મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો
મંદિર પરિસરમાં દલિત બાળકોના રમવાથી મંદિર અભડાઈ ગયું. જાતિવાદી તત્વોએ ત્રણ દલિત બાળકોને બાંધીને નિર્દયતાથી માર માર્યો.
Mainpuri 3 Dalit children beaten: મામલો જ્યારે દલિતો-આદિવાસીઓ સામે પડવાનો હોય ત્યારે જાતિવાદી તત્વોમાં અચાનક જુદા પ્રકારની લાગણીઓ વહેવા માંડે છે. તેઓ એ પણ નથી જોતા કે સામે કોઈ તેનો સમોવડીયો છે કે પછી બાળકો. તેમના મંદિરોમાં કૂતરાં-બિલાડા ઘૂસીને ક્યારેક કુદરતી હાજત પણ કરી જતા હશે. તેનાથી તેમના મંદિરો અભડાતા નથી, પરંતુ જેવું કોઈ દલિત તેની આસપાસ પણ ફરકે તો તેમના મંદિર અપવિત્ર બની જાય છે. વાસ્તવમાં આ એક પ્રકારની ચાલાકી છે, જેનો ઉપયોગ કરીને દલિતો પર અત્યાચાર કરી શકાય.
એક રીતે આવા મંદિરો મનુસ્મૃતિ અને તુલસીદાસની રામાયણની ચોપાઈનો અમલ કરતા હોય છે. તુલસીદાસનું રામચરિત માનસ ખુલ્લેઆમ કહે છે કે, ઢોર, ગંવાર, પશુ, શુદ્ર અને નારીને તાડનના અધિકારી. એટલે આ લોકો મોકો મળ્યે આ તમામને અડફેટે લેતા રહે છે. જો કે, જેમને ધર્મ અને તેની આભડછેટ જેવી બદ્દીઓની ખબર જ નથી તેના નિર્દોષ બાળકો પણ ક્યારેક આવા જાતિવાદી તત્વોની અડફેટે ચડી જતા હોય છે.
આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક મંદિર પરિસરની પાસે રમી રહેલા ત્રણ દલિત બાળકોને જાતિવાદી તત્વોએ મંદિર અપવિત્ર કરી નાખવા બદલ નિર્દયતાથી માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે બાળકોની પીંડીઓ પર રીતસરના તેના સોળ ઉપડી ગયા હતા. રડતા બાળકોએ તેમના માતાપિતાને આખી ઘટના જણાવી એ પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આ પણ વાંચો: કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી
ઘટના દલિત અત્યાચાર અને જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં મૈનપુરી જિલ્લાના દૌદાપુર ગામમાં એક મંદિરની બહાર રમતા દલિત બાળકોને બેરહેમીથી મારવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આ દલિત બાળકોએ મંદિર પરિસરમાં રમીને તેને અપવિત્ર કરી નાખ્યું હતું. ઘટના ગયા મહિને બની હતી પણ હજુ સુધી પોલીસે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના જૂની છે. આ કેસમાં 26 ઓગસ્ટે એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.
આ મામલે ભીમ આર્મી અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. નગીના લોકસભાના સાંસદ ચંદ્રશેખરે પોસ્ટમાં લખ્યું હતું કે, "ઉત્તર પ્રદેશના કહેવાતા રામરાજ્યમાં 3 દલિત બાળકોને મંદિર પરિસરમાં રમવા બદલ ગુસ્સે ભરાયેલા ધર્મના ઠેકેદારો અને બે લોકોએ આ બાળકોને ન માત્ર માર્યા, પરંતુ તેમના વડીલો અને મહિલાઓ સુદ્ધાંને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું."
ચંદ્રશેખરે વધુમાં લખ્યું હતું કે, જાતિવાદી સિસ્ટમની હાલત જુઓ, ઘટનાની એફઆઈઆર 26મી ઓગસ્ટે નોંધવામાં આવી હતી, પરંતુ આજ સુધી પોલીસે સામંતી આરોપીઓને પકડવાની હિંમત નથી કરી. પીડિત સની પ્રતાપ જાટવનું કહેવું છે કે, આરોપીની ધરપકડ ન થવાથી તેમના પરિવારમાં ભયનો માહોલ છે. ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને સત્તા પક્ષના લોકો તેમના પર સમાધાન કરી લેવા દબાણ કરી રહ્યાં છે.
ચંદ્રશેખર આઝાદે ચેતવણી આપી હતી કે, " આ પ્રકારની ઘટનાઓમાં કાર્યવાહી ન થવાથી સ્પષ્ટ રીતે જાતિવાદની ગંધ આવે છે. જો જલ્દી જ આ કેસના આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે."
આ પણ વાંચો: તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો