સ્મશાન સુધીનો રસ્તો નથી, આંગણામાં દલિત વૃદ્ધની અંતિમવિધિ કરવી પડી
એક ગામમાં દલિત વૃદ્ધનું મોત થયું. પણ દલિતોના સ્મશાન સુધી જતા રસ્તા પર જાતિવાદીઓએ કબ્જો જમાવી લીધો હોવાથી રસ્તો બંધ હતો. એ પછી જે થયું તે વાંચીને તમે રડી પડશો.

સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ દલિત સમાજની અનામતમાં ભાગલા પાડવાનો ચૂકાદો આપ્યો છે અને બંધારણ બચાવવાની વાતો કરતા કોંગ્રેસ પક્ષે સૌ પ્રથમ પોતાના સાશિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણામાં તેનો અમલ કરવાનું જાહેર કર્યું છે. તમામ મનુવાદી પક્ષો મૌન ધારણ કરીને બેસી ગયા છે અને છેલ્લે તો દલિત રાજનીતિ કરતા આપણાં બહેનજી, ચિરાગ પાસવાન, પ્રકાશ આંબેડકર જ સાથે ઉભા રહ્યાં છે. અપને તો અપને હોતે હૈ...તે ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે. દલિતોએ સમજી જવાની જરૂર છે કે જ્યાં સુધી તમારો પોતાનો રાજકીય પક્ષ નહીં હોય ત્યાં સુધી તમારા હકો પર આ જ રીતે તરાપ પડતી રહેવાની છે અને તમે જેને તમારા નેતા માનીને મત આપ્યા હશે તે સવર્ણોને વહાલા થવાની લ્હાયમાં તેમના ખોળામાં જઈને બેસી જશે.
દેશભરમાં એસસી, એસટી સમાજની પરિસ્થિતિ દિન પ્રતિદિન બદ્દતર બનતી જઈ રહી હોવાના એકથી એક ચડિયાતા ઉદાહરણો સામે આવી રહ્યાં છે. હજુ ગયા મહિને રાજસ્થાનમાં જ બે એવી ઘટનાઓ ઘટી હતી જેમાં ગામના માથાભારે જાતિવાદી તત્વોએ દલિતોના સ્મશાન સુધી જતા રસ્તા ઉપર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હોવાથી દલિતો તેમના પરિવારજનોના અંતિમ સંસ્કાર કરવા સ્મશાન સુધી જઈ શક્યા નહોતા. બે-બે દિવસ સુધી દલિત મહિલાનો મૃતદેહ ઘરના આંગણામાં પડ્યો રહ્યો હતો અને કલેક્ટરથી લઈને સ્થાનિક વહીવટીતંત્ર જાતિવાદી તત્વોને જેલમાં પુરીને રસ્તો કઢાવી શક્યું નહોતું. દલિત સમાજે બે દિવસ સુધી મૃતદેહને ઠાઠડી પર મૂકીને રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો ત્યારે જતો રસ્તો ખૂલ્લો કરી શકાયો હતો અને અંતિમવિધિ થઈ શકી હતી.
એ ઘટનામાં કમ સે કમ સ્મશાનમાં દલિત મહિલાની અંતિમવિધિ થઈ શકી હતી. પરંતુ હવે તેનાથી પણ વધારે કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક દલિત વૃદ્ધને મૃત્યુ પછી સ્મશાન પણ નસીબ નથી થયું. એક ગામમાં દલિત વડીલનું અવસાન થયું, પણ દલિત વાસથી તેમના સ્મશાન સુધી જવા માટેનો રસ્તો જ બચ્યો નહોતો. કેમ કે, ગામના માથાભારે જાતિવાદી તત્વોએ તેના પર દબાણ કરીને પોતાના ખેતરોમાં ભેળવી દીધો હતો.
ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા વહીવટી તંત્ર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રને દલિતોનું કામ કરવામાં કોઈ રસ નહોતો. જેનું પરિણામ એ આવ્યું કે દલિત વૃદ્ધની અંતિમવિધિ તેમના ઘરના આંગણામાં જ કરવી પડી.
આ પણ વાંચો: બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?
કલ્પના કરો કે, એક વ્યક્તિને માત્ર તેના દલિત હોવાના કારણે એક સન્માનજનક વિદાય પણ ન આપી શકાઈ. કેવી કરૂણતા? અને સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોને લાગે છે કે, દલિતો બહુ આગળ વધી ગયા છે, તેમનામાં ક્રિમીલેયર દાખલ કરો અને અનામતમાં અનામત કરી નાખો.
ઘટના મધ્યપ્રદેશની છે. અહીં સરકારી જમીનો પર દબાણ સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને દલિતો માટે તેના કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે. કેમ કે, ભૂમિહીન દલિતોને અંતિમ સંસ્કાર માટે પણ જમીન નસીબ નથી થતી. આવી જ એક ઘટના ગઈકાલે અહીંના ભીંડ જિલ્લામાં બની ગઈ. જ્યાં એક દલિત પરિવારે તેમના ઘરના આંગણામાં જ દલિત પિતાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા.
ઘટના ભીંડ જિલ્લાની એંડોરી ગ્રામ પંચાયતમાં આવતા મનોહરપુરા ગામની છે. ગામનું નામ ભલે મનોહરપુર હોય, પરંતુ અહીં દલિતોની સ્થિતિ નર્કથી જરાય ઉતરતી નથી. અહીં સોમવારે એક દલિત પરિવારના વડીલનું નિધન થઈ ગયું હતું. એ પછી જે પરિસ્થિતિ પેદા થઈ તે આઝાદ ભારતમાં પણ દલિતોની સ્થિતિ કેવી છે તેનો વાસ્તવિક ચિતાર રજૂ કરે છે.
પિતાના મૃત્યુ પછી તેમના દીકરાઓએ જોયું કે ગામના સ્મશાન સુધી પહોંચી શકાય તેવો રસ્તો જ નથી. ગામની બહાર નીકળતા જ રસ્તાની બંને તરફ ગામના જાતિવાદી માથાભારે તત્વોએ જમીન પર દબાણ કર્યું છે અને બધું પચાવી પાડ્યું છે. એટલે સ્મશાન સુધી જવાનો રસ્તો બચ્યો જ નહોતો.
મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, "સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો જ નથી. ગામની કથિત ઉંચી જાતિના માથાભારે લોકોએ તેના પર દબાણ કરીને પચાવી પાડ્યો છે. અમે રસ્તો ખોલાવવા માટે લાંબા સમયથી માંગ કરી રહ્યાં છીએ પણ સ્થાનિક તંત્ર તરફથી કોઈ સહકાર મળી રહ્યો નથી. મારા પિતાના મૃત્યુ પછી પણ અમે જાણ કરી હતી, પણ પોલીસ અને અધિકારીઓએ તેને જરાય ગંભીરતાથી લીધી નહોતી. એ જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આખા મામલે હાથ ખંખેરી લીધાં હતા. મારા પિતાનો મૃતદેહ આખો દિવસ ઘરની બહાર પડ્યો રહ્યો પણ હરામ બરોબર જો કોઈ સવર્ણનું હૃદય પીગળ્યું હોય તો! આખો દિવસ અમે લાગતા વળગતા તમામ લોકોને વિનંતી કરતા રહ્યાં પણ કોઈ મદદે ન આવ્યું. આખરે અમે અમારી રીતે રસ્તો કાઢ્યો અને મારા ઘરની બહાર આંગણામાં જ મારા પિતાના અંતિમ સંસ્કાર કર્યા."
આ અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થયા બાદ એસડીએમ પરાગ જૈન જાગ્યા હતા. તેમણે મહેસૂલ અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરવા અને અતિક્રમણ અંગે રિપોર્ટ આપવા જણાવીને કહ્યું છે કે, ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવશે.
આ પણ વાંચો: સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે