવું જ થઈ રહ્યું છે.
ધોરાજીમાં એક દલિત યુવકે ચિતા પર બેસીને ધૂણીને વિધિ કરતો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ પોલીસે તેની અંધશ્રદ્ધા કાયદા હેઠળ ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું હતું કે ધૂણવું ગુનો નથી, પરંતુ તેનો આ રીતે પ્રચાર કરવો તે એક રીતે અંધશ્રદ્ધાનો પ્રચાર કરવા બરાબર હોવાથી અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. (જો કે, આ જ પોલીસને જ્યોતિષીઓ અને વાસ્તુશાસ્ત્રના નામે ચાલતા ધતિંગ અને તેના પ્રચારમાં અંધશ્રદ્ધા કેમ નથી દેખાતી?)
મામલો શું હતો?
ધોરાજીના સ્મશાનમાં અશ્વિન મકવાણાના નામનો એક દલિત યુવક ચિતા પર બેસીને ધૂણી રહ્યો હોય અને પછી કાળા કપડામાંથી કેટલીક ધાર્મિક સામગ્રી કાઢી તેની પૂજા કરી રહ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. વિડીયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને પોલીસે અશ્વિનની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને જામીન આપી દીધા હતા.
નવો કાયદો બન્યો ત્યારે ધૂણવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આખરે સરકારે સ્પષ્ટતા કરવી પડી કે જ્યારે ધૂણવાનો મુદ્દો આ કાયદા હેઠળ આવરી લેવામાં આવતો નથી, તો પછી વાયરલ વીડિયોમાં ધૂણનાર અને અન્ય કોઈ વ્યક્તિ ધૂણનાર કરે તેમાં શું તફાવત છે? આ સમજવા માટે પોલીસ અને આરોપીના વકીલ સાથે વાતચીત કરાઈ હતી.
પોલીસનું કહેવું છે કે આરોપી આવી ધાર્મિક વિધિઓ કરીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો હતો. જેના કારણે તેમના પર નવા કાયદા મુજબ કલમ લગાવવામાં આવી છે. જે વ્યક્તિ અંગત રીતે પોતાની આસ્થાના ભાગરૂપે ધર્મનું પાલન કરે છે તેનો વાંધો નથી, પરંતુ જો તે તેનો પ્રચાર કરે તો તેની સામે આ કાયદા હેઠળ ગુનો નોંધી શકાય છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અશ્વિન ઝાલા XI પર પોસ્ટ કરી છે, જેના દ્વારા તે પોતાનો પ્રચાર ફેલાવવા માંગતો હતો અને લોકોને બતાવવા માંગતો હતો કે તે આ કરી રહ્યો છે તેથી એક રીતે તે અંધશ્રદ્ધા ફેલાવવાનો મામલો છે. નવા કાયદા મુજબ લોકોમાં ભય ફેલાવવો અને અંધશ્રદ્ધા ફેલાવવી એ ગુનો છે.
પોલીસે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં જામીન મળતા નથી પરંતુ આ ગુનામાં આરોપીને નોટિસ આપીને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરી શકાય છે. સમાજમાં આવી પ્રવૃતિઓ ફરી ન થાય તે માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને જામીન આપ્યા છે.
ધોરાજી પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીનું નામ અશ્વિન મકવાણા છે અને તે ધોરાજીના વાલ્મીકીવાસમાં રહે છે. તે મ્યુનિસિપાલિટીમાં કોન્ટ્રાક્ટ પરનો સેનિટેશન વર્કર છે પણ તેની પાસે તેનું કોઈ આઈડી નથી.
પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, તેણે કબૂલાત કરી હતી કે તેણે અગાઉ પણ આવી ધાર્મિક વિધિઓ કરી હતી પરંતુ ક્યારેય તેનો પ્રચાર કર્યો ન હતો. આ વખતે તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આરોપીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેને ડિલીટ પણ કરી દીધો, જેના કારણે તેની સામે પુરાવાનો નાશ કરવાની કલમ પણ લગાવવામાં આવી છે.
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં કેમ નહીં?
અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પણ જાણે જાતિવાદની ગંધ આવતી હોય તેમ જણાય છે. મોટાભાગે જ્યોતિષ અને વાસ્તુ જેવી અંધશ્રદ્ધા એક ચોક્કસ જાતિના લોકો ફેલાવે છે અને આ બંને બાબતોને અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી બાકાત રાખીને સરકારે તેમને છાવર્યા છે. જ્યારે ધૂણવું, દાણાં જોવા, વિધિ કરવી જેવી દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સાથે જોડાયેલી બાબતોને સરકારે અંધશ્રદ્ધા ગણીને કાયદામાં આવરી લીધી છે. એ નગ્ન સત્ય છે કે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર નર્યું ધુપ્પલ છે અને તે સૌથી મોટી અંધશ્રદ્ધા છે. લોકોની શંકાઓનો લાભ લઈને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં સેંકડો જ્યોતિષીઓ, વાસ્તુશાસ્ત્રીઓ લોકોને લૂંટે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ સરકારે તેને કાયદામાંથી બાકાત રાખીને રીતસરના ચોક્કસ જાતિને છાવરી છે. ડર હતો કે આ કાયદો એસસી, એસટી, ઓબીસી સમાજને નડશે અને એવું જ થઈ રહ્યું હોય તેમ લાગે છે.
આ પણ વાંચોઃ અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Arvind dhadhalSasi.vat.se