જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું

જાતિવાદી તત્વો દલિત પરિવારના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવા માંગતા હતા. પણ પરિવારે તેનો વિરોધ કરતા તેનું ઘર સળગાવી દીધું.

જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

દેશભરમાં દલિત અત્યાચારની રોજ કોઈને કોઈ ઘટના બને છે પરંતુ મુખ્યધારાના મીડિયામાં તેની નોંધ બહુ મર્યાદિત રીતે લેવાય છે. મોટાભાગના મીડિયા કવરેજમાં તેને જાતિવાદની સમસ્યા તરીકે નહીં પરંતુ અત્યાચારની એક રૂટિન ઘટના તરીકે રજૂ કરાય છે. જેના કારણે અત્યાચારની આખી ઘટનાની ગંભીરતા જ ખતમ થઈ જાય છે. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ, જેમાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારનું આખું ઘર સળગાવી નાખ્યું હતું, પરિવારના સભ્યોને ઢોર માર માર્યો હતો તેમ છતાં તેની સામાન્ય નોંધ પણ મીડિયાએ લીધી નહોતી. એક ગામમાં દલિત પરિવારના ઘરની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર ગામના કેટલાક જાતિવાદી માથાભારે તત્વોની નજર હતી. તેઓ એકથી વધુ વખત આ જમીન પર કબ્જો જમાવવા માટે પ્રયત્નો કરી ચૂક્યા હતા. પણ દલિત પરિવારની સતર્કતાને કારણે તેમની કારી ફાવતી નહોતી. પણ થોડા દિવસ પહેલા જાતિવાદીઓએ ફરી એકવાર આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવા પ્રયત્ન કર્યો હતો અને દલિત પરિવારે પોલીસને ફોન કરી દેતા પોલીસે આવીને ગેરકાયદે કબ્જો અટકાવી બંને પક્ષોને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યાંથી દલિત પરિવાર પોતાના ઘરે પરત ફર્યો ત્યાં જ જાતિવાદી તત્વો તેમના ઘરે પહોંચી ગયા હતા અને પરિવારના સભ્યોને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેમના ઘરને પણ આગ લગાડી દીધી હતી. જેમાં તેમની ઘરવખરી, રાશન વગેરે બળીને ખાક થઈ ગયું હતું. દુઃખની વાત એ હતી કે, પીડિત દલિત પરિવારના મોભીનું હજુ અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતું. તેમ છતાં જાતિવાદીઓને દયા આવી નહોતી. આ મામલે હવે પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના પ્રયાગરાજના ગંગાપાર વિસ્તારમાં આવેલા માધોપુર ગામમાં શિવબંસીલાલ કનોજિયા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. તેમના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગામના માથાભારે જાતિવાદી તત્વો કબ્જો કરવા માંગતા હતા. પણ તેઓ તેમના મનસૂબાને સફળ થવા દેતા નહોતા. આથી જાતિવાદીઓએ તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો અને ઘર સળગાવી દીધું હતું.

આ પણ વાંચોઃ તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા

મીડિયા સાથે વાતચીત કરતા શિવબંસીલાલ કનોજિયાએ જણાવ્યું હતું કે, "મારા ઘરની બાજુમાં સરકારી જમીન ખાલી પડેલી છે. જેના પર ગામના રામચંદ્ર પટેલ, રામકૃપાલ પટેલ, પ્રતાપ બહાદુર પટેલ, રંગબહાદુર પટેલ, ભોલા પટેલ વગેરે લોકો ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવા માંગતા હતા. અનેકવાર તેમણે આ જમીન પર કબ્જો જમાવવા માટે ત્યાં કોઈને કોઈ બાંધકામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ સફળ નહોતા થઈ શકતા. 14મી મે 2024ના રોજ સાંજના સમયે આ લોકો દ્વારા ફરી આ જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ મજૂરો અને કડિયાને બોલાવીને થાંભલા ઉભા કરી ઢાળિયું બનાવતા હતા. મેં આ ગેરકાયદે થતું બાંધકામ રોકવા માટે 100 નંબર પર પોલીસને ફોન કર્યો. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ અને આ લોકો મને ગાળો ભાંડતા ઘરે ભાગી ગયા. 100 નંબર પર ફોન કર્યા બાદ આવેલી પોલીસે વધારાની ફોર્સ બોલાવી લીધી. સ્થળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો આવી પહોંચ્યો અને ગેરકાયદે કામ અટકાવી દીધું. એ પછી પોલીસે અમને બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં પોલીસે તેમને ગેરકાયદે બાંધકામ અટકાવી દેવા માટે કહી દીધું અને ફરી આવતીકાલે સવારે આવવા માટે કહ્યું. એ પછી અમે બધાં ઘરે પરત આવી ગયા."

શીવબંસીલાલ કનોજિયા આગળ જણાવે છે કે, "અમે બધાં ઘરે પાછા આવી ગયા હતા. એ દરમિયાન આરોપીઓ લાકડીઓ લઈને અમારા ઘરમાં ઘૂસી આવ્યા અને આખા પરિવારને ઢોર માર માર્યો, અમને જાતિસૂચક ગાળો ભાંડી. જ્યારે અમે તેની સામે અવાજ ઉઠાવ્યો તો તેમણે અમારા ઘરને આગ લગાડી દીધી. જેમાં અમારું આખું ઘર સળગી ગયું. ઘરમાં રહેલો સામાન અને રાશન પણ બળીને ખાક થઈ ગયું. મારા પિતાનું હજુ અઠવાડિયા પહેલા જ અવસાન થયું છે. આખો પરિવારમાં શોકમાં ડૂબેલો હતો અને તેમના તેરમાની તૈયારીઓ કરી રહ્યા હતા. એ દરમિયાન આ લોકોએ ગેરકાયદે કબ્જો જમાવીને ફરી વિવાદ શરૂ કરી દીધો હતો. તેમને એમ હતું કે, આમના ઘરમાં હાલ મરણ થયું હોવાથી કોઈ બોલશે નહીં અને આસાનાથી જમીન હડપ કરી લેવાશે. મારા પિતા હવે રહ્યાં નથી એટલે તેઓ ઈચ્છે છે કે અમને અહીંથી ડરાવી, ધમકાવીને અહીંથી ભગાડી દેવામાં આવે અને પછી આ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી લે."
આ કેસમાં પીડિત શિવબંસી લાલ કનોજિયાની ફરિયાદના આધારે આઈપીસીની કલમો 147, 323, 504, 506, 435 અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આગળ વાંચોઃ ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.