પીએમ મોદીની ઉમેદવારી રદ કરવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

વડાપ્રધાન મોદી પર બંધારણના ખોટા શપથ લેવા અને તેના પ્રત્યે સાચી વફાદારી અને શ્રદ્ધા ન રાખવાને લઈને તેમની ઉમેદવારી રદ કરવાની અરજી કરાઈ હતી.

પીએમ મોદીની ઉમેદવારી રદ કરવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
all image credit - Google images

દિલ્હી હાઈકોર્ટે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સચિન દત્તાએ અરજીમાં અપ્રમાણિત આરોપો અને હેતુ ખોટો હોવાનું કારણ દર્શાવીને ફગાવી દીધી હતી. પાયલોટ કેપ્ટન દીપક કુમાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે મોદીએ ખોટા શપથ લીધાં હતા કે તેઓ ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને વફાદારી રાખશે.

અરજીમાં શું આરોપ લગાવવામાં આવ્યા હતા

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, "૨૦૨૪ની સામાન્ય ચૂંટણી માટે વારાણસી મતવિસ્તારના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રિટર્નિંગ ઓફિસર સમક્ષ ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખવા માટે ખોટા શપથ અથવા પ્રતિજ્ઞા લીધી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોદી કાવતરું ઘડી રહ્યા હતા અને આતંકવાદી કૃત્યોમાં સામેલ હતા. તેમણે કહ્યું કે મોદીએ અરજદારને એક પ્લેન ક્રેશ કરીને મારવાનો પ્રયાસ કર્યો હતો. નરેન્દ્ર મોદી, અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સાથીદારો ગુનાહિત તત્વો છે અને મોટા પ્રમાણમાં ભારતીય સમાજ માટે હાનિકારક હશે. 

અરજીમાં વધુમાં જણાવાયું હતું કે, વારાણસીથી લોકસભાના ઉમેદવાર મોદીએ તા. 8-7-2018ના ફ્લાઇટ એ આઈ ૪૫૯માં ઘાતક અકસ્માતની યોજના બનાવીને રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.

કુમારે માંગ કરી હતી કે મોદીના ખોટા શપથની અસરકારક અને સમયબધ્ધ રીતે તપાસ થવી જોઈએ અને જો આરોપો સાચા હોવાનું જણાય તો તેમના કોઈપણ જાહેર હોદ્દા પર રોક લગાવવી જોઈએ.

અગાઉ દિલ્હી હાઈકોર્ટે આચારસંહિતા ભંગની અરજી ફગાવી હતી

અગાઉ દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં વડાપ્રધાને  આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યાની વાત કરવામાં આવી હતી. અરજીકર્તાએ પીએમ મોદી પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતી વખતે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. એડવોકેટ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વડાપ્રધાનને છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.

જસ્ટિસ સચિન દત્તાની સિંગલ બેન્ચે કહ્યું કે અરજદારે અગાઉથી જ સ્વીકારી લીધું છે કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. હાઈકોર્ટ ચૂંટણી પંચને કોઈ પણ ફરિયાદ પર વિશેષ વલણ અપનાવવા માટે નિર્દેશ જાહેર કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે અરજદાર પહેલેથી જ ચૂંટણી પંચનો સંપર્ક કરી ચૂક્યા છે અને પંચ તેની ફરિયાદ પર સ્વતંત્ર રીતે વિચાર કરી શકે છે. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાંત કુમાર દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે જરૂરી આદેશો પસાર કરવામાં આવશે.

આ પણ વાંચો: મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.