નવા શૈક્ષણિક સત્રથી ધો. 6 થી 8માં ભગવત ગીતાના પાઠ ભણાવાશે

ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 8 માં શ્રીમદ ભગવદ ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.

નવા શૈક્ષણિક સત્રથી ધો. 6 થી 8માં ભગવત ગીતાના પાઠ ભણાવાશે

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાના પાઠ શિક્ષણમાં સામેલ કરવાની અગાઉ જાહેરાત કરાઇ હતી. હવે આ જાહેરાતના અમલીકરણની દિશામાં ગુજરાત સરકાર દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જેના લીધે આગામી નવા શૈક્ષણિક સત્રમાં રાજ્યની શાળાઓમાં શ્રીમદ ભગવદ ગીતાના પાઠ ભણાવવા અંગેની જાહેરાતનો સંપૂર્ણ અમલ જોવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્ર દરમિયાન રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો પહોંચાડવા માટેની કામગીરી પૂર્ણતાને આરે છે. આગામી તા. 30મી મે સુધીમાં દરેક શાળામાં પુસ્તકો પહોંચી જાય તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. ગુજરાતની તમામ શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તબક્કા વાર અભ્યાસક્રમ કરાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેને લઈને સંસ્કૃત માધ્યમને પ્રોત્સાહન આપવા માટે 60 જેટલી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે. આગામી નવા શૈક્ષણિક સત્રથી સંસ્કૃત માધ્યમના વિવિધ છ જેટલા નવા અભ્યાસક્રમ અમલી બનાવવામાં આવશે. આ ઉપરાંત નાનાથી માંડીને મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને નવી પેઢીને ટ્રાફિકના પાઠ ભણાવવા માટેનું આયોજન પણ સરકાર દ્વારા કરાયું છે.

આ ઉપરાંત આગામી નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 1 થી 12માં 16 જેટલા નવા પાઠ્ય પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વખત રોડ સેફ્ટી, પ્રાકૃતિક ખેતી, દ્વિભાષીય પાઠ્યપુસ્તકો તેમજ એનસીઇઆરટીના પાઠ્યપુસ્તકોનો સમાવેશ કરાયો છે. આ વખતે પ્રથમ વખત ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: NCERTના પુસ્તકોમાં રામાયણ અને રામ વિશે ભણાવવાનો પ્રસ્તાવ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.