The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!
આફતમાં અવસર શોધવો તે આનું નામ. મુંબઈના સુધીર રાજભરને જાતિવાદી તત્વો તેમની ચમાર જ્ઞાતિનું નામ લઈને અપમાનિત કરતા હતા. પણ એ પછી સુધીરે જે કામ કર્યું તેણે જાતિવાદીઓનું મોં કાયમ માટે બંધ કરી દીધું.
લોકો માને છે કે જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ મધ્યકાલીન ભારતના સમયગાળા દરમિયાન શરૂ થયો હતો. ત્યારથી આ પ્રથા સતત ચાલી રહી છે. દેશના ઘણાં વિસ્તારોમાં લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે અથવા તેમને જાતિ સંબંધિત શબ્દોથી સંબોધવાને કારણે વિવાદો ઉભા થાય છે. ક્યારેક તો ગોળીઓ પણ ચલાવવામાં આવે છે.
ભારતનું બંધારણ કહે છે કે કોઈ વ્યક્તિને તેની જાતિ દ્વારા બોલાવવો જોઈએ નહીં, પરંતુ તેમ છતાં લોકો આમ કરે છે. જાહેરમાં દલિત વ્યક્તિનું અપમાન કરવામાં આવે છે. પણ આજે એક એવા વ્યક્તિની વાત અહીં કરવી છે જેણે તેના અને તેની જ્ઞાતિના અપમાન માટે વપરાતા શબ્દને બિઝનેસ આઈડિયામાં પરિવર્તિત કરીને એક મોટી બ્રાન્ડ બનાવી દીધી. વાત છે મુંબઈના સુધીર રાજભરની.
સુધીરે દેશમાં દલિતો માટે વપરાતા 'ચમાર' શબ્દનો ઉપયોગ કરીને મુંબઈના ધારાવીમાં 'ચમાર સ્ટુડિયો' શરૂ કર્યો અને આજે તે એક મોટી ફેશન બ્રાન્ડ બની ગયો છે. સુધીર રાજભરની કંપની ધી ચમાર સ્ટુડિયો કરોડોનું ટર્નઓવર ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગયો છે. તે ફેશનેબલ બેગ સહિત બીજી અનેક ફેશનેબલ ચીજવસ્તુઓનું પ્રોડક્શન કરે છે.
કોણ છે સુધીર રાજભર?
સુધીર રાજભર ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે. સુધીર જ્યારે પણ ગામમાં જતા ત્યારે તેને અપમાનિત કરવા તેમની ચમાર જાતિને લગતા શબ્દો સંભળાતા. સુધીર રાજભર મુંબઈમાં ઉછર્યા છે અને તેમણે મુંબઈથી જ ડ્રોઈંગ અને પેઈન્ટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
ગામમાં અપમાનજનક શબ્દ સાંભળ્યા પછી, સુધીરે જ્ઞાતિ શબ્દ ચમાર માટે સન્માન પાછું લાવવા માટે તેને બ્રાન્ડ કરવાનું નક્કી કર્યું. ચમાર જ્ઞાતિના લોકો સામાન્ય રીતે ચામડાનું કામ કરે છે. તેથી સુધીરે ચામડાનું કામ શરૂ કર્યું અને ચમાર નામની બ્રાન્ડ બનાવી.
ચમાર સ્ટુડિયોની પ્રોડક્ટની કિંમત 1500થી રૂ. 10,000 સુધીની
સુધીર રાજભરે વર્ષ 2018માં ચમાર સ્ટુડિયો શરૂ કર્યો હતો. તેમણે ઈકોનોમિક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “મેં મુંબઈમાં મોટાભાગે દલિત મોચી સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ ફૂટપાથ પર પોતાનો સ્ટોલ લગાવીને કામ કરે છે. જ્યારે ધીમે ધીમે ચમાર સ્ટુડિયોનું કામ વધવા લાગ્યું, ત્યારે હું ધારાવીની કેટલીક ટેનરીમાં ચામડાના કારીગરોને મળ્યો. એ પછી ફેશનેબલ હેન્ડ બેગ અને ટોટે બેગ બનાવવાનું શરૂ કર્યું. આજે ચમાર સ્ટુડિયોના ચામડાના ઉત્પાદનોની કિંમત 1500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની છે.”
ચમાર સ્ટુડિયોના ઉત્પાદનો અનેક મોટા શોરૂમોમાં વેચાય છે
શરૂઆતમાં સુધીર રાજભર કાપડની થેલીઓ બનાવતા હતા. પછી તેમણે લોકોમાં ‘ચમાર’ શબ્દ માટે આદર લાવવાનું નક્કી કર્યું. ચમાર સ્ટુડિયો લોકોને એ સમજવાનું સરળ બનાવી રહ્યો છે કે ચમાર એ જાતિ નથી પણ એક વ્યવસાય છે. સુધીરના ચમાર સ્ટુડિયોના ઉત્પાદનો નાના સ્ટોરથી લઈને ઘણા મોટા શોરૂમમાં ઉપલબ્ધ છે.
ચમાર સ્ટુડિયો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ હાજર
સુધીરના ચમાર સ્ટુડિયોના ઉત્પાદનો અમેરિકા, જર્મની અને જાપાનમાં પણ વેચાય છે. અત્યાર સુધી સુધીરે ચમાર સ્ટુડિયોને સ્ટોરનો આકાર આપ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં તેઓ સ્ટોર ખોલવાનું વિચારી રહ્યાં છે. ચમાર સ્ટુડિયોના ઈન્સ્ટાગ્રામ પર 26 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમની પોતાની એક સોશિયલ મીડિયા ટીમ પણ છે જે ઓનલાઈન તેના બ્રાન્ડિંગ અને પ્રચારનું કામ કરે છે.
આ સાથે જ સુધીરે Chamar Haveli નામથી પણ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેના માટે તેમણે રાજસ્થાનમાં એક 300 વર્ષ જૂની હવેલી ખરીદી છે. હાલ તેનું સમારકામ ચાલી રહ્યું છે. સુધીર આ હવેલીને એક એવી જગ્યા બનાવવા માંગે છે જ્યાં દુનિયાભરના કલાકારો આવીને રોકાઈ શકે.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.