કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી
એક ગામમાં માથાભારે તત્વોએ ગરીબ દલિતની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી ત્યાં બાંધકામ શરૂ કરી દીધું છે, કોર્ટે તેને તોડી પાડવા ઓર્ડર કર્યો છે છતાં તેને ગાંઠતા નથી.
કહેવા માટે તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે પરંતુ અહીં બહુમતિ લોકો મનુવાદી વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મમાં માને છે. કોઈપણ ગામમાં કઈ કોમનું પ્રભુત્વ છે તે જાણવું હોય તો ત્યાં સૌથી વધુ ખેતીની જમીન કોની પાસે છે, ગામના પાદરમાં આવેલી દુકાનો, પાનના ગલ્લા વગેરે કોના છે અને સરપંચ કઈ જાતિનો છે, આટલું તપાસશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીં કઈ જાતિના લોકો વર્ચસ્વ ધરાવે છે. મોટાભાગના ગામોમાં કથિત સવર્ણ જાતિના લોકો જ મોટાભાગની ખેતીની જમીન પર કબ્જો જમાવીને બેઠાં હોય છે. એ જ રીતે સરકારી પડતર જમીનો પર પણ આ જ લોકો ગેરકાયદે કબ્જો કરતા જોવા મળે છે. કેમ કે, તેમને ખ્યાલ છે કે, ગામડાઓમાં જમીન એકમાત્ર એવી વસ્તુ છે જે કાયમી આવકનું સાધન છે. એટલે ખેતી કે અન્ય મોકાની જમીનો ગામના માથાભારે તત્વો કદી પણ દલિતો, આદિવાસીઓના હાથમાં ન જાય તેનું પુરતું ધ્યાન રાખે છે. જો કોઈ દલિત કે આદિવાસી પાસે તેની માલિકીની મોકાની જમીન હોય તો તેને યેનકેન રીતે પડાવી લેવા માટે પણ કથિત સવર્ણ માથાભારે લોકો અચકાતા નથી. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક ગરીબ દલિત વ્યક્તિની માલિકીની જમીન પર ગામના માથાભારે તત્વોએ કબ્જો જમાવી દીધો છે અને ગેરકાયદે બાંધકામ પણ શરૂ કરૂ કરી દીધું છે. દલિત વ્યક્તિએ આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી, તો કલેક્ટરે તેની જમીનનો કબ્જો તેને પરત અપાવવા માટે ઓર્ડર કર્યો છે. તેમ છતાં માથાભારે તત્વો દલિત વ્યક્તિની જમીન પરનો ગેરકાયદે કબ્જો છોડવા તૈયાર નથી અને તેની પર બાંધકામ પર ચાલુ રાખ્યું છે.
કલેક્ટરના હુકમને પણ માથાભારે તત્વો ગણકારતા નથી
મામલો ત્રણ કટ્ટર જાતિવાદી રાજ્યો પૈકીના એક એવા મધ્યપ્રદેશનો છે. અહીં સમયાંતરે દલિતો, આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. અહીંના રાજગઢ જિલ્લામાંથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં કોર્ટનો ઓર્ડર મળ્યા પછી પણ માથાભારે તત્વો દલિત વ્યક્તિની જમીન પરનો કબ્જો છોડવા તૈયાર નથી અને ગેરકાયદે રીતે તે જમીન પર બાંધકામ પણ કરી રહ્યાં છે.
રાજગઢ જિલ્લાના હાથીકુમારા ગામના અનુસૂચિત જાતિના નારાયણનો આરોપ છે કે કથિત ઉચ્ચ જાતિના લોકો દ્વારા તેની માલિકીની જમીનને ખોટી રીતે રજિસ્ટર કરાવીને પોતાના નામે ચડાવી દીધી છે અને હવે તેના પર બાંધકામ કરી રહ્યાં છે.
જમીન પર થઈ રહેલા ગેરકાયદે બાંધકામ અને ખોટા રજિસ્ટ્રેશનને લઈને નારાયણે જિલ્લા કલેક્ટરની કોર્ટમાં આવેદનપત્ર રજૂ કરીને આ બાંધકામને રોકવા અને માથાભારે તત્વો દ્વારા તેની જમીન પર કરવામાં આવેલો કબ્જો છોડાવી તેની જમીન પર અપાવવા માટે ધા નાખી હતી.
જમીન પર ચાલી રહેલા બાંધકામ સંદર્ભે નારાયણે કલેક્ટર કોર્ટમાં અરજી કરી ઉક્ત બાંધકામ અટકાવવા અને માથાભારે તત્વોની રજિસ્ટ્રી પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. તેની નોંધ લેતા કલેકટરે 27 મે, 2024ના રોજ મનાઈ હુકમ ફરમાવ્યો હતો, આદેશમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અરજદાર નારાયણના પિતા ભાગચંદ્ર, હાથીકુમારા ગામના રહેવાસીને 0.266 હેક્ટરની સરકારી જમીન સર્વે નંબર 60 પર સરકાર દ્વારા લીઝ પર આપવામાં આવી હતી. અરજદારે આપેલા ફરિયાદના આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માથાભારે તત્વોએ સક્ષમ અધિકારીની ભલામણ વિના આ જમીનની બનાવટી નોંધણી કરાવીને પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી છે.
આ મામલે સબ ડિવિઝનલ ઓફિસર રાજગઢ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હાથ ધરાયેલી તપાસમાં પ્રથમદર્શી હકીકત પ્રકાશમાં આવી છે કે આ કેસમાં જમીન મહેસૂલ સંહિતા 1959ની કલમ 1657 (b) નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અરજદાર અધિકારીઓ સમક્ષ હાજર થઈને એવું પણ જણાવ્યું છે કે, માથાભારે તત્વો આ જમીન પર બિનઅધિકૃત બાંધકામ કરી રહ્યા છે જે અટકાવવું જોઈએ.
કાયદાની ઐસી કી તૈસીની દાદાગીરી
નારાયણની આ અરજીને કલેક્ટરે માન્ય રાખી હતી અને આગામી આદેશ સુધી તેના ગામમાં તેની જમીન પર માથાભારે તત્વો દ્વારા કરવામાં આવતા બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો હતો અને તેનો તાત્કાલિક અમલ કરવા કહ્યું છે.
જો કે, આદેશ મળ્યાં પછી પણ પીડિત નારાયણ પોલીસ અને અધિકારીઓના ચક્કર લગાવી રહ્યાં છે, છતાં ન તો માથાભારે આરોપીઓ જમીન પરનો કબ્જો છોડી રહ્યાં છે, ન બાંધકામ રોકી રહ્યાં છે. પીડિત નારાયણનું કહેવું છે કે, કલેક્ટરનો આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી તેની પાછળ તેની જાતિ છે. જો તે અનુસૂચિત જાતિ સમાજને બદલે કોઈ કથિત સવર્ણ જાતિની વ્યક્તિ હોત તો પોલીસ તરત કાર્યવાહી કરીને તેની જમીન છોડાવી આપત. પણ અહીં દલિતોનું કોઈ સાંભળનાર નથી. ગામના માથાભારે તત્વો મારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને અહીં બાંધકામ કરી રહ્યાં છે, કલેક્ટરે તેને ગેરકાયદે સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે છતાં તેમના ઓર્ડરનો અમલ નથી થતો, તેની પાછળનું કારણ માત્ર મારી જાતિ હોય તેવું લાગે છે.
આ પણ વાંચો: કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