અમદાવાદના ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનને લઈને બહુજન આગેવાનો આંદોલનના મૂડમાં

અમદાવાદના રાણીપમાં આવેલું ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન છેલ્લાં 15 વર્ષથી અધુરાં કામોને લઈને દયનિય સ્થિતિમાં પહોંચી ગયું છે. રૂ. 5 કરોડ જેવી માતબર રકમની ફાળવણીના વાયદા છતાં અહીં યોગ્ય સુવિધાઓ જળવાતી ન હોવાથી આખરે બહુજન સમાજના આગેવાનોએ આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે.

અમદાવાદના ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનને લઈને બહુજન આગેવાનો આંદોલનના મૂડમાં

અમદાવાદના રાણીપ ખાતે આવેલા ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના અધૂરા કામોને લઈને બહુજન સમાજના આગેવાનો આંદોલનના મૂડમાં છે. ગઈકાલે ડો. બાબાસાહેબ આંબેડકર વિચાર મંચ રાણીપ દ્વારા આ મામલે એક રાજ્યવ્યાપી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ ફાઉન્ડેશનના અધુરાં કામોને પૂર્ણ કરવા માટે તંત્ર સામે આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી થયું છે.

ભારતીય દલિત પેન્થર ગુજરાતના નેજા હેઠળ યોજાયેલી આ મિટીંગમાં રાજ્યભરમાંથી બહુજન આગેવાનો, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે એક સૂરે ડો. આંબેડકર ફાઉન્ડેશનના અધુરા કામોને પૂર્ણ કરવા તંત્રને તાકીદ કરવાની સાથે જો સરકાર દ્વારા આ મામલે ધ્યાન ન અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે 15 વર્ષ પહેલા 14મી એપ્રીલ 2007ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ફાઉન્ડેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે તે લોકાર્પણ માત્ર દેખાવ પુરતું હતું. બિલ્ડીંગમાં અનેક જગ્યાએ કામો બાકી છે, જે હજુ સુધી પૂર્ણ થયા નથી. અહીં ઓપન એર થિયેટર બનાવ્યા પછી કોઈ વ્યવસ્થા જળવાઈ નથી. અને રૂ. 5 કરોડની ગ્રાન્ટમાંથી ફાઉન્ડેશનનું બાકીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ મામલે બહુજન આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી યોગ્ય જવાબ મળતો નથી. જેના કારણે આખરે બહુજન સમાજના આગેવાનોએ આંદોલનના માર્ગે જવાનું નક્કી કર્યું છે.

તેના માટે રાણીપ ખાતે યોજાયેલી મિટીંગમાં ગુજરાતભરમાંથી બહુજન આગેવાનોએ મળીને આગળની રણનીતિ નક્કી કરી હતી. તેના માટે ડો. આંબેડકર ફાઉન્ડેશન લડત સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેણે સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે આ ફાઉન્ડેશનનું બાકી કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. જો આ માગણીઓ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો સમિતિના નેજા હેઠળ આંદોલન કરવામાં આવશે અને પછી જે પરિણામો આવશે તેના તંત્ર જવાબદાર હશે.

આ પણ વાંચો : બહુજન વિચારધારાના પ્રચાર-પ્રસારમાં મહત્વનો ભાગ ભજવી રહેલા - બહુજન કેલેન્ડરો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.