મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ

મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં મુખ્યધારાના મીડિયામાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના પ્રતિનિધિત્વને લઈને સવાલ ઉઠાવ્યો એ પછી મીડિયામાં આ વર્ગના લોકોના પ્રતિનિધિત્વનો સવાલ સતત પૂછાઈ રહ્યો છે.

હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ ભારતીય મીડિયામાં લગભગ 90 ટકા ટોચના પદો પર ઉચ્ચ જાતિ સમૂહોનો કબ્જો છે અને એક પણ દલિત કે આદિવાસી ભારતીય મુખ્યધારાના મીડિયાનું નેતૃત્વ નથી કરી રહ્યાં.

ઓક્સફેમ ઈન્ડિયા અને ન્યૂઝલોન્ડ્રીનાવૂ ટેલ્સ અવર સ્ટોરીઝ મેટર્સઃરિપ્રેઝન્ટેશન ઓફ માર્જિનલાઈઝ્ડ કાસ્ટ ગ્રુપ્સ ઈન ઈન્ડિયન મીડિયાની બીજી આવૃત્તિમાં ખ્યાલ આવે છે કે પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ મીડિયામાં લગભગ 90 ટકા ટોચના પદો પર કથિત સર્વણ જાતિ સમૂહોનો કબ્જો છે. જ્યારે એસ.સી. અને એસ.ટી. જાતિના લોકોની હાજરી નહિવત છે.

દક્ષિણ એશિયાના સૌથી મોટા ન્યૂઝ મીડિયા ફોરમ મીડિયા રમ્બલનો આ રિપોર્ટ જણાવે છે કે હિન્દી અને અંગ્રેજી ભાષાના સમાચારપત્રોમાં લખવામાં આવતા 5 પૈકી 3 આર્ટિકલો જનરલ કેટેગરીના લેખકો દ્વારા લખવામાં આવ્યા હતા. જ્યારે એસસી, એસટી અને ઓબીસી લેખકોની ભાગીદારી અહીં દર 5 પૈકી માંડ 1 લેખમાં જોવા મળી હતી.

આ રિસર્ચ અંતર્ગત સામે આવ્યું હતું કે, સમાચારપત્રો, ટીવી ન્યૂઝ ચેનલો, સમાચાર વેબસાઈટ્સ અને પત્રિકાઓમાં 121 મુખ્યપદો જેમ કે, એડીટર ઈન ચીફ, મેનેજિંગ એડિટર, એક્ઝિક્યુટિવ એડિટર, બ્યૂરો ચીફ, ઈનપુટ-આઉટપુટ એડિટર પૈકી 106 પદો પર કથિત ઉચ્ચ જાતિના લોકોનો કબ્જો છે. જ્યારે 5 પદો પર ઓબીસી, 6 પદો પર લઘુમતિ સમાજના લોકો છે. જ્યારે 4 પદો પરની વ્યક્તિની ઓળખ થઈ શકી નહોતી.

ન્યૂઝરૂમમાં ડિબેટોમાં ચર્ચા કરતા એન્કરોની વાત કરવામાં આવે તો દર 4 પૈકી 3(હિન્દી ચેનલોના કુલ 40 એન્કરો અને અંગ્રેજી ચેનલોના 47 એન્કરો) કથિત ઉચ્ચ જાતિના છે. જ્યારે એક પણ દલિત, આદિવાસી કે ઓબીસી નથી.

રિપોર્ટમાં અન્ય એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ન્યૂઝ ચેનલોની 70 ટકાથી વધુ પ્રાઈમ ટાઈમ ચર્ચાઓમાં પેનલિસ્ટ તરીકે કથિત સવર્ણ જાતિના લોકો ઉપસ્થિત હોય છે. અંગ્રેજી ન્યૂઝપેપરોમાં દલિત અને આદિવાસી લેખકો દ્વારા લખવામાં આવ્યા હોય તેવા લેખોની ટકાવારી 5 ટકાથી પણ ઓછી જોવા મળી હતી. જ્યારે હિન્દી સમાચારપત્રોમાં આ પ્રમાણ થોડું સારું જોવા મળ્યું હતું અને તેમાં દલિત, આદિવાસી સમાજના લેખકોની ટકાવારી 10 ટકા આસપાસ જોવા મળી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂઝ પોર્ટલો પર લેખકના નામ સાથે લગભગ 72 ટકા આર્ટિકલો કથિત ઉચ્ચ જાતિના લેખકો દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે 12 મેગેઝિનોની કવર સ્ટોરી પૈકી માત્ર 10 જાતિ સાથે જોડાયેલા મુદ્દા વિશે હતી.

ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષમાં અમારો આ બીજો રિપોર્ટ છે જે જણાવે છે કે ભારતમાં મીડિયાના ન્યૂઝરૂમોમાં હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે હજુ પુરતી જગ્યાઓ નથી. તમામ પ્રકારના અગ્રણી મીડિયા હાઉસ દલિત, આદિવાસી અને ઓબીસી સહિતના બહુજનો માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં મીડિયાએ ન માત્ર કવરેજ પરંતુ પોતાની નિયુક્તિની પ્રથાઓમાં પણ સમાનતાના બંધારણીય સિદ્ધાંતોને જાળવી રાખવાની જરૂર છે.

આગળ તેમણે જણાવ્યું હતું કે, મીડિયા ઓર્ગેનાઈઝેશનોએ વહેલી તકે તેમની નિમણૂકની પદ્ધતિઓમાં ફેરફાર કરીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશભરના ન્યૂઝરૂમો વધુ વિવિધતાભર્યા અને સર્વસમાવેશી બને. કારણ કે, ભેદભાવ અને અન્યાય રહિત ભારતના નિર્માણ માટે તે ખૂબ જ જરૂરી છે.

આ રિપોર્ટમાં ભારતના 43 પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ મીડિયા આઉટલેટ્સનું તેમના કવરેજ, સોશિયલ લોકેશન ઓફ ધ લીડરશીપ અને પત્રકારોની જાતિ સંરચના અંગે સંશોધન કરવામાં આવ્યું હતું.

એપ્રિલ 2021 થી માર્ચ 2022ની વચ્ચે કરવામાં આવેલા આ સંશોધનમાં 20,000થી વધુ મેગેઝિનો અને ન્યૂઝપેપરોના લેખો, 2075 પ્રાઈમ ટાઈમ ડિબેટો સાથે 76 એન્કરો અને 3318 પેનલિસ્ટો તથા 12 મહિનાના ઓનલાઈન ન્યૂઝ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.