બાવળાના કાવિઠામાં દરબારોએ દલિત ફળિયામાં ઘૂસીને હુમલો કર્યો, 4 દલિતો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં દલિતો પર હુમલાની વધુ એક ઘટના બની છે. અમદાવાદના બાવળા તાલુકાના કાવિઠા ગામે 15 જેટલા દરબારો ધારિયા સહિતના ઘાતક હથિયારો સાથે દલિત ફળિયામાં ધસી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. જેમાં એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શું છે આખી ઘટના, હુમલા પાછળનું કારણ શું, વાંચો આ વિસ્તૃત રિપોર્ટમાં.

બાવળાના કાવિઠામાં દરબારોએ દલિત ફળિયામાં ઘૂસીને હુમલો કર્યો, 4 દલિતો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં દલિતો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ દલિતોના વરઘોડા, જાન પર માથાભારે તત્વોના હુમલાઓની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ગામના માથાભારે દરબારોએ દલિત ફળિયામાં ઘૂસી જઈને ઘાતક હથિયારોથી દલિતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં દલિત સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને પીડિતના પરિવારજનો તથા ગામલોકોએ પહોંચી જઈને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

મોડીફાઈડ બાઈક ચલાવવાની ના પાડતા હુમલો કર્યો

સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર અને ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ પરમાર પાસેથી મળતી વિગતો પ્રમાણે કાવિઠા ગામના એક દરબાર યુવકે બુલેટ બાઈકને મોડીફાઈડ કરાવી હતી, જે ચલાવતી વખતે તેમાંથી બોમ્બ ફૂટતા હોય તેવો ડરામણો અવાજ આવતો હતો. બુલેટચાલક વારંવાર બેફામ રીતે તે લઈને દલિત ફળિયામાંથી નીકળતો હતો. જેના ડરામણા અવાજથી બાળકો, વૃદ્ધો વગેરેને ભારે પરેશાની થતી હતી.

તા. 29 ફેબ્રુઆરી 2024ની સાંજે 7.30 વાગ્યાની આસપાસ દલિત ફળિયાના અમુક સમજદાર લોકોએ બુલેટ લઈને આવતા દરબાર યુવકોને આ રીતે બાઈક ન સમજાવ્યા હતા. જેનાથી બુલેટચાલક સહિત તેની સાથે રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી થઈ હતી. પરંતુ બંને પક્ષના સમજદાર લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો અને સમાધાન થયું હતું. એ પછી દલિત ફળિયાના લોકો પોતપોતાના ઘેર જમવા માટે ગયા હતા ત્યારે 15 જેટલા દરબારોનું ટોળું દલિત ફળિયામાં ઘૂસી આવ્યું હતું અને બેફામ ગાળો બોલીને હુમલો કરી દીધો હતો. હુમલખોરોએ ભાવેશભાઈ વાઘેલા નામના દલિત યુવકના ઘરમાં ઘૂસી જઈને તેમના પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. જેમાં તેમના હાથની આંગળીઓને ફ્રેક્ચર થઈ ગયું હતું. આ સિવાય પાયલબહેન નામના મહિલાને માથામાં ધારિયું મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી. અન્ય એક રશ્મિકાંત મકવાણા નામની વ્યક્તિ પર માથાભારે તત્વોએ બુલેટ બાઈક ચઢાવી દેતા તેમના ઢીંચણની ઢાંકણીમાં ફ્રેક્ચર તથા ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે જીગર વાઘેલા નામની વ્યક્તિને પણ માથાના ભાગે ઈજા થઈ હતી.

ઘટના બાદ ઘાયલ ચારેય લોકોને ધોળકા સ્થિત જીવનદીપ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. બનાવની જાણ થતા ધોળકા અને બાવળા પંથકના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, એક્ટિવિસ્ટો હોસ્પિટલ અને કાવિઠા ખાતે ઉમટી પડ્યાં હતા અને એકસાથે પીડિતોને ન્યાય અપાવવા માટે હાકલ કરી છે.

ફરી એકવાર પોલીસની શંકાસ્પદ ભૂમિકા?

દલિત અત્યાચારની અન્ય ઘટનાઓની જેમ આ ઘટનામાં પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે. સામાજિક આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશ પરમારે બાવળા પોલીસ સ્ટેશનના પી.આઈ. જતીન ડાંગરવાલાની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “તેઓ પીડિતો સાથે જે બન્યું છે તે મુજબ ફરિયાદ નોંધવા માંગતા નહોતા. તેના બદલે તેઓ તેમની ઈચ્છા પ્રમાણે ફરિયાદ નોંધાવવા માંગતા હતા. શું આ રીતે તેઓ આરોપીઓને બચાવવાનો તખ્તો તૈયાર કરવા માંગે છે?”

સમગ્ર ઘટનામાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને પીડિતના પરિવારજનો, દલિત આગેવાનો અને એક્ટિવિસ્ટોએ બાવળા પોલીસની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પીઆઈને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. સાથે જ સમગ્ર ઘટના અંગે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા, પીડિતોને પોલીસ રક્ષણ અને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

પીઆઈ ડાંગરવાલા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ

આ કેસમાં ચોંકાવનારી એક બાબત એ પણ સામે આવી છે કે, બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ જતિન ડાંગરવાલા સામે ધોળકાના એક દલિત યુવક જિગ્નેશ શ્રીગોડે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે અને તેના માટે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી આપી છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે, પીઆઈ ડાંગરવાલાએ ભોગ બનનાર પરિવાર સાથે બિભત્સ વર્તન કરી અનુસૂચિત જાતિના લોકોનું અપમાન કરી તેમને હડધૂત કર્યા હતા. તેઓ આરોપીઓને બચાવવાનું કૃત્ય કરી રહ્યાં છે, જે તેમની જાતિવાદી માનસિકતા દર્શાવે છે. જેથી તેમની સામે આઈપીસીની કલમ 217, 218, 166(બી) અને એટ્રોસિટી એક્ટની કલમ-4 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ.

આરોપીઓએ સામી ફરિયાદ નોંધાવી

આ કેસમાં આરોપી દરબારોએ સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ બુલેટ લઈને દલિત ફળિયા પાસેના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દલિત પક્ષના લોકોએ તેમના પર કુહાડી, દાંતી, લાકડીઓ તથા પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેમાં તેમનો એક અંગુઠો કપાઈ ગયો હતો. આ મામલે તેમણે પીડિત દલિતો પૈકીના 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

દલિતોએ નોંધાવેલી ફરિયાદના આરોપીઓ

દિગ્વિજય બકુલભાઈ વાઘેલા
રાજદીપ ઉર્ફે મિતુલ હર્ષદભાઈ વાઘેલા
વિજય ભોપાભાઈ વાઘેલા
બકુલ છત્રસિંહ વાઘેલા
બટુકસિંહ બહાદુરસિંહ વાઘેલા
મંગુભાઈ રમણભાઈ વાઘેલા
મોંઘીબેનનો લાલો
સુરેશભાઈ મેરૂભાઈ વાઘેલા
યુવરાજ બટુકભાઈ વાઘેલા
હર્ષદ છત્રસિંહ વાઘેલા
કરણ ખુમાનસિંહ વાઘેલા (તમામ રહે. કાવિઠા)

ગુજરાતમાં દલિત અત્યાચારના કેસોમાં સજાનો દર 3 ટકાથી ઓછો

ગુજરાતમાં એકબાજુ દલિતો પર ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યાં છે, છતાં દલિત અત્યાચારની ઘટનાઓમાં સજાનો દર 3 ટકાથી પણ ઓછો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, એટ્રોસિટી જેવા ગંભીર કેસોમાં પણ આરોપીઓને જામીન મળી જાય છે. હાલમાં જ ચડાસણા ગામે લુખ્ખા તત્વોએ એક દલિત વરરાજાને ઘોડી પર બેસવાને લઈને લાફો મારી હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, છતાં આરોપીઓને જામીન મળી ગયા છે. ત્યારે કાવિઠાના પીડિતોને અત્યારથી ડર સતાવી રહ્યો છે કે, પોલીસની શંકાસ્પદ ભૂમિકાને કારણે આરોપીઓ છુટી જશે અને તેમને ન્યાય નહીં મળે.

ગુજરાત કૉંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ મૂકી છે કે, “ગુજરાતમાં વારંવાર દલિત સમાજ પર બનતી જીવલેણ હુમલાઓની ઘટનાઓ સાબિત કરે છે કે અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી. પોલીસની શંકાસ્પદ ભૂમિકા આવા મામલાઓની આગમાં ઘી રેડવાનું કામ કરે છે.”

 આ પણ વાંચો : 'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • JAYANTILAL RAMJI MAHIDA
    JAYANTILAL RAMJI MAHIDA
    Congratulations. Be firm n straight forward to open eyes of all our community n make them fearless bcoz all our community is supporting them. Educate n take good position in system so that we can supersed to non bahujan.