સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ

આખરે જેનો ડર હતો એ જ થયું છે. 26મી જાન્યુઆરી 2024ના રોજ સોશિયલ મીડિયામાં એક શિક્ષિકા સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને તેમના રાષ્ટ્રનિર્માણમાં યોગદાનને સમજાવી રહ્યાં હતા. જેની સામે કેટલાક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો પણ શિક્ષિકા ટસના મસ થયા નહોતા. પણ હવે તેમને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરી દેવાયા છે. શું હતો આખો મામલો, વાંચો આ અહેવાલમાં.

સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ

સોશિયલ મીડિયામાં 26મી જાન્યુઆરી 2024ના રોજ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક શિક્ષિકા સ્કૂલમાં વિદ્યાની દેવી મનાતા સરસ્વતીની જગ્યાએ દેશની પ્રથમ મહિલા શિક્ષિકાનું જેમને બહુમાન મળેલું છે તેવા માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને ઉપસ્થિત બાળકો અને લોકોને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન સમજાવતા દેખાય છે. વાયરલ આ વીડિયો રાજસ્થાનનો હતો, જેને લોકોએ ખૂબ વખાણ્યો હતો. પણ હવે સમાચાર આવ્યા છે કે, આ શિક્ષિકા પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ પણ વાંચો: છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!

શું હતો મામલો?

રાજસ્થાનના બાંરા જિલ્લાની લકડાઈ પ્રાથમિક શાળાનો એક વીડિયો ગત પ્રજાસત્તાક દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં હેમતલા બૈરવા નામના એક દલિત શિક્ષિકા પ્રજાસત્તાક દિવસે સરસ્વતીને બદલે માતા સાવિત્રીબાઈ ફુલેનો ફોટો મૂકીને ઉપસ્થિત બાળકો, વાલીઓને તેમના યોગદાન વિશે સમજાવી રહ્યા હતા. બાદમાં કેટલાક ગામલોકોએ આવીને તેમનો વિરોધ કર્યો હતો અને તેમને માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો હટાવીને સરસ્વતીનો ફોટો મૂકવા દબાણ કર્યું હતું. પણ હેમલતા બૈરવા માન્યા નહોતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. હવે આ મામલે સમાચાર આવી રહ્યાં છે કે, હેમલતા બૈરવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવ્યા છે અને ખુદ રાજ્યના શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં જાહેરમાં તેમને સસ્પેન્ડ કર્યા હતા.

વીડિયોમાં શું વાતચીત હતી?

પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન સરસ્વતીની જગ્યાએ સાવિત્રીબાઈ ફુલેની તસવીર લગાવવા અને સરસ્વતીની પૂજા ન કરવા બદલ ગ્રામજનોએ હેમલતા બૈરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. વાયરલ વીડિયોમાં ગ્રામજનો કહી રહ્યા છે કે, “બાળકોની દેવી સરસ્વતી છે અને તેની પૂજા કરવી પડશે.” જ્યારે હેમલતા કહે છે કે,”બાળકોની દેવી સાવિત્રીબાઈ ફૂલે છે અને સરસ્વતીની પૂજા નહીં કરું.”

આ પણ વાંચો : મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ

આ મામલે રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જાહેરમાં હેમલતા બૈરવાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ કહે છે કે, શાળાઓમાં માતા સરસ્વતીનું શું યોગદાન છે? હવે અમે માતા સરસ્વતીનું અપમાન સહન નહીં કરીએ, એટલે જ હું તેમને સસ્પેન્ડ કરું છું.”

કોટામાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કરાયા

રાજસ્થાનમાં સત્તા પરિવર્તન બાદ જાણે મુસ્લિમ અને દલિત શિક્ષકો નિશાન પર આવી ગયા હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં કોટામાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કર્યા બાદ હવે બારાં જિલ્લામાં દલિત શિક્ષિકા હેમતલા બૈરવાને સસ્પેન્ડ કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. જાગૃત નાગરિકો તેમને સસ્પેન્ડ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે.

શિક્ષક સંઘ હેમલતા બૈરવાના ટેકામાં આવ્યો

રાજસ્થાન શિક્ષક સંઘની આંબેડકર પેટા શાખાના અધ્યક્ષ રાજેન્દ્ર ગોરાએ આ મામલે સ્થાનિક અધિકારીઓને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપી આ મામલે વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષક સંઘ 26 જાન્યુઆરી 2024 ના રોજ પ્રજાસત્તાક દિવસ પર સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, લકડાઈ, જિલ્લા બાંરા ખાતે બનેલી ઘટનાની સખત નિંદા કરે છે.

ઘટના બાદ શિક્ષિકા હેમલતા બૈરવાએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. શિક્ષણ વિભાગે પણ આ બાબતે કોઈ તપાસ હાથ ધરી નથી. એ પછી હેમલતા બૈરવાને ન્યાય આપવાને બદલે, રાજસ્થાન સરકારના શિક્ષણ પ્રધાનના આદેશ હેઠળ બાંરાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાને સસ્પેન્ડ કરી અને તેમનું મુખ્યાલય બીકાનેર ખસેડ્યું, જે ઘોર અન્યાય છે અને અમે તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.

આ પણ વાંચો : થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.