ચારધામ યાત્રા અને મોતનો ખતરો અને લૂંટની ખાતરી

ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથને ચાર ધામ ગણવામાં આવે છે અને વર્ષે હજારો લોકો ત્યાં દર્શને જાય છે. પણ અહીં મોતનો ખતરો અને ઉઘાડી લૂંટ નક્કી છે.

ચારધામ યાત્રા અને મોતનો ખતરો અને લૂંટની ખાતરી
image credit - Google images

દેશભરમાં ધર્મના નામે ચાલતી લૂંટની દુકાનોનો તોટો નથી. ચારધામ યાત્રાની શરુઆત થઈ ચુકી છે. તેની સાથે અહીં ટૂરિસ્ટની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે. જાતિવાદી અને ધર્માંધ ઉત્તરાખંડમાં ધર્મની આડમાં શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવે છે તેના કિસ્સાઓ તો અનેક છે પણ હાલ અહીં જનારાઓને તેનો કડવો અનુભવ થઈ રહ્યો છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર કેદારનાથની યાત્રાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે, જેમાં સેંકડો લોકો ટોળે વળીને દર્શન માટે પડાપડી કરી રહ્યાં છે. ભીડ એટલી વધી ગઈ કે મંદિરવાળાઓએ લોકોને આગ્રહ કર્યો છે કે, થોડા સમય માટે લોકો યાત્રાએ આવવાનું ટાળે.

ચીજવસ્તુઓના ભાવમાં ઉઘાડી લૂંટનો વીડિયો વાયરલ

આ દરમ્યાન હવે કેદારનાથનો વધુ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સે કેદારનાથમાં ખાવા-પીવાની વસ્તુઓની કિંમતનું લિસ્ટ શેર કર્યું છે. કેદારનાથમાં દરેક વસ્તુઓના ભાવાં બેથી ત્રણ ગણો વધારો થઈ ગયો છે અને શ્રદ્ધાળુઓ તે લેવા માટે મજબૂર બન્યાં છે. અહીંના વેપારીઓ પ્રવાસીઓને રીતસરના લૂંટી રહ્યાં છે.

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં

સામાન્ય રીતે કોઈ ચીજવસ્તુના ભાવ એમઆરપીથી વધુ વસૂલી શકાતા નથી. પણ કેદારનાથમાં દસ રૂપિયાની વસ્તુ 30 રૂપિયાથી વધુમાં વેચાઈ રહી છે. વીડિયો વાયરલ કરનાર શખ્સે તેનું લાઈવ ઉદાહરણ દર્શાવ્યું હતું. જેમાં વેપારી દસ રુપિયાની વસ્તુ ત્રણ ગણાં ભાવે આપી રહ્યો છે. સ્થાનિક તંત્ર આ બાબતે બધું જાણતું હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે.

20 રૂ.ની પાણીની બોટલનો ભાવ રૂ. 100

વાયરલ વીડિયોમાં શખ્સ કેદારનાથમાં ચાથી લઈને ઠંડાપીણા સુધીના ભાવ બતાવે છે. અહીં 10 રૂપિયાની ચા 30 રૂપિયામાં, ઠંડાપીણાંની 20 રૂ.ની બોટલ 50 રૂપિયામાં વેચાય છે. પીવાના પાણીની એક લીટરની બોટલની મહત્તમ વેચાણ કિંમત રૂ. 20 હોવા છતાં કેદારનાથના વેપારીઓ તેના 100 રૂપિયા વસૂલે છે. એક સમોસાનો ભાવ રૂ. 30 ઉપર પહોંચ્યો છે. આ જ રીતે બીજી તમામ ખાણીપીણી અને પ્રવાસીઓ માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વેપારીઓએ વધારી દીધાં છે અને ધર્મની આડમાં લોકોને લૂંટવાનું ચાલું કરી દીધું છે.

ભક્તોની ભીડ જોઈ વેપારીઓએ પહાડો ખોદી હોટલો બનાવી

વીડિયો બનાવનાર શખ્સે જો કે પછી તેની પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, જમીન પરથી પહાડી વિસ્તાર સુધી સામાન પહોંચાડવા માટે વેપારીઓને ભારે જહેમત ઉઠાવવી પડે છે તેમની મજૂરી કિંમત વધી જાય છે. પણ આ મામલે એક વ્યક્તિએ કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે, વૈષ્ણૌદેવી મંદિર પણ ઊંચાઈ પર આવેલું છે, પણ ત્યાં તો આવું નથી થતું. અન્ય કેટલાક લોકોએ આ આખું ષડયંત્ર ધર્મની આડમાં પોતાનો ધંધો ચલાવવાનું છે તેમ કહ્યું હતું. કેદારનાથમાં દર વર્ષે હજારો લોકો ધાર્મિક શ્રદ્ધાથી પ્રેરાઈને દર્શન માટે ઉમટી પડે છે. ભક્તોના આ ઘોડાપૂરને કારણે જ અહીં ધંધાદારીઓએ કબ્જો જમાવ્યો છે અને પહાડો ખોદીને હોટલો બનાવી નાખી હતી. આ સિવાય નાનીમોટી હાટડીઓ ખોલીને અનેક વેપારીઓ બેસી ગયા છે. જેમની પાસેથી વસ્તુઓ ખરીદવા સિવાય શ્રદ્ધાળુઓ પાસે કોઈ વિકલ્પ નથી. કેમ કે, આટલી ઊંચાઈ પર મજબૂરીમાં તેઓ જાય પણ ક્યાં? 

2013માં આવેલા પૂરમાં 5000 લોકો મોતને ભેટ્યાં હતા

શ્રદ્ધાળુઓની ભીડને જોતા અહીંના વેપારીઓની દાઢ સળવળી હતી અને પહાડો ખોદીને હોટલો બનાવી નાખી હતી. પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઉભો થતા અનેક સમસ્યાઓ પેદા થઈ ગઈ છે અને તેનું રૌદ્ધ સ્વરૂપ 2013માં જોવા મળ્યું હતું. વર્ષ 2013ની 16-17 જૂને અહીં ભયંકર પૂર આવ્યું હતું અને તેમાં 5000થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચો: રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો

કેદારનાથ મંદિરની અંદર શિવલિંગની આસપાસ પણ લાશોના ઢગલાં થઈ ગયા હતા. જો કે એ ઘટનામાંથી પણ દેશની અંધશ્રદ્ધાળુ પ્રજાએ કોઈ ધડો લીધો હોય તેમ લાગતું નથી અને દર વર્ષે સેંકડોની સંખ્યામાં કેદારનાથમાં પહોંચી જાય છે અને ભીડ વધી જતા કોઈને કોઈ નાનીમોટી દુર્ઘટના બને છે.

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત

કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી - એમ ચારધામ યાત્રાને શરૂ થયાને હજુ પાંચ દિવસ જ થયા છે. પરંતુ કેદારનાથના કપાટ ખુલવાની સાથે જ શ્રદ્ધાળુઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. અત્યાર સુધીમાં ચારધામ યાત્રામાં 11 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. વહીવટી તંત્રે ભારે ભીડને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન બે દિવસ માટે બંધ કરી દીધું છે. ૧૫ મેને બુધવારે રજિસ્ટ્રેશન બંધ રહ્યું અને ૧૬ મેએ ઓફલાઈન રજિસ્ટ્રેશ નહોતું થયું.

વર્ષ 2023માં 200 શ્રદ્ધાળુઓના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં કરવામાં આવી રહ્યું છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, ૧૫મી એપ્રિલથી હમણાં સુધી ૨૬,૭૩,૫૧૯ રજિસ્ટ્રેશન થયા હતા. ગંગોત્રીમાં ૪,૨૧,૩૬૬, યમુનોત્રીમાં ૪,૭૮,૫૭૬ અને હેમકુંડ સાહિબ માટે ૫૯ હજારથી વધુ શ્રદ્ધાળુંઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં ચારધામ યાત્રા દરમિયાન કુલ ૨૦૦ શ્રદ્ધાળુંઓના મોત થયા હતા. ઉતરાખંડ સરકારે જાહેર કરેલાં આંકડા મુજબ કેદારનાથમાં ૯૬, યમુનોત્રીમાં ૩૪, ગંગોત્રીમાં ૨૯, બદ્રીનાથમાં ૩૩, હેમકુંડ સાહિબમાં ૭ અને ગૌમુખ ટ્રેકમાં એકનું મોત થયું હતું. 

આ પણ વાંચો: શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.