ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં

ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં આજે સવારે ઉન્માદી ભક્તો હોળીની ઉજવણી કરવા ઉમટી પડ્યા હતા. એ દરમિયાન અચાનક ગર્ભગૃહમાં આગ લાગતા 13 પૂજારીઓ દાઝી ગયા છે.

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં
image credit - Google images

મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં મોટી દુર્ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે અહીં ભસ્મ આરતી વખતે હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી ગઈ હતી જેમાં મંદિરના 13 જેટલા પૂજારીઓ દાઝી ગયા છે. મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક મંદિરનો નંદી હોલ ખાલી કરાવવામાં આવ્યો હતો અને ભસ્મ આરતીમાં સામેલ ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા.

ગર્ભગૃહમાં આગ લાગતા જ હાજર ભક્તોમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં કેટલાય લોકો કચડાયા હતા. ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ચાર લોકોની હાલત ગંભીર જણાતા તેમને ઈન્દોર ખસેડાયા છે. હાલ ઉજ્જૈનમાં બીજા લોકોની સારવાર ચાલી રહી છે.

ભક્તોએ ગુલાલ ઉડાડ્યો અને આગ ભભૂકી ઉઠી
મળતી માહિતી પ્રમાણે ભસ્મ આરતી દરમિયાન ઉન્માદી ભક્તોએ ગુલાલ ઉડાડતા આગ ભડકી ઉઠી હતી. દુર્ઘટના ઘટી એ દરમિયાન મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળી મનાવી રહ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે ગર્ભગૃહમાં પૂજારી આરતી કરી રહ્યા હતા એ દરમિયાન પાછળથી કોઈએ પૂજારી સંજીવ પર ગુલાલ ઉડાડ્યો હતો અને એ ગુલાલ દીવા પર પડ્યો હતો. એવું તારણ છે કે, ગુલાલમાં કોઈ કેમિકલની ભેળસેળ હતી જેના કારણે દીવો આગમાં પરિવર્તિત થઈ ગયો હતો અને જોતજોતામાં ગર્ભગૃહમાં આગ ભડકી ઉઠી હતી.

https://twitter.com/ANI/status/1772091759146815912

કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે 13 લોકો આગમાં દાઝી ગયા છે, જે પૂજારીઓ છે. 4 લોકોને ઈન્દોર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેના માટે એક કમિટી રચવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘાયલ બાકી લોકોની ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કેવી રીતે દુર્ઘટના ઘટી?
ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારી પ્રદીપ ગુરૂએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારને લઈને મહાકાલ મંદિરમાં દરરોજની જેમ ભસ્મ આરતી થઈ રહી હતી. હોળીના તહેવારને લઈને ભક્તો ગુલાલ ઉડાડી રહ્યા હતા. એ દરમિયાન કપૂર આરતી થઈ રહી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એજ વખતે કોઈ ભક્તે ગુલાલ ઉડાડ્યો હતો, જેમાં કોઈ કેમિકલ હતું અને તે ગુલાલ આરતીના દીવા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં 13 પૂજારીઓ દાઝી ગયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, દુર્ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવશે. અત્યાર સુધીમાં 8 લોકોને રેફર કરાયા છે.

આ પણ વાંચોઃ શું હોળીનો તહેવાર દલિત, આદિવાસી, ઓબીસીએ ઉજવવો જોઈએ?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.