અમદાવાદના કવિ ઉમેશ સોલંકીની YAPANCHITRA રાષ્ટ્રીય કવિતા ઍવોર્ડ 2024 માટે પસંદગી
ગુજરાતના જાણીતા કવિ ઉમેશ સોલંકીએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. કોલકાતા સ્થિત એક પ્રતિષ્ઠિત મેગેઝિને તેમને રાષ્ટ્રીય કવિતા ઍવોર્ડથી સન્માનિત કર્યા છે. શું છે આ સન્માન અને શા માટે તે મહત્વનું છે, વાંચો આ અહેવાલમાં.
અમદાવાદના જાણીતા બહુજન કવિ ઉમેશ સોલંકીની કોલકાતા સ્થિત YAPANCHITRA નેશનલ પોએટ્રી ઍવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાથી પ્રસિદ્ધ થતું આ જાણીતું મેગેઝિન તેના કળા, સાહિત્ય અને સંસ્કૃતિને લગતા લેખો માટે જાણીતું છે. ખાસ કરીને કવિતાઓ પર તેનું વધારે ફોકસ રહે છે. બંગાળમાં તે યુવા કવિઓ માટે એક મહત્વના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ યુવા કવિઓએ પોતાની રચનાઓ પુસ્તક તરીકે છપાવવા માટે પબ્લિશરોના ઓશીયાળા રહેવું પડતું હતું. પણ YAPANCHITRA મેગેઝિને તેમને તેમાંથી મુક્તિ અપાવી હતી. છેલ્લા બે દાયકામાં તેણે યુવા કવિઓના 50થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. કોલકાતાના બૌદ્ધિક વર્ગમાં આ મેગેઝિન અત્યંત લોકપ્રિય છે.
YAPANCHITRA મેગેઝિન કવિઓ માટે બે મહત્વના ઍવોર્ડ આપે છે. જેમાં પહેલો ઍવોર્ડ બંગાળી કવિતાઓ માટેનો હોય છે, જ્યારે બીજો બંગાળી સિવાયની ભારતીય ભાષાની કવિતાઓ માટે હોય છે. આ ઍવોર્ડ મુખ્યત્વે જે તે કવિતાઓનું રાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન પરિસ્થિતિમાં કેટલું મહત્વ છે તેને ધ્યાનમાં રાખીને અપાતો હોય છે, જે આ વર્ષે ઉમેશભાઈ સોલંકીને ફાળે ગયો છે. આ ઍવોર્ડમાં રૂ. 50,000ની ઈનામી રકમ, પ્રશસ્તિપત્ર અને મોમેન્ટનો સમાવેશ થાય છે.
આ ઍવોર્ડ માટે પાંચ સભ્યોની એક કમિટી હોય છે, જે દેશભરની વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા કવિતાઓના પુસ્તકો અને તેની સામગ્રીનો અભ્યાસ કરીને તેના આધારે આ ઍવોર્ડ કોને આપવો તે નક્કી કરતી હોય છે. આ કમિટીમાં અત્યંત પ્રતિષ્ઠિત કવિઓ, લેખકો સામેલ હોય છે જેઓ દેશભરનું સાહિત્ય અને કવિતાઓના અભ્યાસુ હોય છે.
ઉમેશભાઈ 8મી માર્ચે કોલકાતા જશે
ઉમેશભાઈને YAPANCHITRA મેગેઝિન દ્વારા આ ઍવોર્ડ આગામી તા. 8 થી 10 માર્ચ 2024ના રોજ કોલકાતા ખાતે આયોજિત YAPANCHITRA ફેસ્ટિલ દરમિયાન તા. 8 માર્ચના રોજ એનાયત કરવામાં આવશે. તેના માટે તેઓ કોલકાતા જશે અને ચાર દિવસ સુધી કોલકાતાના મહેમાન તરીકે તેમનું સ્વાગત કરવામાં આવશે.
કોણ છે ઉમેશ સોલંકી?
ઉમેશ સોલંકી મૂળ ઉત્તર ગુજરાતના વતની છે, પણ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયેલા છે. તેઓ કવિ, નવલકથાકાર, ફોટોગ્રાફર, રિપોર્ટર અને ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે ત્રણ કાવ્ય સંગ્રહો આપ્યા છે, જેમાં ‘28 પ્રેમકાવ્ય’, ‘લૉકડાઉન’ અને ‘અણસાર’નો સમાવેશ થાય છે. જ્યારે ‘ભીતર’, ‘ફેરફાર’ અને નોન ફિક્શન સંગ્રહ ‘માટી’ આપ્યા છે. ઍવોર્ડ આપનારી સંસ્થાએ તેમના પરિચયમાં લખ્યું છે કે, “ઉમેશ સોલંકી એક નોંધપાત્ર ભારતીય કવિ છે, જેઓ ગુજરાતીમાં લખે છે. તેમની કવિતા અનેક ગાયકોએ ગાઈ છે. તેમની પાસે એક ઓડિયો- વિઝ્યુઅલ આલ્મબ લવ ઈઝ નોટ બ્લાઈન્ડ છે.” તેમના આ સાહિત્ય સર્જનની કદર તરીકે આ ઍવોર્ડ આપવામાં આવ્યો છે. આ રીતે તેમણે સમગ્ર બહુજન સમાજની સાથે ગુજરાત અને ગુજરાતીઓનું પણ ગૌરવ વધાર્યું છે. આ સાથે જ તેવો આ ઍવોર્ડ મેળવનાર પહેલા અને એકમાત્ર ગુજરાતી કવિ બની ગયા છે. ઉમેશભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન.
આ પણ વાંચો: સંતરામપુરની આર્ટ્સ કૉલેજના ડૉ. માલિની ગૌતમને મળ્યું પ્રતિષ્ઠિત અમર ઉજાલા શબ્દ સન્માન
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.