મહત્વના પદો પર SC-ST કેટલાં? ચંદ્રશેખર આઝાદે હિસાબ માંગ્યો
જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ છે તેની ચંદ્રશેખર આઝાદે માહિતી માંગતા નવેસરથી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ભીમ આર્મી ચીફ (Bhim Army) અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad Ravan) ઉત્તરપ્રદેશ (UP) માં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ (SC-ST officials) છે તેની વિગતો માંગી છે. વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ચંદ્રશેખરે માંગેલી આ માહિતને લઈને બીએસપી (BSP) અને આઝાદ સમાજ પાર્ટી (ASP-Kanshiram)વચ્ચે દલિત સમાજના મતોને લઈને ખેંચતાણ ફરીથી શરૂ થઈ ગઈ છે.
ભીમ આર્મી ચીફ અને ASP(K) ના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહા (Manoj kumar sinha) ને પત્ર લખીને અધિક મુખ્ય સચિવથી લઈને પોલીસ સ્ટેશનોના એસપી સુધીના પદો પર દલિત અધિકારીઓની નિમણૂંકને લઈને હિસાબ માંગ્યો છે. જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. આઝાદના આ પગલાને કારણે યોગી સરકાર ભીંસમાં મૂકાઈ છે, તો બીજી તરફ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર દલિત અધિકારીઓ સાથે થતો ભેદભાવનો મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે.
ભેદભાવના આક્ષેપોનો પણ ઉલ્લેખ કરાયો
ચંદ્રશેખરે પત્ર લખીને નિમણૂંક વિભાગ, ગૃહ વિભાગ અને ડીજીપી પાસેથી આ જાણકારી માંગી છે. તેની સાથે જ ચંદ્રશેખરે દલિતો સાથે થતા ભેદભાવો અને અન્યાયનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે વર્તમાનમાં આ મુખ્ય પદો પર બેઠેલા અધિકારીઓ દ્વારા દલિતો સાથે થતા અન્યાયના મામલાઓમાં ન્યાય અપાવવામાં જાણી જોઈને ઢીલ દાખવવામાં આવે છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં
ઉલ્લેખીય છે કે, ચંદ્રશેખરે હાલમાં જ લખનઉમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા એક દલિત યુવકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું. સામાન્ય રીતે બીએસપીના નેતાઓ દલિત અત્યાચારની ઘટનાઓમાં ન્યાય અપાવવા માટે સૌથી પહેલા પહોંચી જતા હોય છે. પરંતુ આ કેસમાં હજુ સુધી બીએસપીના કોઈ મોટા નેતા પહોંચ્યા નહોતા.
22 ટકા દલિત વસ્તી સાથે અન્યાય
ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું હતું કે, દલિતોની અંદાજે 22 ટકા વસ્તી છે, જેમની સાથે જાતિ આધારિત અત્યાચારો, શોષણ અને અન્યાય થઈ રહ્યો છે. તેમને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી દેવામાં આવે છે, પોલીસ તેમની સાથે અભદ્ર વર્તન કરે છે, કેસ નોંધવામાં નથી આવતો અને મજબૂરીમાં કેસ નોંધવામાં પણ આવે તો તેમાં ચેડાં કરવામાં આવે છે અને હકીકત બદલી દેવામાં આવે છે, જેથી આખો કેસ નબળો પડી જાય છે અને આરોપીઓ છટકી જાય છે. અનેક કેસોમાં હળવી કલમો લગાવીને પોલીસ કથિત ઉચ્ચ જાતિના આરોપીઓને છાવરે છે.
કઈ કઈ માહિતી માંગવામાં આવી?
ચંદ્રશેખરે મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, સચિવ, વિભાગીય કમિશનર, DG, ADG, IG, DIG, DM, SSP, SP, ADM અને પોલીસ સ્ટેશનોના એસપી સુધીમાં દલિત-આદિવાસી સમાજના અધિકારીઓની વસ્તી કેટલી છે તેની માહિતી માંગી છે. જો આ માહિતી મળી જાય છે, તો યુપીમાં દલિત અધિકારીઓ કેટલા છે, તેનો ખ્યાલ આવી જશે.
આ પણ વાંચો: નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?