આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે
અમદાવાદની નરશી ભગત છાત્રાલયમાં ભણતા એક યુવાન માટે તેની સાઈકલ સુખ-દુઃખની સાથી છે. એક દિવસ તેની સાઈકલ સાથે કશુંક એવું બને છે, જે યુવાનને નોંધારો કરી મૂકે છે, એ ઘટના દિલમાં કાયમ માટે ઉંડો ઘા કરી જાય છે. પણ એ પછી તે જે સંઘર્ષ કરે છે તે મારા-તમારા જેવા અનેક દલિત યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. વાંચો વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યની કલમે મૌર્યવાણી.
મૌર્યવાણી - મોહિન્દર મૌર્ય
વહેલી સવારનો સૂરજ ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળોના દળકટકને વિખેરતો વિખેરતો અજવાળા પાથરતો ઊગી રહ્યો હતો. ચારેબાજુ કાળા ભમ્મર રસ્તાઓ પર જાણે કે વાહનો નહિ પણ માત્ર હોર્નના અવાજો ચાલી રહ્યા હોય એમ ભાસતું હતું. દરેક વાહનના અલગ અલગ હોર્નના અવાજ સાત સૂરના સંગીતની જેમ અલગ અલગ રાગરાગીણીમાં સવારના સમયમાં ભૈરવી રાગમાં રિયાઝ કરવા રાગધારી સૂર રેલાવતા હોય એમ લાગતું હતું.
એવા સમયે અમદાવાદના બાપુનગર રખિયાલની એક સોસાયટીમાંથી આખી રાત ચોકીદારની નોકરી કરીને એક યુવાન સાયકલ લઈને પાલડીમાં આવેલી નરસિંહ ભગત છાત્રાલયમાં જવા નીકળે છે.
સાયકલના શાહી શણગારની વાત કરું તો બંને ટાયર પર પંખા નહિ. ઘસાઈ ગયેલા રબ્બર અને સાવ કાટ ખાઈ ગયેલા આરા વાળા બન્ને ટાયર. ચેઇન ખરી, પણ ઓઇલ કરેલું નહિ એટલે કિચુડ કિચૂડ અવાજ આવે, ચેઇન પર પંખો નહિ એટલે ઘૂંટણથી નીચે પાટલૂનના પાવસા કાળા કાટવાળા ડાઘથી કાયમ બગડે. જે કંપનીની સાયકલ હતી એ કંપનીનું નામ પણ વંચાય નહિ એવું ભૂંસાઈ ગયેલું. આવી સાયકલ લઈને જાણે હાથીની અંબાડી પર બેસતો હોય એમ એ યુવાન વટથી સીટ પર બેસીને સાઈકલ પાલડી તરફ હંકારી મૂકે છે.
આજે એને વતનમાં જવાનું હતું. એના હરખમાંને હરખમાં તે સાઈકલને પેડલ માર્યે જતો હતો. સાયકલ સરસપુરથી એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ વળી તો એ વ્યક્તિને પોતાના વતન જનારી બસની પૂછપરછ કરવાનું મન થયું, તેણે સાઈકલ એસ.ટી.સ્ટેન્ડ પર પાર્ક કરી અને પૂછપરછની બારીએ પોતાના વતન જનારી બસ માટે પૃચ્છા કરી.
આ બાજુ પાર્ક કરેલી સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારીને આગળના ટાયરને વાળી નાખ્યું. બસની પૂછપરછ કરીને યુવાન પરત આવીને સાઈકલની હાલત જુએ છે અને જોતાવેત જ રીતસરની પોક મૂકીને રડવા લાગે છે. પોતાનું જીવતું જાગતું કોઈ સ્વજન ગુમાવ્યા પછી જે વેદના થાય છે એવી જ વેદના એ યુવકની આંખોમાંથી ચોધાર આંસુ બનીને વહેવા લાગી.
આંખોના પાણી થોડા ઓસર્યા એટલે યુવાને ટાયરથી વળી ગયેલી સાયકલને પોતાના ખભે નાખી અને નરસિંહ ભગત છાત્રાલયની વાટ પકડી. એ દ્રશ્ય કેવું લાગતું હશે? પોતાના સ્વજનના મૃત્યુ પછી એની નનામીને કાંધ આપવા માટે જેમ કાંધિયા હોય છે એમ યુવાનના ખભે તેની માનીતી સાઈકલ છે.
એસ.ટી.બસ સ્ટેન્ડ થઈ વાયા જમાલપુર પાલડી સુધી એ યુવાન રડતા રડતા સાયકલને ખભે નાખીને છાત્રાલયમાં આવે છે.
છાત્રાલયમાં જ્યારે એ આગળના ટાયરથી વળી ગયેલી સાયકલ લઈને આવે છે ત્યારે એના મગજમાં જે વિચારોનું વાવાઝોડું સર્જાય છે એના કારણે તે વતનમાં જવાનું માંડી વાળે છે.
યુવાન સતત વિચારોમાં ખોવાઈ ગયો. એને થવા લાગ્યું કે હવે હું કોલેજ કેવી રીતે જઈશ? રાતે નોકરીએ કેવી રીતે પહોંચીશ? જો નોકરી નહિ કરું તો કોલેજનો ખર્ચ કેમ કાઢીશ? કોલેજ જવા માટે રીક્ષા ભાડું કે અમદાવાદ મ્યુનિસિપલ બસની મુસાફરી તો મોંઘી પડશે? કરીને ભાડાની વ્યવસ્થા થશે? આ સાયકલ તો બે બાજુનો આધાર હતી. રોજ સાયકલ તેને કોલેજમાં ભાડા વગર પહોંચાડતી હતી. કોલેજના ખર્ચને પહોંચી વળવા માટે તે રાતે ચોકીદારની નોકરી કરવા બાપુનગર રખિયાલ સુધી જતો અને ત્યાં પણ આ સાયકલ જ તેને પહોંચાડતી હતી.
વિચારો કરતા કરતા યુવાન જવાનભાઈની ચાની કિટલીયે આવીને બેઠો. ચા પીવા જાય છે અને ત્યાં બેઠા બેઠા ફરી એક નાનું બાળક રડે એમ પોક મૂકીને રડે છે.
જવાનભાઈની કિટલી પાલડી-અમદાવાદમાં બહુ ફેમસ. જવાન ટી સ્ટોલ તરીકે ઓળખાય. પાલડીમાં હોસ્ટેલ ઘણી બધી હતી. આથી ઘણી બધી હોસ્ટેલના વિદ્યાર્થીઓ ચા પીવા આ કિટલી પર જ આવતા. રડવાનું બંધ કરીને યુવાન જવાનભાઈને અડધી ચા મોકલવાનું કહે છે. ચા પીતા પીતા દુઃખને ઘૂંટડે ઘૂંટડે પી લીધું હોય એમ એ યુવાન તરત બેઠા થઈ જાય છે અને અડધી ચા ડાયરીમાં લખીને હોસ્ટેલમાં આવેલા પોતાના રૂમમાં જાય છે અને બારણું બંધ કરીને વાંચવા બેસી જાય છે.
હોસ્ટેલમાં ભણતા છોકરાઓ પાસે ઘરેથી જરૂરિયાત પૂરતા પૈસા આપવામાં આવતા હોય છે. ઘરેથી હોસ્ટેલ જવાનું ભાડું અને હોસ્ટેલથી ઘરે આવવાનું ભાડું. કોલગેટ, સાબુ, તેલ અને કોલેજમાં આવવા જવાનું ભાડું. આમાં ચાના પૈસાનું આયોજન કરવું પડતું. ઘણાં છોકરાઓ ચા પીવા માટે અન્ય સુખી પરિવારમાંથી આવતા છોકરાઓ પર આધાર રાખતા. કેટલાક વિદ્યાર્થીઓ તો તાકીને બેઠા હોય કે ફલાણો આવે તો ચા પીવા મળે. આવી કરકસર વાળી કોલેજ લાઈફ ગજબની હોય છે.
આ યુવાનની કથા તો બહુ લાંબી છે, પણ આપણે ટૂંકમાં વાત કરીએ તો, તેણે આવા બીજા પણ અનેક કડવા ઘૂંટને ચામાં ઓગાળીને પી નાખ્યા. કોલેજ પાસ કરી એન્જિનિયરીંગ કર્યું, સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તો ચાલુ જ હતી. આખરે તેની મહેનત રંગ લાવી. જિનિયસ ડૉ. આંબેડકરને પોતાના આદર્શ માનતો એ યુવાન આજે અધ્યાપક છે.
એ પછી પણ તે ત્રણ વર્ષ સુધી જવાનભાઈની કીટલી પર ચાલતી ડાયરી ચાલુ રાખે છે. જેથી હોસ્ટેલમાં જેમની પાસે પૈસા ન હોય તેવા વિદ્યાર્થીઓ ચા પીને તેમાં લખી શકે મહિનાને અંતે યુવાન અમદાવાદ આવીને તે બિલ ભરી દે છે. ઘણીવાર તે અહીં આવીને અડધી ચાનો ઓર્ડર કરે અને પછી પેલી તૂટેલી સાઈકલ વખતની વેદનાને વાગોળે. ચા પત્યાં પછી જ્યારે ડાયરીના હિસાબની રકમ આપવા ખિસ્સામાં રહેલા પાકીટને ખોલે ત્યારે પેલી સાયકલ તૂટ્યાંની વેદના સણસણતા તીરની માફક તેના હૃદયમાં ખૂંપી જાય છે. આજેય ઘણીવાર એ અધ્યાપકમિત્ર જવાનભાઈની કીટલીએ ચા પીતા જોવા મળી જાય છે. હું તેમની સાઈકલ તૂટ્યાંની વેદનાનો સાક્ષી રહ્યો છું. છતાં એ દુઃખ કઈ કક્ષાએ પહોંચ્યું હશે એ તો જેણે અનુભવ્યું હોય એજ જાણે. પણ આ વેદના પછીની વસંત આજે તો સોળે કળાયે ખીલી છે. લાંબો સંઘર્ષ કર્યા પછી આજે એ યુવાન પ્રોફેસર છે. મારા ખાસ મિત્ર છે. હાલ નામ નહિ લખવાની શરતે અને સંઘર્ષના બધાં પાનાં નહીં ખોલવાની શરતે મને આટલું લખવાની મંજૂરી આપી છે. વસંત પહેલાની વેદના વેઠે, એને પ્રગતિ સામે ચાલીને ભેટે.
મોહિન્દર મૌર્ય (M.A..B,Ed..M,Ed, મો. 8401552887)
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
આ પણ વાંચો : ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
મનહરભાઈ કલ્યાણજીભાઈ સોનારાહું પણ નરસિંહ ભગત હોસ્ટેલ માં વર્ષ 1981-82-83 માં રહી મારો સ્નાતક નો અભ્યાસ પૂર્ણ કરી શક્યો. આ હોસ્ટેલ જીવન હજુ પણ યાદ કરું ત્યારે આખ માં આંસુ આવી જાય છે. બાપા 25 રૂપિયા નો મનીઓર્ડર કરે તેમાંથી જરુરી ખર્ચ કરી તાણ માં પણ ભણી ને નોકરી કરી પગ ભર થઈ ને માં બાપા ને મદદરુપ થઇ નાના ભાઈ બહેન ને ભણાવી ગણાવીને આગળ વધવા માં મદદ રુપ થઈ ને આજે સંતોષ ની લાગણી અનુભવીએ છીએ.માં બાપ ની પરિસ્થિતિ એવી કે બિચારા પચ્ચીસ રૂપિયા મોકલવા પણ કોઈ પાસે થી ઉછી ઉધારા કરવા પડતા હતા. પણ મોકલતા ખરા. હું પણ પરિસ્થિતિ ને અનુરુપ જરુરી ખર્ચ કરવા નો બાકી લાલદરવાજા કોલેજ જવા આવવા નું ચાલતા. મ્યુનિસિપલ બસ ના પાસ કાઢવા ના પૈસા બચતા નહિ. આવો સમય અમારો પણ હતો. પણ છતાં માં બાપ નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.કારણ કે તેઓ એ અભ્યાસ માટે મોકલ્યા અને પ્રેરણા આપી. માનસિક મનોબળ પૂરું પાડ્યું. કહે છે ને કે પેટે પાટા બાંધી ને ભણાવ્યા તે આનું નામ. સારી અને રિસ્પેક્ટ વાળી નોકરી પૂરી કરી સેવા નિવૃત્ત થઈ ગયા. અત્યારે માં બાપ તથા પરિવાર સાથે ખુશી થી રહિએ છીએ. મારા બાળકો ને આવી સંઘર્ષ ની વાત કરીએ તો તેમને માન્યા માં નથી આવતું.કારણ કે તેમને બધી સવલતો મળી છે. પાણી માગે તો દૂધ આપ્યું છે. આપની પેઢી ની મોટા ભાગ ના બધા ની આવી જ કહાની છે. પણ હું તો કૃતજ્ઞાતા વ્યક્ત કરું છું છાત્રાલય નો કે રહેવા જમવા ની નિઃશુલ્ક વ્યવસ્થા ને કારણે આગળ અભ્યાસ કરી બે પાંદડે થયા નહિતર આપણા સમાજ ના ગામડાં માં રહેતા અભણ લોકો ની દુર્દશા આપણા થી અજાણી નથી. આપણને જો ભણવા ન મોક્યા હોત તો એજ દશા હોત. આભાર એ મિત્રો નો જેઓ એ સાથે રહી મોજ મસ્તી કરી સાથ સહકાર આપી હોસ્ટેલ લાઇફ માં ક્યારેય ઓછું નથી આવવા દીધું. એ બધા મિત્રો નો ખુબ ખુબ આભાર. હોસ્ટેલ લાઇફ ના રૂમ પાર્ટનર્સ સાથે કૌટુંબિક સબંધો હાલ પણ છે. એક બીજા ના સારા નરસા પ્રસંગો માં પરિવાર સાથે આમંત્રિત હોય છે. અને અમારા બાળકો પણ અમારી દોસ્તી ની મિશાલ જોઈ ,તેઓ પણ એક બીજા ના દોસ્તો બન્યા છે. અને દોસ્તી નિભાવે છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
-
Vikram tejabhai makvanaGood working bahujan news