ભાજપના ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને ભગવો ફરકાવ્યો, કહ્યું, હિંદુ રાષ્ટ્રની શરૂઆત

મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ભાજપના એક ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરાવી ભારતમાં હિંદુ રાષ્ટ્રની શરૂઆત થઈ ચૂક્યાનું જાહેર કરી દીધું.

ભાજપના ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને ભગવો ફરકાવ્યો, કહ્યું, હિંદુ રાષ્ટ્રની શરૂઆત
image credit - Google images

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના ધારાસભ્ય અમર સિંહ યાદવે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરતા ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો અને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. એ દરમિયાન તેમણે કહ્યું કે, આજથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે "હિન્દુ રાષ્ટ્ર ઝિંદાબાદ" અને "જય શ્રી રામ" ના નારા પણ લગાવ્યા.

ઘટનાનું લોકેશન અને વીડિયો વાયરલ થયો

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને લોકો જાતભાતની ચર્ચાઓ કરી રહ્યા છે. ઘટના મધ્યપ્રદેશના રાજગઢના ભારત માતા ચોક પર બની હતી. ભાજપના ધારાસભ્યએ ચાર રસ્તા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો હતો અને તેની જગ્યાએ હિંદુત્વની નિશાનીસમો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય અમર સિંહ યાદવ ચાર રસ્તા પર ભગવો ઝંડો ફરકાવતા જોવા મળે છે અને તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હાજર છે.

ભાજપ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું

વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય અમર સિંહ યાદવે કહ્યું કે, "આજથી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની પ્રક્રિયા રાજગઢથી શરૂ થઈ રહી છે. અમે ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની પહેલ રાજગઢથી શરૂ કરી રહ્યા છીએ." તેમણે એમ પણ કહ્યું કે ભગવો ધ્વજ લહેરાવીને આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, અને હવે સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થયો છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે તેઓ આ મિશનને આગળ વધારવા માટે પગપાળા કૂચ શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાનો છે. આ ઘટના સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે અને ભાજપના ધારાસભ્યના આ નિવેદન અને કાર્યવાહી અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ પણ વાંચો: સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.