કચ્છના 8 ગામોમાં દલિતોને 147 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો
આ જમીનો પર વર્ષોથી માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા હતા. પણ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે જમીન પરત મળી છે.
કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનો પર કાળોતરા નાગની જેમ અડિંગો જમાવીને બેસી ગયા હતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. હાલમાં જ આ રીતે વધુ 8 ગામોમાં કુલ 147 એકર જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.
ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી
કચ્છના સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની દરમિયાનગીરીથી તાત્કાલિક માથાભારે તત્વો દ્વારા દબાવી રાખવામાં આવેલી આ જમીનોની વિગતો માંગવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને આ જમીનો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપી દેવા આદેશ કરાયો હતો. જેનો હવે ધીરેધીરે અમલ થઈ રહ્યો છે.
જે અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી તા. 13-14 નવેમ્બરના રોજ ભચાઉ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીની જમીનો અહીંના સુખપર, મોરગર, વાકિયા, લાખાપર, ધોળાવીરા, જમાણ, નારણસીરી, શિકારપુર સહિતના 8 ગામોમાં અલગ અલગ રેવન્યૂ સર્વે નંબર મળીને કુલ 147 એકર ગુંઠા જેટલી જમીન ખૂલ્લી કરાવી, તેમાં ડીઆઈએલઆર ભૂજની ટીમ દ્વારા સ્થળ પર જઈ ચતુર્દિશા નક્કી કરી કાયમી ખૂંટ ખોડીને અનુસૂચિત જાતિ સમાજની મંડળીના પ્રમુખ વીરજભાઈ દાફડા અને ગામના સભાસદોને સોંપણી કરવામાં આવી હતી.
મંડળીના પ્રમુખ શું કહે છે?
ભચાઉ અનુસૂચિત જાતિ ખેતી મંડળીના પ્રમુખ વીરજીભાઈ દાફડાએ ખબરઅંતર.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ સાંસદશ્રીના સક્રિય પ્રયાસોને કારણે આજે અમને વર્ષોથી માથાભારે તત્વોએ દબાવી રાખેલી જમીનોનો પ્રત્યક્ષ કબ્જો મળી શક્યો છે. ભચાઉ મામલતદારે તા. 13 નવેમ્બર 2024 થી 5 ડિસેમ્બર 2024 સુધીમાં તમામ બાકી રહેતી જમીનોના પ્રત્યક્ષ કબ્જા સ્થળ પર સોંપવામાં આવશે તેમ જણાવ્યું છે. કચ્છ જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિની મંડળીઓની જમીનોના સ્થળ પર કબ્જા મળે તેના માટે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી અને નીલ વિંઝોડા વર્ષોથી સતત લેખિત-મૌખિક રજૂઆતો કરતા હતા. આ બંને કાર્યકરોની રાતદિવસની મહેનત અને પ્રયાસો તથા સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શનને કારણે આ કામગીરી ઝડપી બની છે."
બાકીની મંડળીઓને પણ ટૂંક સમયમાં જમીન સોંપાશે
આ મામલે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિ ખેતી મંડળીની બાકી રહેતી તમામ જમીનોના પ્રત્યક્ષ કબ્જા, હિસ્સા માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં રાપર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીની ગેડી ગામે આવેલી જમીન પર પણ કબ્જા સોંપણી, હિસ્સા માપણી અને ખૂંટ ખોડી જમીન બતાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સિવાય ભૂજ તાલુકા અનુસૂચિત જાતિની મંડળીની જમીનો પૈકી કનૈયાબે, કુમરીયા અને ધ્રંગ સહિત ચાર ગામમાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનોના પ્રત્યક્ષ કબ્જા સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે."
મંડળીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં
ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જાની સોંપણી વખતે મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડા, સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી, નીલ વિંઝોડા, ભીમા કોરેગાંવના પ્રમુખ સુરેશભાઈ કાઠેચા, સુરેશભાઈ વાઘેલા, વિશાલભાઈ પંડ્યા, અજય મહેશ્વરી, હરીભાઈ પરમાર, લખુભાઈ વાઘેલા, હંસાબેન ચાવડા, પારૂબેન લૌયા, સંજુભાઈ ભોઈયા, રમેશભાઈ દાફડા, ભચાઉ મામલતદાર, સર્વેયરો, સ્થાનિક તલાટી મંત્રી તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર પણ જોડાયું હતું.
સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીની મહેનત રંગ લાવી
ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે.
આ પણ વાંચો: કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો