પિતા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ સાથે સ્વતંત્રતાની લડાઈ લડ્યાં, દીકરીએ નાગરિકતા સાબિત કરવા 3 વર્ષ કોર્ટમાં કેસ લડવો પડ્યો!
આપણે સૌ દેશના નાગરિક છીએ કે નહીં તે સાબિત કરવાના દિવસો તો આવે ત્યારે ખરા, પણ હાલ એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌ કોઈનું માથું શરમથી ઝુકાવી દીધું છે.

ઘૂસણખોરોએ નાગરિકતા સાબિત કરવી પડે તે તો સમજ્યાં, પણ દેશની આઝાદીની લડાઈમાં જેના પિતા ચંદ્રશેખર આઝાદના સાથી તરીકે આઝાદીની લડત લડ્યાં હોય તેમની જ સગી દીકરીને આ દેશની નાગરિકતા સાબિત કરવા માટે ત્રણ ત્રણ વર્ષ કોર્ટમાં કેસ લડવો પડે એ કેવું?
વાત આસામની છે. જ્યાં દેશની આઝાદી માટે લડનાર દિગેન્દ્ર ઘોષની દીકરીએ પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે ત્રણ વર્ષ સુધી કેસ લડવો પડ્યો હતો. હવે 73 વર્ષના સેજે બાલા ઘોષ સાબિત કરી શક્યા છે કે તેઓ ભારતના નાગરિક છે અને બાંગ્લાદેશી ઘૂસણખોર નથી. તેમને માર્ચ 2020માં ફોરેન ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. આ પછી ત્રણ વર્ષની લાંબી કાનૂની લડાઈ ચાલી. આ અઠવાડિયે તેમને ટ્રિબ્યુનલના આદેશની નકલ મળી છે, જેમાં તેમને ભારતના નાગરિક ગણવામાં આવ્યા છે. નાગરિકતા મળ્યા બાદ તેઓ ખુશ છે, પરંતુ તેમનું કહેવું છે કે આ પ્રશ્ન ઉઠાવવો એ જ અપમાન હતું.
તેમણે કહ્યું કે, મારી નાગરિકતા પર સવાલ ઉઠાવવા એ મારા પિતાના બલિદાનનું અપમાન છે. તેમને ભારતીય જાહેર કરવા પૂરતું નથી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તે હજુ પણ અપમાન અનુભવે છે. આગળ તેઓ કહે છે કે, 'મારા પિતાએ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ ચંદ્રશેખર આઝાદના નજીકના સાથી હતા. તેઓ આઝાદી માટે લડ્યા, પરંતુ આજે આઝાદીના 7 દાયકા બાદ તેમની પુત્રીને ઘૂસણખોર કહેવામાં આવી રહી છે. આનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે?”
સેજે બાલા ઘોષ આસામના બોંગાઈગાંવ જિલ્લાના સલબાગન ગામમાં એકલા રહે છે. તેઓ કહે છે, 'વર્ષ 2020ની વાત છે. એકવાર પોલીસ મારા ઘરે આવી અને મને નોટિસ આપી ગઈ. એ પછી લોકડાઉન શરૂ થયું. હું તે નોટિસ વાંચી ન શકી અને પોલીસને પૂછ્યું કે મારો શું વાંક અને ગુનો શું છે? તો તેણે કહ્યું કે ફોરેન ટ્રિબ્યૂનલનું માનવું છે કે હું ગેરકાયદેસર ઘૂસણખોર છું જે બાંગ્લાદેશથી આવી છે, તેથી મારે કોર્ટમાં હાજર થવું પડશે.'
જો કે, જ્યારે તેમને નોટિસ મળી, ત્યારે ઘણી નાગરિક સંસ્થાઓ અને એનજીઓએ તેમની મદદ કરી. તેમના વતી એડવોકેટ દિવાન અબ્દુર્રહિમે કેસ લડ્યો હતો. તેમના વકીલે કહ્યું કે દસ્તાવેજો અનુસાર સેજે બાલાના પિતા દિગેન્દ્ર બોઝ 1947માં ભારત આવ્યા હતા. પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના અત્યાચારોને કારણે તેઓ ભારત આવ્યા અને આસામમાં સ્થાયી થયા. સેજે બાલાનો જન્મ 1951માં મંગલદોઈ જિલ્લાના બાલોગારા ગામમાં થયો હતો. તે જ વર્ષે તેના પિતાનું નામ નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનમાં નોંધાયેલું હતું. આ સિવાય તેમનું નામ મતદાર યાદીમાં હતું અને તેમના નામે પાસપોર્ટ પણ ઈશ્યુ કરવામાં આવ્યો હતો.