અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા

ગુજરાતમાં ધીમી પણ મક્કમ ગતિએ દલિત યુવાનોમાં બૌદ્ધ ધર્મ સ્વીકારીને બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. બૌદ્ધ ધર્મ હવે માત્ર ધાર્મિક બાબત ન રહેતા વૈચારિક પરિવર્તન અને પ્રગતિશીલ વિચારોનું પ્રતીક બની ચૂક્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી પંથકમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા હતા જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વાંચો આ અહેવાલ.

અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
image credit: Bharat Parmar

જાતિવાદી તત્વોના હુમલા, હિંદુ ધર્મની સંકુચિત માન્યતાઓથી ત્રસ્ત થઈને અનુસૂચિત જાતિ સમાજ ની એક આખી પેઢી ધીમી પણ મક્કમ ગતિએ તથાગત બુદ્ધ અને ડૉ. આંબેડકરના માર્ગે બૌદ્ધ ધર્મ તરફ આગળ વધી રહી છે. એક સમયે અનુસૂચિત જાતિ સમાજમાં યુવાનો હિંદુ રીતિ રિવાજો મુજબ લગ્ન કરતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને યુવાવર્ગમાં બૌદ્ધ રીતિ રિવાજો મુજબ લગ્ન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ લગ્ન એકદમ સાદાઈથી કરવામાં આવતા હોય છે અને તેમાં ખર્ચ પણ લધુત્તમ થતો હોઈ અનુસૂચિત જાતિ સમાજ માટે તે સામાજિક, આર્થિક એમ બધી રીતે લાભદાયી પુરવાર થઈ રહ્યા છે. હાલમાં જ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સમગ્ર કડી પંથકમાં પહેલીવાર બૌદ્ધ વિધીથી અનુસૂચિત જાતિ સમાજના યુગલના લગ્ન યોજાતા હતા. જેમાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો, આગેવાનો જોડાયા હતા.

કડી તાલુકામાં પહેલા બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા?

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ગામના સામાજિક કાર્યકર ભરતભાઈ પરમાર અને રમીલાબેનની દીકરી ફાલ્ગુનીના લગ્ન તા. 20 ફેબ્રુઆરી 2024ના રોજ મીઠા ગામના જૈમિનકુમાર સાથે યોજાયા હતા. આ લગ્ન બૌદ્ધ વિધિથી યોજાયા હતા, જે સમગ્ર કડી તાલુકામાં પહેલો એવો પ્રસંગ બની રહ્યો હતો. આ લગ્નમાં મોટી સંખ્યામાં બહુજન વિચારધારામાં માનતા સામાજિક કાર્યકરો, સંગઠનના આગેવાનો, રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવર્સજન ટ્રસ્ટના માર્ટિનભાઈ મૅકવાન, મહારાષ્ટ્રના એક્ટિવિસ્ટ પ્રદિપજી, સામાજિક કાર્યકર કિરીટભાઈ પરમાર, પ્રસિધ્ધ પ્રચારક ધમ્મમિત્ર મનોજ બૌદ્ધે ઉપસ્થિત રહીને નવયુગલને મંગલ આશિષ પાઠવ્યા હતા. ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ-અમદાવાદ અને ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ-કલોલના પ્રબુદ્ધ બુદ્ધિસ્ટ પ્રતિનિધિઓએ લગ્નની વિધિ કરી હતી. જેમાં વર (દારીક) કન્યા (દારીકા) તથા બંને પરિવારજનોએ પંચશીલ પ્રતિક પહેરાવી પરસ્પર એકબીજાનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

મહામાનવોને મીણબત્તી (ધમ્મદીપ), પુષ્પર્પણ દ્વારા ત્રિઅર્પણ કર્યું હતું અને લગ્ન અંગેની પ્રતિજ્ઞાઓનું પઠન કર્યું હતું. બૌદ્ધ અનુયાયીઓ હંસાબેન, ભીખીબેન, શાંતાબેન, રમીલાબેન, કમલેશભાઈ કાપડિયા, ભીમરત્નજી, પ્રવિણભાઈ રિક્ષાવાળા,  પ્રસેનજીતજી, મહેન્દ્રભાઈ પોસ્ટવાળા, ધર્મેન્દ્રભાઈ (SSD) ભીમજ્યોતિ બંધુબેલડી મનીષ-સુધીર શાહ, નિતીનભાઈ, જયપ્રકાશભાઈ, વી. પી., શક્તિભાઈ વગેરેએ બુદ્ધ વંદના-બુદ્ધપૂજા-મહામંગલસૂત્ત-ધમ્મપાલન સહિતની વિવિધ મંગલગાથાઓનું સંઘાયન કરીને સમગ્ર માહોલને બૌદ્ધમય કરીને મંગલ પરિણય કરાવ્યા હતા. પ્રમુખ વિધિકર્તા મનોજભાઈ બૌદ્ધે લગ્ન પ્રમાણપત્રો બંનેને પાઠવ્યા હતા. ફાલ્ગુની-જૈમીન એકબીજાને વરમાળા પહેરાવી લગ્ન સંબંધથી જોડાયા હતા. ઉપસ્થિત સૌ મહેમાનો સ્વજનોએ શુભેચ્છાગાથા બાદ બંને પર પુષ્પર્પણ કરી લગ્નને વધાવી લીધા હતા. આવી સુંદર અને સભ્યતા મુજબની લગ્ન વિધિ કરવા બદલ સૌએ બૌદ્ધ ટીમના સભ્યોને બિરદાવી પ્રશંસા કરી હતી.

