દેશના કાયદાઓમાં એટ્રોસીટીના ગુનાઓમાં પીડિતને મળેલી સહાય પાછી ખેંચવાની કોઈ જોગવાઈ નથી, છતાં અમુક કોર્ટ આવા હુકમો કેમ કરે છે?

રાજકોટના શાપર(વેરાવળ)માં દલિત યુવાન મુકેશ વાણીયાને ફેકટરીના દરવાજા પર બાંધી ને ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરવાના ગુનામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવાના ચુકાદા વિરુદ્ધ અપીલ નહીં કરવા બદલ રાજ્ય સરકાર અને ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સની બરાબરની ઝાટકણી કાઢી છે. આ કેસની સાથે બીજી પણ એક મહત્વની વાત સામે આવી છે, જે સૌ કોઈએ સમજવી પડશે.

દેશના કાયદાઓમાં એટ્રોસીટીના ગુનાઓમાં પીડિતને મળેલી સહાય પાછી ખેંચવાની કોઈ જોગવાઈ નથી, છતાં અમુક કોર્ટ આવા હુકમો કેમ કરે છે?

વર્ષ 2018માં રાજકોટ નજીક શાપર(વેરાવળ) જીઆઈડીસીમાં એક ફેક્ટરીના પાછળના ભાગે લીંબડીના દલિત યુવાન મુકેશ વાણિયા અને તેમના પત્ની ભંગાર, કચરો વીણતા નીકળ્યાં ત્યારે ફેક્ટરીના માલિક સહિત પાંચેક જણાએ મુકેશભાઈ ને પકડી, ફેક્ટરીના દરવાજા સાથે બાંધી પાઈપ અને પટ્ટા વડે ઢોર માર મારી હત્યા કરી હતી. 

આ બનાવનો વિડીયો વાયરલ થયો હતો. એ પછી આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 323, 114 તથા એટ્રોસીટી એકટના ગુનાની FIR કરી ગુનો નોંધી અટક કરી જેલભેગા કરેલ. સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે.

બે આરોપીઓએ જયસુખ રાદડિયા અને તેજસ ઝાલાએ વારાફરતી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતાં આ બંને આરોપીઓને આટલા ગંભીર ગુના છતાં તા. 4/2/2019 અને 5/2/2019 ના હાઈકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

મૂળ વાત હવે આવે છે. આવા ગંભીર ગુનામાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જરૂરી હોવા છતાં કરી નહોતી. આના પરથી જ ખ્યાલ આવે છે કે, એટ્રોસીટીના કેસોમાં દલિતો ન્યાયથી વંચિત રહે તેમાં સૌથી મોટો રોલ કોણ ભજવે છે? સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ ન કરતા મૃતક મુકેશભાઇના પત્ની જયાબહેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ.

આ અપીલ માટે ગુજરાત હાઇકોર્ટના યુવા વકીલ સુબોધ કુમુદે સખત મહેનત કરી પેપર્સ તૈયાર કરી મટીરીયલ તૈયાર કરેલ. અપીલ કરનાર જયાબેન વતી સુપ્રીમ કોર્ટના નામાંકિત સિનિયર એડવોકેટ કોલીન ગોન્સાલવીસ તરફથી જોરદાર દલીલો થયેલ. 

સુપ્રીમ કોર્ટે તા. 10/01/2022 ના ચુકાદો જાહેર કરી ગુજરાત હાઇકોર્ટનો જામીન પર છોડવાનો હુકમ રદ કરી બંને આરોપીને જેલભેગા થવાનો હુકમ કરેલ છે.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ગુજરાત સરકાર અને સરકારના હોમ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સની આવા ગંભીર ગુનામાં અપીલ નહિ કરવા બદલ ઝાટકણી કાઢી છે. 

સુપ્રીમ કોર્ટ એવું અવલોકન કરે છે કે સરકારે આવા ગુનામાં અપીલ ન કરી તે એક ગંભીર બાબત છે. પિડીતના હક્કનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આરોપીને જામીન પર છોડવાના હુકમ સામે અપીલ કરવા જેવો આ ફીટ કેસ હતો તેવો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. ફોજદારી મેટરમાં વ્યથિત પક્ષકાર સરકાર છે કે જે સમાજના હિતોની કસ્ટોડિયન છે. અને તેથી સમાજના હિતોની વિરુદ્ધ કૃત્ય કરે તેને બુક કરવાની સરકારની ફરજ છે.

વધુમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુજરાત સરકારમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સ છે અને આ કિસ્સામાં તેઓ તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે. ફોજદારી ગુનાના ન્યાયના વહીવટની બાબતમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સનો હોદો ખૂબ મહત્વનો છે. તાત્કાલિક નિર્ણય લેવાની તેની ફરજ છે. આવા ગુનાઓ સમાજને નુકસાનકારક છે તેથી ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સનો રોલ ખૂબ અગત્યનો બની રહે છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 25A માં આપેલ સત્તાની રૂએ રાજ્ય સરકાર તેની નિમણૂક કરે છે. કલમ 25A(2) મુજબ જેનો વકીલાતનો અનુભવ દસ વરસથી ઓછો ન હોય તેની ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સ તરીકે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સાથે મસલત કરીને તેની નિમણૂક કરવાની લાયકાત નક્કી કરેલ છે તેથી તેનો રોલ અતિ મહત્વનો ગણાય. રાજ્ય સરકારે આવી ગંભીર ઘટનામાં કાયદાનું શાસન જાળવવામાં ગંભીર બનવું જરૂરી હતું કે જ્યારે એક વ્યકિત ફેકટરી બહાર તેની પત્ની અને કાકી સાથે માત્ર ભંગાર વીણી રહ્યો હતો ત્યારે તેની ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરવામાં આવે છે. 

વધુમાં સુપ્રીમ કોર્ટ નોંધે છે કે ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સની ફરજ છે કે ગુનેગારોને બુક કરી સજા કરવી. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં રાજ્ય સરકાર/તેનું કાયદા ખાતું અને ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુન્સ આવા કિસ્સાઓમાં ત્વરિત નિર્ણય લઈ આ ગુના જેવા ગંભીર ગુનાઓમાં જો હાઇકોર્ટ કે ટ્રાયલ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કરે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આમ મહત્વપૂર્ણ ચુકાદો આપી આ ચુકાદાની નકલ સરકારના ચીફ સેક્રેટરી, સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટના કાયદા ખાતાને મોકલવાનો હુકમ કરી યોગ્ય પગલા લેવા આદેશ કરેલ છે.

અહીં એક પ્રશ્ન એ પણ થાય છે કે આ દેશના કોઈ કાયદાઓમાં એવી જોગવાઇ નથી કે એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં કોઈપણ કારણસર સ્પેશિયલ કોર્ટ ગુનેગારને ભલે ગુણદોષ પર નિર્દોષ છોડી મૂકે, તો પણ ફરીયાદી કે પીડિતને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ ખાતાએ પુર્નવસનના હેતુસર જે કોઈ રાહત રુએ સહાય ચૂકવેલ હોય તે પરત વસુલ લેવાનો હુકમ કોર્ટે કરવો. તેમ છતા રાજ્યની અમુક કોર્ટો ફરિયાદી કે પીડિત પાસેથી આવી સહાય સખ્તાઈથી વસૂલ કરવાના હુકમો કરી રહી છે તો પણ આ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટર, હોમ ડિપાર્ટમેન્ટ, કાયદા ખાતા કે સમાજ કલ્યાણ ખાતા તરફથી આવા ચુકાદાઓ વિરુદ્ધ અપીલ કરવામાં આવતી નથી. આવી ગંભીર બાબત માં કંઈક નક્કર કાર્યવાહી માટે રજૂઆત થવી જરૂરી છે.

કનુભાઈ રાઠોડ (લેખક પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજ અને બહુજન સમાજના પ્રશ્નોને લઈને ચિંચિત વડીલ છે)

આ પણ વાંચો : તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.