ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત

દલિતો અને સવર્ણો વચ્ચે એક વર્ષથી બબાલ ચાલતી હતી. 6 મહિના અગાઉ એક દલિત યુવકનું ખૂન થયું હતું, આજે ફરી એક યુવકની હત્યા થઈ.

ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત
image credit - Google images

જાતિવાદી તત્વો દલિતો સાથે માથાકૂટ થાય ત્યારે કાયદો વ્યવસ્થાની જરાય પરવા નથી કરતા. દલિતોની રાજકીય પહોંચ ઓછી હોવાથી તેઓ નિર્દોષ હોવા છતાં તેમને અન્યાય થાય છે. પરિણામે આરોપીઓની હિંમત વધે છે અને તેઓ ફરી દલિતોને સબક શીખવાડવાની તક શોધતા રહે છે.

આવી જ એક ઘટના ગઈકાલે ઘટી ગઈ. જેમાં એક ગામમાં દલિતો અને કથિત સવર્ણો સાથે વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ, જેમાં એક દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું. જ્યારે બીજા અનેક લોકો ઘાયલ થયા છે. મામલો જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત યુપીનો છે. અહીં ગ્રેટર નોઈડામાં ગઈકાલે સવારે રસ્તા પરથી ટ્રેક્ટર હટાવવાના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. રબુપુરાના ભીકનપુર ગામમાં એક પક્ષે દલિતો પર હુમલો કર્યો, જેમાં મારામારી, પથ્થરમારો અને ગોળીબારના કારણે એક દલિત યુવકનું મોત થઈ ગયું. ઘટનાના વિરોધમાં ગામલોકોએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો. ગામમાં એક વર્ષથી જાતિગત નફરતની આગ સળગી રહી હતી. અહીં એક વર્ષ પહેલા એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી બંને કોમ વચ્ચે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પ્રવર્તે છે. પોલીસે આ મામલે 14 લોકો સામે નામજોગ જ્યારે 12 અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મારામારી બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજકારણ પણ ભળ્યું છે.

શું બન્યું હતું?

પોલીસના જણાવ્યા પ્રમાણે ભીકનપુર ગામનો દલિત યુવક શીશપાલ શુક્રવારે સવારે 6.30 વાગ્યે ટ્રેક્ટર લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો. આરોપ છે કે ગામના અન્ય સમાજના વ્યક્તિની કાર રસ્તા વચ્ચે ઉભી હતીય શિશપાલે તેને કાર હટાવવાનું કહ્યું, પરંતુ પેલાએ કાર હટાવવાને બદલે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. જ્યારે શિશપાલના પિતા વિજયપાલ આરોપીને આ મામલે ફરિયાદ કરવા પહોંચ્યા તો તેમણે તેને લોખંડના સળિયાથી માર્યો અને તેનું માથું ફોડી નાખ્યું. એટલું જ નહીં, આરોપીઓએ તેમને બચાવવા આવેલા અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. જોતજોતામાં આખો મામલો જૂથ અથડામણમાં પરિવર્તિત થઈ ગયો હતો. ઘટનામાં કમલ, શનિ અને શરબતી નામના દલિત યુવકો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા, જેમાં કમલનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.

દલિતોએ પાંચ કલાક સુધી સૂત્રોચ્ચાર કર્યો

ભીખાનપુર ગામમાં બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતા ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના લોકોએ રબુપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની ધરપકડની માંગ સાથે લગભગ પાંચ કલાક સુધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. એ પછી એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર શિવ હરિ મીણા ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત કર્યા.

પોલીસ પર આરોપીઓને છોડી મૂકવાનો આક્ષેપ

પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા દલિત પક્ષના લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગામલોકોએ આરોપ છે કે, ગોળીબાર થયાની સૂચના મળતા ગામમાં પહોંચેલી પોલીસની ગાડીએ બે હુમલાખોરોને પકડી લીધા હતા, અને પછી તેમને રસ્તામાં જ છોડી દીધા હતા. જ્યારે તેઓ ઘાયલોને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પોલીસે તેમના પર જ મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો.

ગોળીથી ઘાયલ થયેલા લોકો લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં હાલાકી ભોગવતા રહ્યા, પરંતુ પોલીસ મામલો દબાવવામાં વ્યસ્ત હતી. બાદમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે પોલીસે તેમના પરિવારજનોને સાથે લઈ જવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે દલિતોએ પોલીસ પર આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ત્યાગી સમાજના ત્રણ આરોપીઓની ધરપકડ કરાશે

કાયદો અને વ્યવસ્થા વિભાગના પોલીસ કમિશનર શિવહરી મીણાએ જણાવ્યું હતું કે પીડિત પક્ષની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. મારામારી દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓની શોધમાં દરોડા પાડી રહી છે. આ મામલામાં કેસ નોંધ્યા પછી પોલીસે ત્રણ ટીમો બનાવી છે, જે ટૂંક સમયમાં નામજોગ આરોપીઓ નીતિન ત્યાગી, નિખિલ ત્યાગી અને આશુ ત્યાગીની ધરપકડ કરશે.

અગાઉ પણ જૂથ અથડામણમાં હત્યા થઈ છે

ભીકનપુર ગામમાં ગયા વર્ષે પણ દલિતો અને આરોપીઓ વચ્ચે જાતીય તંગદિલી સર્જાઈ હતી, જેમાં એક દલિત યુવકની ચાકૂના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતક યુવકના પરિવારજનોએ ગામના અનેક લોકો સામે કેસ કર્યો હતો. આ કેસના આરોપીઓ હજુ પણ જેલમાં છે. આ ઘટનાના પડઘા હજુ શમ્યાં નથી ત્યાં ફરી બબાલ થઈ છે. ગઈકાલે બનેલી ઘટના પાછળ પણ આ જ વિવાદ જવાબદાર હોવાનું મનાય છે.

યુવકનો મૃતદેહ દલિતવાસમાં પહોંચતા દલિતોનો રોષ ભભૂકી ઉઠ્યો

યુવકનો મૃતદેહ ગઈકાલે રાત્રે લગભગ 9 વાગે ગામમાં પહોંચ્યો હતો, એ વખતે દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને બદલો લેવા માટે આરોપીના ઘર તરફ આગળ વધ્યાં હતા. પરંતુ પોલીસે કોઈક રીતે તેમને અટકાવ્યા હતા. દલિત સમાજના લોકોએ ન્યાયની સાથે મૃતકના પરિવારને આર્થિક મદદની માંગ કરી છે. પોલીસ અને કેટલાક રાજકીય લોકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા દરમિયાનગીરી કરી છે. 

હજુ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

અધિકારીઓએ આર્થિક મદદની ખાતરી આપી, જેના કારણે લોકો શાંત થયા હતા. ત્યારબાદ પોલીસે યુવકના અંતિમ સંસ્કાર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારે રાત્રિનો સમય હોવાનું કહીને અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. આજે સવારે દલિત યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જો કે, હજુ પણ ગામમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે તેમ હોવાથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા મુદ્દે લોહીયાળ જંગ, 8 દલિતો ઘાયલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.