તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?
રાજકોટના શાપર વેરાવળના મુકેશ વાણીયા નામના નિર્દોષ યુવકને જાતિવાદીઓએ કારખાનામાં ચોરીની આશંકાએ પટ્ટાથી ઢોર માર મારતા તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં દલિત સમાજના જ કેટલાક તોડબાજોએ પીડિત પરિવારને ફોસલાવીને સમાધાન કરાવ્યું હતું, પણ પછી જે થયું તેમાંથી આપણે સૌએ ધડો લેવાનો છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ 2 આરોપીઓ સામે હત્યાનો ગંભીર ગુનો દાખલ થયેલ, તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. તેમની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ન હતી. પરંતુ ભોગ બનનારની વિધવા જયાબેને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સુબોધ કુમુદ મારફતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 10 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.
સુપ્રીમ પીડિતાની અપીલને મંજૂર કરીને હાઈકોર્ટના જામીન પર છોડવાના હુકમને રદ કરી બંને આરોપીઓને એક અઠવાડિયામાં જેલ ભેગા કરવાનો હુકમ કરેલ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “સરકાર સામાજિક હિતોની રખેવાળ છે તેથી હત્યાના ગંભીર ગુનાઓમાં આરોપીઓને જામીન પર મુક્ત કરવાના અયોગ્ય ચૂકાદાઓ/આદેશો સામે રાજ્ય સરકાર દ્વારા અપીલ દાખલ થવી જોઈએ. પરંતુ સરકાર અપીલ નહીં કરીને પીડિતાના અધિકારોનું રક્ષણ કરવામાં રાજ્ય નિષ્ફળ ગયેલ છે. અપીલ કરવા માટે આ યોગ્ય કેસ હતો. હાઈકોર્ટનો આદેશ કાયદેસર ટકી શકે તેમ નથી, કારણ કે તે સૌથી વધુ અવ્યવસ્થિત અને કેઝ્યુઅલ હતો. હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને અવગણી છે. ગુનાહિત મામલામાં રાજ્ય પીડિત પક્ષનું રક્ષક છે. રાજ્યે સમુદાયના સામાજિક હિતનું રક્ષણ કરવાનું છે. આ કેસમાં પ્રોસિક્યુશન ડાયરેક્ટર તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ફોજદારી મામલામાં ન્યાયના વહીવટને લગતી બાબતમાં પ્રોસિક્યુશન નિયામકનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે. પ્રોસિક્યુશન નિયામકની ફરજ છે કે ત્વરિત નિર્ણય લેવો જોઈએ. આશા છે કે ભવિષ્યમાં રાજ્ય સરકાર/રાજ્ય સરકારના કાનૂની વિભાગ અને પ્રોસિક્યુશન નિયામક એવી બાબતોમાં ત્વરિત નિર્ણય લેશે કે જ્યાં આરોપીઓને ગંભીર ગુનામાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોય!”
આરોપીઓ IPC કલમ-302, 323, 114 તથા અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા હતા. આરોપીઓએ, રાજકોટ નજીક શાપર GIDCમાં પોતાના કારખાનાના દરવાજા સાથે ગરીબ મજૂરને દોરડા વડે બાંધીને પાઈપ અને પટ્ટાથી ઢોરમાર મારીને હત્યા કરી હતી. મરનાર દલિત યુવક મુકેશ વાણિયા ફેક્ટરીની પાછળની ખુલ્લી જગ્યામાંથી ભંગાર એકત્ર કરી રહ્યો હતો, તેને ચોર માનીને ફેક્ટરી માલિક અને તેના માણસોએ ઢોરમાર મારેલ જેથી તેનું મૃત્યુ નીપજેલ. સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી રદ કરી હતી. આરોપી તેજસ કનુભાઈ ઝાલાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી.
એડવોકેટ સુબોધ કુમુદે સખત મહેનત કરી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ન હોત તો આરોપીઓ આખલાની જેમ છૂટા ફરત.
સુબોધ કુમુદને લાખ લાખ અભિનંદન
સૌથી દુ:ખદ બાત એ છે કે દલિતો પરના અત્યાચાર-અપહરણ, બળાત્કાર, ખૂન જેવા ગંભીર ગુનાઓમાં, દલિત સમાજના કહેવાતા સમાજ સેવકો, સાહેબો, બબુડીયાઓ ગુનેગારો સાથે તોડ કરી મોટી રકમ લઇ પીડિતોને ફોસલાવી સમાધાન કરાવી નાખે છે. તેઓ દલિત સમાજનું અહિત કરે છે. ગુનેગારો પાસેથી તોડ કર્યા પછી પણ જો એટ્રોસિટીના કેસોમાં કોર્ટને એમ લાગે કે ગુનેગારે ગુનો તો કર્યો છે, એટલે ગુનેગારનો વારો ચડી જવાનો છે અને છેતરાયેલ ગુનેગારો પછી આવા તોડબાજો નો વારો કાઢે તો નવાઇ નહીં. મૃતક મુકેશ વાણિયાના કેસમાં પણ તેના વારસ-પીડિતાને તોડબાજોએ લલચાવી ફોસલાવી સમાધાન કરાવી તોડ કરેલ હતો. મુકેશ વાણીયા હત્યા કેસ, સાયરા મોડાસા દલિત દીકરીના અપહરણ, દુષ્કૃત્ય અને હત્યાનો કેસ, કોટડા સાંગાણી તાલુકાના દલિત એક્ટિવિસ્ટ પિતા પુત્રની હત્યાના કેસો આ સિવાયના અનેક ગુનાઓમાં તોડબાજોએ તોડ કરેલ છે, જેમને ઘણા ઓળખે છે. તેમને સમાજમાં ખુલ્લા પાડવા જોઈએ. તોડબાજો અને ગુનેગારો, ‘ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે’ તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?
-કનુભાઈ રાઠોડ (લેખક પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજ અને બહુજન સમાજના પ્રશ્નોને લઈને સતત ચિંતિત વડીલ છે)
આ પણ વાંચો : પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.