જૂનાગઢમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓને જગાડી ભાજપના સભ્ય બનાવ્યા

ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે એક હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓને જગાડીને સભ્ય બનાવાયા છે.

જૂનાગઢમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓને જગાડી ભાજપના સભ્ય બનાવ્યા
image credit - Google images

ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂનાગઢમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દર્દીઓની સાથે આવેલા વ્યક્તિએ ત્રિમૂર્તિ હોસ્પિટલમાંથી આવેલા આંખના દર્દીઓની ભાજપના સદસ્ય તરીકે નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ દર્દીઓને રાજકોટ ખાતે રણછોડદાસ ચેરિટેલબ ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં 400 જેટલા દર્દીઓ હતા.

અડધી રાત્રે એક શખ્સે આવીને દર્દીઓને જગાડીને તેમના મોબાઈલમાં ઓટીપી માંગીને ભાજપના સભ્ય બનાવી દીધા હતા. આ રીતે તેણે 200થી વધુ દર્દીઓને સભ્ય બનાવ્યા હતા. એ દરમિયાન જૂનાગઢના એક વ્યક્તિએ આખી ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રાજકોટ ભાજપ પ્રમુખે કાર્યકરોને મર્યાદામાં રહેવા ટકોર કરી છે અને આવું કૃત્ય કોઈ રીતે સાંખી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.

સૂત્રોનું માનીએ તો ભાજપના નેતાઓ અને કાર્યકરોને ભાજપના સભ્યો બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને તેને પુરો કરવા માટે તેઓ જ્યાં તક મળે ત્યાં લોકોને ભાજપના સદસ્ય બનાવવા માટે અધીરા બની જાય છે. થોડા સમય પહેલા વિસનગરની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. એ પછી સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયેલા વ્યક્તિને પણ તેની જાણ બહાર ઓટીપી લઈને સભ્ય બનાવી દેવાયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તો હોસ્પિટલમાં કામ કરતો એક પ્યૂન જે ભાજપનો કાર્યકર છે તેના દ્વારા આ રીતે દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવતા હતા. આ પ્યૂન દર્દીઓ પાસેથી તેમના મોબાઈલમાં આવતો ઓટીપી માંગી લઈને તેમને સભ્ય બનાવી દેતો હતો. દરમ્યાન એક વ્યક્તિ પાસે તેણે એ રીતે ઓટીપી લીધો હતો કે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવો પડશે. જેને લઈને હોબાળો મચ્યો હતો અને એ વ્યકિતએ ફરિયાદ કરતા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આખો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો: ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તને ભણવા નહીં દઈએ?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.