.

ફાલ્ગુનીના પિતા ભરતભાઈ પરમારે આજથી 10 વર્ષ પહેલા નાગપુરમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ત્યારથી તેમણે ભાગલાવાદી-જાતિવાદી હિંદુ ધર્મ અને તેના રીતિરિવાજોને તિલાંજલી આપી દીધી હતી. તેમની સાથે તેમનો પરિવાર પણ બૌદ્ધ ધર્મને માને છે. ભરતભાઈ પોતે સામાજિક કાર્યકર છે, અનુસૂચિત જાતિ સમાજને અડધી રાત્રે પણ જરૂર પડે ત્યારે તેઓ પહોંચી જાય છે. તેમની સામાજિક કાર્યકર તરીકેની છાપને તેમણે વધુ ઉજળી બનાવી છે અને સમગ્ર કડી પંથકમાં બૌદ્ધ વિધિથી પહેલા લગ્ન યોજવાનું બહુમાન મેળવ્યું છે.

.

ભરતભાઈ કહે છે, “સામાજિક કાર્યકર તરીકે લોકો સાથે કામ કરતો થયો એટલે સમજાયું કે હિંદુ ધર્મમાં ભયંકર અસમાનતા છે. જાતિવાદી તત્વો તેના ધર્મગ્રંથોની આડમાં દલિતોને માણસ પણ ગણતા નથી. આવો ધર્મ આપણો ઉદ્ધાર ન કરી શકે. આથી નાગપુર ગયો ત્યારે અન્ય મિત્રોની સાથે મેં પણ બૌદ્ધ ધર્મના રીતિરિવાજો અપનાવી લીધેલા, જેને પછી મારા પરિવારે પણ સ્વીકાર્યા. આજે મારી દીકરીના લગ્ન પણ બૌદ્ધ વિધિથી કર્યા છે. અનુસૂચિત જાતિ સમાજ ગરીબ છે, તેને ખોટા ખર્ચા પોસાય તેમ નથી. હિંદુ ધર્મના રીતિરિવાજો તેમને વધુ અંધશ્રદ્ધાળુ બનાવે છે. આ સ્થિતિમાં સાચો રસ્તો ચીંધતો બૌદ્ધ ધર્મ સ્વીકારીને આગળ વધવામાં જ આપણું અને સમાજનું ભલું છે.”

.

અનુસૂચિત જાતિ સમાજના યુવાનોમાં બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો ટ્રેન્ડ

ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષોથી સામાજિક સંસ્થાઓ, જમીની સ્તરે કામ કરતા કાર્યકરો, SSD, ભીમ આર્મી, નવસર્જન ટ્ર્સ્ટ, દલિત અધિકાર મંચ, દલિત પેન્થર જેવા સંગઠનો-સંસ્થાઓને કારણે દલિત સમાજના યુવાનોમાં બૌદ્ધ ધર્મને લઈને સારી એવી જાગૃતિ આવી છે. હિંદુ ધર્મમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે થઈ રહેલા ભેદભાવો હવે નવી પેઢી સાંખી લેવા તૈયાર નથી. તેથી દિનપ્રતિદિન બૌદ્ધ ધર્મ અપનાવી રહેલા યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે 14મી એપ્રિલ સહિતના બહુજન મહાનાયકોના જન્મદિવસે મોટી સંખ્યામાં જાગૃત યુવક-યુવતીઓ બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. એ રીતે બૌદ્ધ રીતિરિવાજો મુજબ લગ્ન કરતા યુગલોની સંખ્યા પણ ધીરેધીરે વધી રહી છે. સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો આ ટ્રેન્ડ ધીરેધીરે મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે. હવે અનુસૂચિત જાતિ સમાજ ઉપરાંત આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનો પણ બૌદ્ધ વિધિથી લગ્ન કરી રહ્યાં છે. એ જોતા બૌદ્ધ વિધિથી લગ્ન કરવા એ હવે માત્ર  સામાજિક પરિવર્તનનું દ્વાર નથી રહ્યું પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે અને યુવા વર્ગ તેને સ્ટેટસ સિમ્બોલ તથા પ્રગતિશીલ વિચારધારાના સ્વીકારનો મામલો બની ગયો છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે હજુ અનેક યુવાનો બૌદ્ધ ધર્મ અપનાવી બૌદ્ધ વિધિથી લગ્ન કરશે તે નક્કી છે.

આ પણ વાંચો : દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.