ઇતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારી બાઈને અન્યાય કેમ કર્યો?
હજુ થોડા દિવસ પહેલા જ જેમની જન્મતિથિ ગઈ તે મહાન બહુજન વીરાંગના ઝલકારીબાઈને ઈતિહાસકારોએ યોગ્ય સન્માન શા માટે નથી આપ્યું તેનો જવાબ હવે ધીરેધીરે બહુજન સમાજને મળવા લાગ્યો છે.

આ ભૂમિની તાસીર રહી છે કે જ્યારે વતનની સુરક્ષા અને સન્માનનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે સૌ એક થઈને ઉભા રહે છે. સ્ત્રીઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, દલિત હોય કે સવર્ણ, તમામ લોકો જન્મભૂમિની અસ્મિતા બચાવવા પોતાના જીવની પણ પરવા કરતા નથી. પણ વાત જ્યારે ઈતિહાસમાં તેમને યોગ્ય સન્માન આપવાની આવે છે ત્યારે સવર્ણ જાતિવાદીઓનું પોત પ્રકાશે છે. સવર્ણ ઈતિહાસકારોની આવી જ જાતિવાદી માનસિકતાનું એક ઉદાહરણ બહુજન વીરાંગના ઝલકારી બાઈના મામલે પણ જોવા મળે છે. ઈતિહાસકારોએ લક્ષ્મીબાઈને જેટલું મહત્વ આપ્યું છે, તેનું પોણા ભાગનું પણ બહુજન નાયિકા ઝલકારી બાઈને નથી આપ્યું તે ખટકતી બાબત છે.
આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે...
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी।
खूब लड़ी मर्दानी, वह तो झांसी वाली रानी थी
પરંતુ શું આપણે જાણીએ છીએ કે આ જ ઝાંસીમાં બીજી એક મર્દાની હતી, જેણે ઝાંસીની રાણી અને તેના કિલ્લાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો? એટલું જ નહીં, પોતાના પતિની શહાદત પર શોક વ્યક્ત કરવાને બદલે, તે બહાદુર મહિલાએ પોતાની ફરજ બજાવવાને પ્રાથમિકતા આપીને અંત સુધી અંગ્રેજો સામે લડતી રહી? તે બહાદુર મહિલા ઝલકારી બાઈ કોળી અને તેમના પતિ પુરણ કોળી હતા, જેમણે પોતાની જન્મભૂમિ કાજે પ્રાણ ન્યોછાવર કર્યા હતા. હજુ આ નવેમ્બર મહિનાની 22મી તારીખે જ આ ક્રાંતિકારી મહિલા યોદ્ધાની જન્મતિથિ ગઈ, પણ ભાગ્યે જ કોઈએ તેમને યાદ કર્યા હશે.
ઝલકારીબાઈ (22 નવેમ્બર 1830 – 4 એપ્રિલ 1857) ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની નિયમિત સેનામાં મહિલા પાંખ દુર્ગા દળના કમાન્ડર હતા. એવું કહેવાય છે કે તે દેખાવે લક્ષ્મીબાઈ જેવા લાગતા હતા, તેથી દુશ્મનોને ગેરમાર્ગે દોરવા માટે તેઓ રાણીના વેશમાં યુદ્ધ કરતા હતા. અંતિમ દિવસોમાં પણ રાણીના વેશમાં લડતી વખતે તેઓ અંગ્રેજોના હાથે પકડાઈ ગયા હતા અને રાણીને કિલ્લામાંથી ભાગી જવાની તક મળી હતી. આઝાદીના પ્રથમ યુદ્ધમાં તેમણે ઝાંસીની રાણી સાથે મળીને બ્રિટિશ સેના સામે અદભૂત બહાદુરી સાથે લડી અને અંગ્રેજોના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
જો લક્ષ્મીબાઈના સેનાપતિઓમાંના એકે તેમની સાથે દગો ન કર્યો હોત તો ઝાંસીનો કિલ્લો બ્રિટિશ સેના માટે લગભગ અભેદ્ય બની ગયો હોત. બુંદેલખંડની લોકકથાઓ અને લોકગીતોમાં આજે પણ ઝલકારી બાઈની ગાથા સાંભળવા મળે છે. ભારત સરકારે 22 જુલાઈ 2001ના રોજ ઝલકારી બાઈના માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી, રાજસ્થાનના અજમેરમાં તેમની પ્રતિમા અને એક સ્મારક નિર્માણાધીન છે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આગ્રામાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, તેમજ તેમના નામે લખનઉમાં એક ચેરિટેબલ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે.
ઝલકરીબાઈનો જન્મ 22 નવેમ્બર 1830ના રોજ ઝાંસીના ભોજલા ગામમાં ગરીબ કોળી પરિવારમાં થયો હતો. ઝલકારીબાઈના પિતાનું નામ સદોવર સિંહ અને માતાનું નામ જમુના દેવી હતું. ઝલકારીબાઈ ઘણાં નાના હતા ત્યારે જ તેની માતા માંદગીને કારણે મૃત્યુ પામ્યા હતા અને તેમના પિતાએ તેમને ઉછેર્યા હતા. તેમને ઘોડેસવારી અને શસ્ત્રોના ઉપયોગની તાલીમ આપવામાં આવી હતી. તે દિવસોની સામાજિક પરિસ્થિતિઓને કારણે તેઓ કોઈ ઔપચારિક શિક્ષણ મેળવી શક્યા નહોતા, પરંતુ તેમણે પોતાને એક સારા યોદ્ધા તરીકે વિકસાવ્યા હતા. ઝલકારી બાઈ બાળપણથી જ ખૂબ જ હિંમતવાન અને દ્રઢ નિશ્ચયી છોકરી હતા. ઘરના કામ ઉપરાંત, ઝલકારી પ્રાણીઓની દેખરેખ પણ કરતા હતા અને જંગલમાંથી લાકડા પણ એકત્ર કરતા.
એકવાર જંગલમાં એક દીપડાનો સામનો થયો ને ઝલકારીએ પોતાની કુહાડીથી દીપડાને મારી નાખ્યો. અન્ય એક પ્રસંગે જ્યારે ડાકુઓની ટોળકીએ ગામના એક વેપારી પર હુમલો કર્યો, ત્યારે ઝલકારી બાઈએ પોતાની બહાદુરીથી તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી. તેમની બહાદુરીથી ખુશ થઈને ગ્રામજનોએ તેમના લગ્ન રાણી લક્ષ્મીબાઈની સેનાના સૈનિક પુરણ કોળી સાથે કરાવ્યા. પુરણ પણ ખૂબ બહાદુર હતા અને સમગ્ર સેના તેની બહાદુરીનું સન્માન કરતી હતી. એકવાર ઝલકારી બાઈ ગામની અન્ય સ્ત્રીઓ સાથે રાણીને માન આપવા ઝાંસીના કિલ્લા પર ગઈ, ત્યાં રાણી લક્ષ્મીબાઈ તેમને જોઈને સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે ઝલકારી બિલકુલ તેમના જેવા જ દેખાતા હતા. અન્ય મહિલાઓ પાસેથી ઝલકારી બાઈની બહાદુરીની વાતો સાંભળીને રાણી લક્ષ્મીબાઈ ખૂબ જ પ્રભાવિત થઈ. રાણીએ ઝલકારી બાઈને દુર્ગા સેનામાં જોડાવા આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકારી લીધું. ઝલકારી બાઈએ અહીં અન્ય મહિલાઓ સાથે બંદૂક ચલાવવા, તોપ ફોડવાની અને તલવારબાજીની ટ્રેનિંગ લીધી હતી. આ તે સમય હતો જ્યારે અંગ્રેજોના દુસ્સાહસનો સામનો કરવા માટે ઝાંસીની સેનાને મજબૂત કરવામાં આવી રહી હતી.
