Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી

1લી જાન્યુઆરીએ જ્યાં આખી દુનિયા નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે દેશનો દલિત સમાજ તેમના પૂર્વજોના બલિદાનને યાદ કરીને આ દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવે છે. આ દિવસ દલિતો માટે ખાસ એટલા માટે પણ છે કેમ કે તે તેમના માટે બ્રાહ્મણવાદી વિચારધારા અને સામાજિક ભેદભાવ સામેની લડાઈમાં જીતનો દિવસ પણ છે.

Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી
Photo By Google Images

પ્રો. ડો. રતિલાલ રોહિત

ઈતિહાસના આયનામાં નજર નાખીએ છીએ ત્યારે કેટકેટલા યુદ્ધોની તસ્વીર આપણી સામે પ્રગટે છે? અંગ્રેજો સામેના નાના-મોટા રજવાડાઓનાં અગણિત યુદ્ધોનો ઈતિહાસ ઈતિહાસકારોએ ગ્રંથોમાં અંકિત કર્યો છે. અંગ્રેજોની દેશી રજવાડાઓ પરની ચઢાઈ અને તેને પોતાના દાસ બનાવી ભારત પર પોતાની સત્તા સ્થાપિત કરવાની સતત વધતી જતી મનોવાંછનાએ એમના સૈન્યમાં અનેક જાતિઓને સ્થાન અપાવ્યું, અંગ્રેજ સેના ભારતીયોથી ભરેલી હતી. દરેક કોમના યુવાનો તેમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતા. એવી જ રીતે અંગ્રેજ સૈન્યમાં મહાર જાતિએ પણ પોતાની શક્તિશાળી સેના ઊભી કરી હતી, જેને મહાર બટાલિયન તરીકે સ્થાન મળ્યું હતું. ભીમા કોરેગાંવની ભીષણ લડાઈ પૂનાના પેશવાઓ અને અંગ્રેજો વચ્ચે ઓગણીસમી સદીના બીજા દાયકાને અંતે લડાઈ થઈ હતી. પરંતુ દુઃખની વાત એ છે કે, હંમેશની જેમ જ સવર્ણ ઈતિહાસકારોએ આ અદ્વિતીય યુદ્ધની નોંધ સુદ્ધાં નથી લીધી. 


આ લડાઈ ઈ.સ. 31મી ડિસેમ્બર 1817 અને 1લી જાન્યુઆરી 1818 એમ બે દિવસ ચાલી હતી. આ લડાઈમાં પેશવાઓની 32 હજારની વિશાળકાય સેના હતી, જેમાં 25 હજાર પાયદળ, 5 હજાર ઘોડેસ્વાર અને 2 હજાર આરબ સૈનિકો હતા. પેશવાઓ સામેનું યુદ્ધ જીતવા અંગ્રેજ સેના પાસે માત્ર 800 જેટલા જ સૈનિકો હતા જેમાં 500 પાયદળ, 300 ઘોડેસ્વાર અને 05 અંગ્રેજ હતા. જેમાં બે તોપનો સમાવેશ થતો હતો. અંગ્રેજ સૈન્યનું સુકાન કેપ્ટન સ્ટોન્ટનના હાથમાં હતું. પેશવાના હજારો સૈન્ય સામે માત્ર 800નું અંગ્રેજી સૈન્ય રાત્રે 25 માઈલ ચાલીને ભીમા નદીને કાંઠે પહોચ્યું ત્યારે સામે કાંઠે પેશવાની અઘઘ 32 હજારની સેના જોઈને અંગ્રેજ અફસર સ્ટોન્ટના જાણે કે મોતીયા મરી ગયા. પોતાની સાવ ટયુકડી સેના વિશાળ પેશવાઓના પરાક્રમ સામે ટકી નહીં શકે એવા વિચારોમાં ઘોળાતા એકવાર તો પોતાના સૈન્યને હુકમ કર્યો કે આપણી સેના પેશવાઓ સામે નહીં ટકી શકે, ચાલો પાછા ફરીએ, પરંતુ શૂરવીર મહારોના સરદાર શિદનાકે નિશ્ચય કરી લીધો હતો કે પેશવાઓના અમાનવીય અને અત્યાચારી રાજકારભારને નેસ્તનાબૂદ કરીને જ જંપશે. પેશવાઓના રાજમાં મહારોને ખૂબ જ ત્રાસ સહન કરવો પડતો હતો. વર્ણવ્યવસ્થા અને જાતિવાદની તમામ સરહદો પેશવાઓએ પાર કરી દીધી હતી. અમાનવીય અત્યાચારોનું તાંડવ કરતું પેશવા રાજ્ય શુદ્રો-અતિશુદ્રો માટે અમાનવીયતાની તમામ હદ પાર કરી ચૂક્યું હતું. પેશવાઓના રાજમાં જ અસ્પૃસશ્યોને કમરે ઝાડું અને ગળામાં કુલડી બાંધવામાં આવી હતી.

એવા ભયાવહ જીવનમાં પીડાતા મહાર સૈન્યના સેનાપતિ શિદનાકે એકવાર વિચાર કરી જોયો કે, અંગ્રેજો તરફથી લડવું એના કરતાં જો પેશવાઓ પોતાના સમાજને માનભર્યું સ્થાન આપી સ્માનભેર જીવન જીવવા માટે તૈયાર થતા હોય તો તેઓ પોતે અંગ્રેજ સૈન્ય સામે લડશે. પરંતુ ગુસ્સે થયેલા બાજીરાવ પેશવા દ્વિતીયએ મહારોના સમાનતાભર્યા વ્યવહારને અવગણી કહ્યું કે 'સુઈની અણી પર માટીના કણ હોય એટલી પણ જગા અમે તમને આપવા તૈયાર નથી. તમારા બધા જ કુટુંબીઓને હાથીના પગ નીચે કચડી નાખીશ'. બાજીરાવ પેશવાના આવા વર્તનથી સમસમી ગયેલા પરાક્રમી શિંદનાકે પેશવાને પ્રત્યુત્તર આપતા કયું કે, 'આજ સુધી અમે તમારો અન્યાય, અત્યાચાર સહન કરતા આવ્યા છીએ, આજથી તમે તમારા મોતની રેખા ખેંચી રહ્યા છો. મહારોએ શસ્ત્ર ઉઠાવ્યા છે, હવે તો પેશવાઓને પાઠ ભણાવીને જ રહીશુ. આ ભૂમિ અમારી જન્મદાતા છે એની લાજ અમે જવા દઈશું નહીં. અન્યાય સામે યુદ્ધ કરવું એ કોઈ પાપ નથી. અમારા હક્ક અને અધિકાર માટે લડાઈ કરવી એ અમારી પ્રથમ ફરજ છે. હવે તો જીવીશું કે મરશું પણ પેશવાઈનો અંત લાવીને જ જંપીશું,' અને સ્વાભિમાની શૂરવીર શિદનાક મહાર સૈનિકોને લઈને મહાર બટાલિયનને જઈને મળ્યો. બીજી તરફ પેશવાના કર્મઠ સેનાપતિ બાપુ ગોખલે નદીના પાણીમાં ઉતરીને પેશવાના વિજય માટે દેવની પૂજા અર્ચના કરતા હતા. મંત્રોચ્ચાર કર્યા પછી તેમણે પોતાના સૈન્ય સામે જોયું. પચ્ચીસ હજારનું સૈન્ય, સાથે હોળકર, ભોંસલેની પાંચ હજારની સેના અને બે હજાર આરબ સૈન્ય મળીને બત્રીસ હજારની સેના વિજય માટે પૂરતી લાગી.

મહાર બટાલિયન સાથે અંગ્રેજોનું સૈન્ય સવારે નદીકાંઠે આવ્યું ત્યારે આખી રાતનો થાક અને ભૂખ એમના ધૈર્ય અને સાહસને ડગાવી શકી નહોતી. સવારે 10 વાગે યુદ્ધનો આરંભ થયો. 31મી ડિસેમ્બરે શરૂ થયેલી લડાઈ પહેલી જાન્યુંઆરીએ પૂરી થઈ. કોરેગાંવ પાસે ભીમા નદીના કિનારે અંગ્રેજોની નાની સરખી સેનાએ પેશવાઓના હજારો સૈન્યની કત્લેઆમ કરી યુદ્ધ જીત્યું. મહાપરાક્રમી શિદનાક પોતાના બંને હાથે તલવારથી શત્રુઓ પર તૂટી પડ્યા. મહારોની અર્ધચંદ્રાકારે બનેલી સૈન્ય ટુકડીએ પેશવાઓને ચીભડાઓની જેમ વાઢી નાખ્યાં. હજારો વર્ષની અપમાનની જ્વાળા હવે મહાકાય આગ બનીને સામે જે આવ્યું તેને ખાક કરી રહી હતી. તેવામાં પેશવા સૈન્યના સેનાપતિ બાપુ ગોખલેનો પુત્ર બાબા ગોખલે યુદ્ધમાં માર્યો ગયો. પોતાના પુત્રની લાશ લઈને આક્રંદ કરતો બાપુ ગોખલે મહારોની આગઝરતી તલવારો જોઈને હતપ્રભ થઈ ગયો.

આ પણ વાંચોઃ વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ

બીજી તરફ અંગ્રેજ સેનાપતિ સ્ટોન્ટ મહાર સૈનિકોને વારંવાર કહેતા હતા કે પાછા વળો, યુદ્ધ જીતવું આપણું કામ નથી. પણ શિદનાક અને અન્ય મહાર સૈનિકોએ એમને વચન આપ્યું કે તમે ડરશે નહીં. આ યુદ્ધ આપણે જીતીને જ જંપીશું. બાબા ગોખલેના મરણથી પેશવાસેના હતપ્રભ બની નાસભાગ કરવા લાગી. પરાક્રમી શિદનાક બે હાથે તલવારથી વાર કરતો આગળ વધી રહ્યો હતો. મહારોની તલવારે ભીમા નદીના જળને લાલ બનાવી દીધું. લાશોના ઢગ વચ્ચેથી રસ્તો કરતું અંગ્રેજ સૈન્ય પેશવાઓની પાછળ પડયું. પેશવાઓની હાર થઈ. યુદ્ધમાં વીસ જેટલા મહાર સૈનિકો શહીદ થયા અને ત્રણ ઘાયલ થયા. પૂનાના શનિવારવાડા(કિલ્લા) પર પેશવાઓનો ધ્વજ જરીપટ્ટો નીચે આવ્યો અને અંગ્રેજોનો યુનિયન જેક ધ્વજ ફરકવા લાગ્યો.

આ યુદ્ધમાં અંગ્રેજ સૈન્યમાં વીસ જેટલા મહાર સૈનિકો શહીદ થયા. જેમના નામ સોમનાક કમલનાક નાઈક, રામનાક વૈશનાક નાઈક, ગોદનાક કોઠેનાક, આગનાક હસ્નાક, અંબનાક કાનનાક, ગણનાક બાળનાક, બાળનાક કોંડનાક, ટુપનાક લખનાક, વપનાક રામનાક વીંટનાક ધામનાક, રાજનાક ગણનાક, વનાક હરનાક, દૈનાક વાનનાક, ગણનાક ધર્મનાક, વેદનાક આનનાક, ગોળનાક વાળનાક, હરનાક હીન, જેઠનાક વૈદ્યનાક, અને ગણનાક હતા. જે આજે ભીમા કોરેગાવના ‘વિજય સ્તંભ' પર કોતરેલા જોવા મળે છે.


ભીમા કોરેગાવમાં અંગ્રેજ સરકારે મહાન પરાક્રમી મહાર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી એમનાં શૌર્ય અને બલિદાનની કદર કરતાં એક સ્મૃતિસ્તંભ ઈ.સ. 1821માં તૈયાર કર્યો. જેને તેમણે ‘મહાર સ્તંભ' એવું નામ આપ્યું. પોતાના શૂરવીર યોદ્ધાઓએ કરેલા પરાક્રમને ડૉ. બાબાસાહેબ આંબેડકર કદી ભૂલાવા દેવા માગતા ન હતા. તેમણે મહાર રેજીમેન્ટના નિવૃત્ત સૈનિક તેમજ તે વખતના અસ્પૃશ્ય સમાજના નેતા શિવરામ જાનબા કાંબલે સાથે આ ક્રાંતિસ્થળની ૨૬ માર્ચ ૧૯૨૭મીના રોજ મુલાકાત કરી તમામ શૂરવીરોને માનવંદના(સલામી) આપી અને એ સ્થળનું નામ 'વિજય સ્તંભ' આપ્યું. આ ઐતિહાસિક સ્થળે 1લી જાન્યુઆરીએ દેશમાં ખૂણેખૂણેથી ભીમ અનુયાયીઓ વિજયસ્તંભને સલામી આપવા લાખોની સંખ્યામાં ઉમડે છે.


મહાર બટાલિયનની અસાધારણ પરાક્રમ શક્તિ જોઈને તત્કાલિન અંગ્રેજ સેનાપતિ કેપ્ટન સ્ટેન્ટન અવાક્ થઈ ગયા. મહાર બટાલિયનના મુખ્ય સૈનિક શિદનાકને તેમની શૂરવીરતા બદલ અંગ્રેજ સરકારે 'સર' ખિતાબથી બહુમાન કર્યું. ભારતીય લશ્કરમાં 'સર' ખિતાબ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય ફૌજી હતા. અંગ્રેજ સરકારનો મહાર બટાલિયન પર વિશ્વાસ એટલો બધો વધ્યો હતો કે 1818માં સાગર મધ્યપ્રદેશ મહાર બટાલિયનનો પાયો તૈયાર કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના સાગરમાં યુદ્ધખાનાની જવાબદારી મહાર બટાલિયનને સોંપવામાં આવી. અહીંથી જ યુદ્ધ સમયે બધી સામગ્રી મોકલવામાં આવતી હતી. ભીમા કોરેગાવનું યુદ્ધ નજરે જોનાર કેપ્ટન સ્મિથ પણ હતા. તેમણે મહાર સૈનિકોના શૌર્યને ઈતિહાસમાં અમૂલ્ય સ્થાન અંક્તિ કરવા ઈગલેંડની સભાગૃહમાં ત્રણ વર્ષ સુધી તમામ પુરાવા રજૂ કરીને મહારોના શૌર્યનું વર્ણન કર્યું કે ‘જગતમાં આવી લડાઈ કદી થઈ નથી અને થશે પણ નહીં.' અને મહાર સૈનિકોને ઈતિહાસમાં જીવંત રાખવા એ જ વખતે સ્તંભનું બાંધકામ 1821માં શરૂ કરવામાં આવ્યું તે 1822માં પુરુ થયું. આ વિજય સ્તંભ 75 ફૂટની ઉંચાઈ ધરાવે છે.

આ પણ વાંચોઃ Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

જેના પર લખ્યું છે કે 'One of the proudest  primps  of the British Army in the East'. તેમજ આ યુદ્ધ એટલે મહારાષ્ટ્રના અસ્પૃશ્ય લોકોએ પોતાની ગુલામી તોડવા કરેલો પ્રયત્ન'. એવા સ્પષ્ટ શબ્દોમાં સ્ટોન્ટને નોંધ્યું છે. તો 5 નવેમ્બર 1925ના રોજ મધ્યભાગના કમિશ્નર એલ. જે. માઉન્ટફોર્ડે અસ્પૃસશ્યોની ઉન્નતિના ઠરાવ પર મુંબઈ કાઉન્સિલમાં પોતાના ભાષણમાં કહ્યું કે ‘દેશમાં જે પરાક્રમ આજ સુધી થયા તેમાં કોરેગાવનું મહાર પરાક્રમ સર્વશ્રેષ્ઠ છે' વિશ્વસ્તરે આ એકમાત્ર એવું ઉદાહરણ છે કે જ્યાં અંગ્રેજોએ પોતાના સૈનિકોના સ્મરણમાં સ્તંભનું નિર્માણ કર્યું હોય. સમય જતાં લેડી સ્મિથે ભીમા કોરેગાવના યુદ્ધ વિશે 'ઘ રિયલ હિસ્ટ્રી ઓફ બેટલ 1818 ભીમા કોરેગાંવ' નામનું એક પુસ્તક લખ્યું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઈ.સ. 1900માં અને બીજી આવૃત્તિ 1902માં પ્રકાશિત થઈ. આ પુસ્તક ઈંગલેંડમાં તે સમયમાં ‘બેસ્ટ સેલિંગ’ પુસ્તક બન્યું હતું.

એ પછી ભારતમાં અંગ્રેજ સરકાર સ્થિર થતાં જ મહારોના શૌર્યની અવગણના કરી મહાર બટાલિયનને બંધ કરવામાં આવી. પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરના બુદ્ધિચાતુર્ય અને મુત્સદ્દીપણાને કારણે મહારોના પરાક્રમને ઈંગ્લેંડમાં ખૂબ જ પ્રસિદ્ધિ મળી. અંગ્રેજ લોકોએ જ સરકાર પર દબાવ બનાવ્યો અને મહાર રેજીમેન્ટ બનાવવાની જોરદાર માંગણી બ્રિટિશ પાલમિન્ટ અને વર્તમાનપત્રો દ્વારા કરી જેને કારણે મહાર રેજીમેન્ટ ફરીથી શરૂ કરવામાં આવી.

ભીમા કોરેગાવની શોર્યગાથા માત્ર અંગ્રેજોની જીત જ નથી પણ હજારો વર્ષથી અપમાન અને અન્યાયી જીવન જીવવા મજબૂર અસ્પૃશ્ય સમાજનો આક્રંદ અને વિદ્રોહનું પરિણામ હતો. જીવનના આરંભથી અંત સુધી દાસત્વમાં રહીને અસહ્ય ગુલામીભર્યું જીવન જીવવા મજબૂર કરનાર સવર્ણોની અમાનવીયતાએ જ દેશને ગુલામીમાં ઘકેલી દીધો હતો. મહાર સૈનિકોના અમાપ શૌર્યને કારણે અમાનવીય પરિબળો પર જીત મળી. માનવતાનો વિજય થયો. એ વિજય સ્તંભ આજે પણ શૂરવીર મહાર યોદ્ધાઓની સાહેદી પૂરે છે. ચાલો, શૌર્યદિન નિમિત્તે સૌ બાંધવો 'વિજયસ્તંભ'ને માનવંદના કરી ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રબુદ્ધ ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. જય ભીમ!

(લેખ સંદર્ભ: ‘સમ્રાટ’ દૈનિક ૧ જાન્યુઆરી 2015-17ના અંક)

આગળ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

આ પણ વાંચોઃ બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.