કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?

AAP અને કેજરીવાલની નારાજ દલિત મતો અંકે કરી લેવા કૉંગ્રેસ, ભાજપ અને બીએસપી એડીચોડીનું જોર લગાવી રહ્યાં છે. સવાલ એ છે કે, દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?

કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?
image credit - Google images

Delhi Assembly Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં 17 ટકા જેટલા દલિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અરવિંદ કેજરીવાલ સરકાર પર ઝૂંપડપટ્ટી પુનર્વસન અને શિક્ષણ યોજનાઓનો ખોરવી નાખી દલિતોની ઉપેક્ષા કરવાનો આરોપ લાગી રહ્યો છે. જેના કારણે હવે દલિત મતદારો કોની તરફ નમે છે તેના પર કોઈની નજર છે. હાલ કો ભાજપ અને કોંગ્રેસથી લઈને બીએસપી સુધીના પક્ષોએ દલિત મતદારોને પોતાના તરફ ખેંચવા માટે જોર લગાવવું શરૂ કરી દીધું છે. દલિતોની નારાજગી અને તેમની રાજકીય પસંદગી આ વખતે ચૂંટણીના પરિણામોમાં મહત્વની ભૂમિકા ભજવશે તે નક્કી છે.

હાલ સ્થિતિ એવી છે કે, દિલ્હીના મતદારો કેજરીવાલની ચાલને બરાબર સમજી ચૂક્યા છે. તેમને લાગે છે કે આમ આદમી પાર્ટી માત્ર ડો.આંબેડકરનો ફોટો સરકારી ઓફિસોમાં મૂકાવીને દલિતોને રાજી રાખવા માંગે છે, પણ જ્યારે હોદ્દાની વહેંચણી અને મલાઈદાર ખાતાઓ ફાળવવાનો વખત આવે ત્યારે અન્ય સવર્ણ પાર્ટીઓની જેમ જ વર્તે છે. પંજાબમાં દલિત મતદારો પ્રભાવી હોવા છતાં કેજરીવાલે રાજ્યસભામાં એક દલિત નેતાને મોકલવાને બદલે સવર્ણ રાઘવ ચઢ્ઢાને મોકલ્યા ત્યારે દલિતોને તેમની અસલિયતની જાણ થઈ ગઈ હતી.

હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તમામ રાજકીય પક્ષો તેમની વ્યૂહરચનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ વખતે ચૂંટણીના સમીકરણો જાતિ આધારિત મતબેંકની આસપાસ ઘૂમી રહ્યાં છે, જ્યાં દલિત મતદારોનો પ્રભાવ નિર્ણાયક સાબિત થઈ શકે છે. દિલ્હીની કુલ વસ્તીના લગભગ 17% લોકો દલિત સમાજમાંથી આવે છે, જેઓ ઘણી વિધાનસભા સીટોની જીત અને હાર નક્કી કરવાની સ્થિતિમાં છે. કરોલ બાગ, કસ્તુરબા નગર, મોતી નગર અને રાજેન્દ્ર નગર જેવી બેઠકો પર દલિત મતદારોનો પ્રભાવ એટલો મજબૂત છે કે અહીંનું ચૂંટણી પરિણામ દલિત મતદારો કોના તરફ ઢળશે તેના આધારે નક્કી કરે છે.

આ પણ વાંચોઃ કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે 

કેજરીવાલ સરકાર પર દલિતોની અવગણનાના આરોપ
સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકાર પર સતત દલિતોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે દલિત સમાજ માટે કોઈ નક્કર નીતિઓ લાગુ કરી નથી. દિલ્હીમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓમાં ઘટાડો, ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિત પરિવારોના પુનર્વસનમાં વિલંબ અને સરકારી નોકરીઓમાં અનામત અંગે નક્કર પગલાં ન લેવા, આ તમામ મુદ્દાઓ આ ચૂંટણીમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ વાતાવરણ સર્જી શકે છે.

દલિત મતદારો ભાજપ અને કોંગ્રેસ તરફ ઝુકશે તેવી શક્યતા
ભૂતકાળમાં દલિત મતદારોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું, પરંતુ સરકારે વચનો ન પાળત હવે તેઓ ભાજપ અને કોંગ્રેસ તરફ ઝુક્યા હોવાનું કહેવાય છે. દિલ્હીમાં દલિત સમાજ માટે વિશેષ યોજનાઓના અભાવે કેજરીવાલ સરકારની લોકપ્રિયતા સતત ગબડી રહી છે. બીજી તરફ ભાજપે દલિતોને જોડવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમો ચલાવી સમર્થન મેળવવાના પ્રયાસો કર્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પણ “દલિત અધિકાર યાત્રા” જેવા અભિયાનો દ્વારા સમાજનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

દલિતોની નારાજગી કેજરીવાલ સરકાર માટે પડકાર
દિલ્હીના દલિત વિસ્તારોમાં કેજરીવાલ સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાઓ અધૂરી રહી ગઈ છે, સફાઈ કામદારોના પગારમાં વિલંબ અને તેમના માટે પાયાની સુવિધાઓનો અભાવ આ સમાજ માટે મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ સિવાય મતિયા મહેલ, ત્રિલોકપુરી અને સંગમ વિહાર જેવા વિસ્તારોમાં દલિત પરિવારોને આપવામાં આવતી સુવિધાઓમાં કાપ મુકાવાથી લોકોનો રોષ વધ્યો છે.

શું આ વખતે દલિત વોટબેંક બનશે સત્તાની ચાવી?
આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમાજ ક્યા પક્ષ તરફ ઝૂકે છે તે જોવું રસપ્રદ રહેશે. તેઓ કેજરીવાલ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરશે કે પછી ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને તક આપશે? દલિત મતદારોમાં આ વખતે દિલ્હીનું રાજકીય ચિત્ર બદલવાની તાકાત છે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં 2025ની વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમાજ ક્યો રસ્તો પસંદ કરે છે તેના આધારે સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી થશે.

આ પણ વાંચોઃ કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.