સ્વતંત્રતા સંગ્રામમાં ઝલકારી બાઈની ભૂમિકા
લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે, અંગ્રેજોએ નિઃસંતાન લક્ષ્મીબાઈને તેમના અનુગામીને દત્તક લેવાની મંજૂરી આપી ન હતી, કારણ કે તેઓ રાજ્યને તેમના નિયંત્રણ હેઠળ લાવવા માંગતા હતા. જો કે, અંગ્રેજોની આ કાર્યવાહીના વિરોધમાં રાણીની આખી સેના, તેના સેનાપતિઓ અને ઝાંસીના લોકોએ રાણી સાથે બંડ પોકાર્યો અને શરણાગતિને બદલે અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડવાનો સંકલ્પ કર્યો. એપ્રિલ 1858 દરમિયાન લક્ષ્મીબાઈએ ઝાંસીના કિલ્લાની અંદરથી તેમના દળોનું નેતૃત્વ કર્યું અને બ્રિટિશરો અને તેમના સ્થાનિક સાથીઓ દ્વારા કરવામાં આવેલા ઘણાં હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. રાણીના સેનાપતિઓમાંના એક દુલ્હેરાવે લક્ષ્મીબાઈ સાથે દગો કર્યો અને કિલ્લાનો સુરક્ષિત દરવાજો બ્રિટિશ સેના માટે ખોલી દીધો. જ્યારે કિલ્લાનું પતન નિશ્ચિત બન્યું, ત્યારે રાણીના સેનાપતિઓ અને ઝલકારી બાઈએ તેમને કેટલાક સૈનિકો સાથે કિલ્લો છોડીને ભાગી જવાની સલાહ આપી. રાણી તેના ઘોડા પર બેસીને કેટલાક વિશ્વાસુ સૈનિકો સાથે ઝાંસીથી દૂર ચાલી ગઈ.
ઝલકારીબાઈના પતિ પુરન કોળી કિલ્લાની રક્ષા કરતી વખતે શહીદ થયા
ઝલકારી બાઈના પતિ પુરન કોળી કિલ્લાની રક્ષા કરતી વખતે શહીદ થયા હતા, પરંતુ તેમના પતિના મૃત્યુ પર શોક કરવાને બદલે ઝલકારીબાઈએ અંગ્રેજોને ભ્રમમાં નાખવાની યોજના ઘડી હતી. ઝલકારીબાઈએ લક્ષ્મીબાઈની જેમ પોશાક પહેર્યો અને ઝાંસીની સેનાની કમાન સંભાળી. ત્યાર બાદ તેઓ કિલ્લામાંથી બહાર આવ્યા અને બ્રિટિશ જનરલ 'હ્યુ રોઝ'ને મળવા તેના કેમ્પમાં પહોંચ્યાં. બ્રિટિશ છાવણીમાં પહોંચીને તેમણે બૂમ પાડી કે તેઓ જનરલ હ્યુ રોઝને મળવા માંગે છે. રોઝ અને તેના સૈનિકો ખુશ હતા કે તેમણે માત્ર ઝાંસીને જ કબજે કર્યું નથી પણ જીવતી રાણી પણ તેમના કબજામાં છે. જનરલ હ્યુ રોઝ જેમને રાણી માનતો હતો એ ઝલકારી બાઈને પૂછ્યું કે તેમની સાથે શું કરવું જોઈએ? તો રાણીના વેશમાં રહેલા ઝલકારીબાઈએ મક્કમતાથી કહ્યું, “મને ફાંસી આપો.”
જનરલ હ્યુ રોઝ ઝલકારીબાઈની હિંમત અને નેતૃત્વ ક્ષમતાઓથી પ્રભાવિત થયો અને ઝલકારીબાઈને મુક્ત કરવામાં આવ્યા. તેનાથી વિપરિત કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ઝલકારીબાઈએ આ યુદ્ધ દરમિયાન શહીદી વ્હોરી હતી. બુંદેલખંડની એક દંતકથા છે કે જનરલ હ્યુ રોઝે ઝલકારીબાઈના જવાબથી દંગ થઈને કહ્યું હતું કે "જો ભારતની એક ટકા સ્ત્રીઓ પણ તેમના જેવી બની જાય, તો અંગ્રેજોએ ટૂંક સમયમાં ભારત છોડવું પડશે."
આગળ વાંચોઃ ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો