રૂડકીમાં કાવડિયાઓએ 'ભોલે બાબા કી જય'ના નારા સાથે તોફાન મચાવ્યું
ઉત્તરાખંડના રૂડકીમાં કાવડિયાઓએ ભોલે બાબા કી જય ના નારા સાથે જાહેર રસ્તા પર તોફાન મચાવ્યું હોવાની ઘટના સામે આવી છે. શું છે આખો મામલો વાંચો અહીં.
થોડા દિવસ પહેલા યુપીના મુઝફ્ફરનગરમાં કાવડમાં જળ ભરીને નીકળતા કાવડિયાઓએ તોફાન મચાવ્યું હતું. આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં હવે ઉત્તરાખંડના રૂડકીમાં પણ કાવડિયાઓએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અહીં કાવડિયાઓએ એક રિક્ષાચાલકને માર માર્યોહતો અને તેની રિક્ષામાં તોડફોડ કરી હતી. આ ઘટના બની ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી અને તેમણે કાવડિયાઓને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ તેઓ કોઈનું માન્યા નહોતા અને રિક્ષામાં તોડફોડ કરતાં રહ્યાં હતા. આ ઘટનામાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઘટના મંગલોર વિસ્તારના લિબ્બરહેડી નહેર પાટાની છે. જ્યાં એક ઈ રિક્ષાએ કાવડિયાઓને ટક્કર મારી હોવાનું કહેવાય છે. જેનાથી ઉશ્કેરાયેલા કાવડિયાઓએ રિક્ષા ડ્રાઈવરને માર માર્યો અને બાદમાં રિક્ષામાં તોડફોડ કરી હતી. કાવડિયાઓ માર મારતા "ભોલે બાબા કી જય"ના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. હોબાળો થતા ભારે ભીડ જમા થઈ ગઈ. પોલીસે આ મામલે અજાણ્યા કાવડિયાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ઇતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારી બાઈને અન્યાય કેમ કર્યો?
હરિદ્વારના એસએસપી પરમેન્દ્ર સિંહ ડોભાલે જણાવ્યું છે કે મંગલોર વિસ્તારના લિબ્બરેડીમાં સંજય કુમાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે આજે તેમની ઈ- રિક્ષાથી એક કાવડિયાને ટક્કર વાગી ગઈ હતી, જેમાં ન તો કાવડિયાને ઈજા પહોંચી હતી ન કાવડ ખંડિત થઈ હતી. તેમ છતાં કાવડિયાઓએ તેમના સાથીદારો સાથે મળીને તેની સાથે મારામારી કરી હતી અને તેની રિક્ષામાં તોડફોડ કરી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આરોપી કાવડિયાઓની ઓળખ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મુઝફ્ફરનગરમાં પણ કાવડિયાઓએ એક કાર ડ્રાઈવરને ભારે માર માર્યો હતો અને તેની કાર પણ તોડી નાખી હતી. કારના કાચ અને છતને ભારે નુકસાન થયું હતું. પોલીસે ત્યાં પણ કાવડિયાઓને રોક્યા હતા પણ તેઓ પાછા નહોતા વળ્યાં અને કારચાલકને માર મારતા રહ્યા હતા.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો