પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!

બહુજન સમાજની નવી પેઢી બંધારણ, બાબાસાહેબ અને બુદ્ધનું મહત્વ સમજવા માંડી છે. આ અનોખા લગ્ન તેનો વધુ એક મજબૂત પુરાવો પુરો પાડે છે.

પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!
Photo: Kantilal Parmar

બહુજન સમાજની નવી પેઢી હવે ધીમી પણ મક્કમ ગતિએ મનુવાદી વિચારસરણીઓને ફગાવીને બંધારણ, બાબસાહેબ અને બુદ્ધે ચિંધેલા માર્ગે આગળ વધી રહી છે. ડો. આંબેડકરે આ દેશના છેવાડના માણસને બંધારણ થકી આપેલા હકોના મહત્વને સમજતી નવી પેઢી હવે આ સંદેશો તેના અંગત જીવનમાં વણી લઈને સમાજને પરિવર્તનનો સંદેશો આપતી થઈ છે. આવો જ એક પ્રસંગ બે દિવસ પહેલા અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં યોજાઈ ગયો, જ્યાં એક વરવધૂએ બંધારણ, બાબાસાહેબ અને બુદ્ધની સાક્ષીએ લગ્ન કરીને નવો ચિલો ચાતર્યો છે.


અમરેલી જિલ્લાના જશવંતગઢ-ચિત્તલ ખાતે રહેતા મનુભાઈ પરમારના પુત્ર સંજયના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામના બાવચંદભાઈ મહિડાની દીકરી તેજલ(હિરલ) સાથે ગત તારીખ 8-12-2023ના રોજ યોજાયા હતા. આ લગ્નની ખાસ વાત એ હતી કે વરકન્યા હાથમાં બંધારણ રાખીને બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર, તથાગત ગૌતમ બુદ્ધ, ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે સહિતના બહુજન સમાજના મહાનાયકોના કાર્યો અને વિચારધારાને સાક્ષી માનીને લગ્નના બંધને જોડાયા હતા.


વરરાજા સંજય પરમાર પોતે બગસરામાં તલાટી તરીકે ફરજ બજાવે છે, જ્યારે નવવધુ તેજલ પણ નોકરી કરે છે. નવી પેઢીની આ જોડી બાબાસાહેબની વિચારધારામાં માનતી હોવાથી તેમણે સમાજમાં સંદેશ જાય તેમ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આથી તેમણે તથાગત ગૌતમ બુદ્ધ અને ડો. આંબેડકરની સાક્ષીએ બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા હતા. વરઘોડામાં વરકન્યાએ બગીમાં બેસીને હાથમાં બંધારણનું પુસ્તક રાખીને અનોખો મેસેજ આપ્યો હતો. એ પછી જલાલપુર ખાતે સમાજની હાજરીમા બૌદ્ધ વંદના કરી બૌદ્ધ વિધિથી ડો. બાબાસાહેબ આંબેડકર અને બંધારણની સાક્ષીએ સાદાઈથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમણે પરિવાર અને સમાજના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.


લગ્નની કંકોતરીમાં પણ ‘જય ભીમ’
આ નવદંપતિના લગ્નની કંકોતરી પણ અનોખી હતી. જેમાં મનુવાદી વિચારસરણી, કાલ્પનિક દેવી-દેવતાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેમાં બહુજન મહાનાયકોને સ્થાન આપવામાં આવ્યું હતું. કંકોત્રીમાં ડો. આંબેડકર, તથાગત બુદ્ધની સાથે તેમના કાર્યો અને સંદેશને વણી લેવામાં આવ્યા હતા.


નવવિવાહિત જોડી પૈકીના સંજયભાઈ કહે છે, “લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી અગત્યનો પ્રસંગ ગણાય છે. હું અને તેજલ બહુજન સમાજની વિચારધારાને વરેલા છીએ અને અમે ઈચ્છતા હતા કે અમારા લગ્ન થકી સમાજમાં કંઈ સારો મેસેજ જાય. આ માટે અમે સંપૂર્ણ બૌદ્ધ વિધિથી અને બહુજન મહાનુભાવોના કાર્યો અને જીવન સંઘર્ષને સાક્ષી માનીને લગ્ન કરવાનું નક્કી કર્યું. અમારા બંનેના પરિવારને પણ આ વાત ગમી. એ રીતે મનુવાદી વિચારસરણી અને કાલ્પનિક દેવી-દેવતાઓ, કુરિવાજોને તિલાંજલિ આપી દીધી.”


લગ્નના આગલા દિવસે કુરિવાજ નિવારણ શિબિર યોજાઈ
અન્ય સમાજની જેમ બહુજન સમાજમાં પણ લગ્નના આગલા દિવસે જમણવારની સાથે ડીજે સાથે ગરબાપાર્ટી યોજવામાં આવતી હોય છે. જેમાં પરિવારના સૌ કોઈ નાચગાન કરતા હોય છે. પણ આ લગ્નપ્રસંગની બીજી એક ખાસ વાત એ રહી કે તેમાં લગ્નના આગલા દિવસે બહુજન સમાજમાં વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા અંગે જાગૃતતા આવે તે માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રમાં કામ કરતા સામાજિક કાર્યકરો, સમાજશ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું. તેની સાથે જ ડો. આંબેડકર, ફૂલે દંપત્તિ, ફાતિમા શેખ, પેરિયાર સહિતના મહાનુભાવોના કાર્યો, જીવન સંઘર્ષ અને વિચારધારાની વાત કરવામાં આવી હતી.


સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર આ લગ્નમાં મહેમાન તરીકે ઉપસ્થિત હતાં. તેમનું કહેવું છે કે, “નવી પેઢીમાં સામાજિક પરિવર્તનની આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં પરિવર્તનનો આ પવન વાવાઝોડાનું સ્વરૂપે ધારણ કરશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે નવી પેઢી સંપૂર્ણપણે મનુવાદી વિચારસરણીને ફગાવીને બુદ્ધ, બાબાસાહેબ અને બંધારણના રસ્તે જ ચાલશે. આ નવો ચિલો જ બહુજન સમાજને એક કરશે, વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા, પાખંડને દૂર કરશે અને લોકો તેના બંધારણીય હકોને લઈને જાગૃત થશે. બહુજન સમાજ શિક્ષિત બનશે, વિચારધારાની લડાઈને વધુ આક્રમક બનાવશે અને પોતાના હક-અધિકારો માટે લડત આપવા આગળ આવશે. નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે, હવે એ દિવસ દૂર નથી જ્યારે મનુવાદી વિચારસરણીને બહુજન સમાજ સંપૂર્ણપણે ફગાવી દેશે.”

આગળ વાંચોઃ The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.