સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા

મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે.

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા
image credit - Google images

ચંદુ મહેરિયા
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડ્યાના પહેલા જ મહિને તેના ભંગની  ચાળીસ હજાર ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી. એ હિસાબે ૨૦૧૯ની ચૂંટણીમાં એકાદ લાખ આચારસંહિતા ભંગની ફરિયાદો થઈ હશે. હાલની સામાન્ય ચૂંટણીમાં ઈલેકશન કમિશને સી-વિજિલ એપ પર ફરિયાદો નોંધવાનું શરૂ કર્યું છે. પહેલા પંદર જ  દિવસોમાં ગુજરાતમાં ૫૪ અને મધ્યપ્રદેશમાં ૧૪૭૫ ફરિયાદો આવી છે. આદર્શ ચૂંટણી આચારસંહિતા દેશના તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી ઘડવામાં આવી છે. તેને કોઈ કાયદાનું પીઠબળ નથી. તમામ પક્ષો તેનો અમલ કરવા સ્વૈચ્છિક રીતે બંધાયેલા છે. પરંતુ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ અને સત્તાપક્ષ-વિપક્ષના તમામ નાના-મોટા નેતાઓ તેનું ઉલ્લંઘન કરે છે. મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વંતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે. 
દેશમાં રાષ્ટ્રપતિથી માંડીને ગામના સરપંચ સુધીની જે ચૂંટણીઓ થાય છે તેનાં દેખરેખ, સંચાલન અને  નિયંત્રણની સત્તા બંધારણના આર્ટિકલ ૩૨૪થી ઈલેકશન કમિશનને આપવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૧ અને ભારતીય ન્યાય સંહિતામાં ફ્રી એન્ડ ફેર ઈલેકશન થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોના ભ્રષ્ટ આચરણ તથા ચૂંટણી ગુના સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. તે પ્રમાણે  ધર્મ, જ્ઞાતિ અને ભાષાના ધોરણે તણાવ પેદા કરવો, ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક પૂજા સ્થળો (મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુધ્વારા વગેરે) નો ઉપયોગ કરવો, મતદારોને લાલચ કે લાંચ આપવી, તેમને ધમકાવવા, વોટ મેળવવા જ્ઞાતિ, ધર્મના ધોરણે અપીલ કરવી, મતદારોને મતદાન મથક પર લાવવા-લઈ જવા, રાજકીય પક્ષોની જાહેર સભાઓમાં વિક્ષેપ પેદા કરવો, મતદાનના દિવસે મતદાન કેન્દ્રથી ૧૦૦ મીટરની અંદર પ્રચાર કરવો, મતદાનના દિવસે કે આગલી રાતે દારૂ વહેંચવો- વગેરે બાબતો ચૂંટણી અપરાધ અને ભ્રષ્ટ આચરણ છે. આ ગુના બદલ કાયદેસરની કાર્યવાહી કરી સજા અને દંડ કરવામાં આવે છે.

કાયદાકીય જોગવાઈ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શી, તટસ્થ અને  સ્વતંત્ર હોય તે માટે આદર્શ ચૂંટણી આચારસંહિતા ઘડવામાં આવી છે. સામાન્ય આચરણ, સભા અને બેઠકો, સરઘસ અને રેલી, મતદાનનો દિવસ, મતદાન કેન્દ્ર, સત્તાધારી પક્ષ, ચૂંટણી ઢંઢેરા અને પર્યવેક્ષક એ આઠ બાબતો આચારસંહિતામાં આવરી લેવામાં આવી છે. 

કેન્દ્ર અને રાજ્યોના સત્તાપક્ષ સરકારી ખર્ચે પક્ષને મત મળે તેવી જાહેરાતો  આપી ન શકે. સરકારી ખર્ચે સરકારની સિધ્ધિઓ કે ઉપલબ્ધિઓનો પ્રચાર ન કરે, ચૂંટણી પ્રચારમાં સરકારી તંત્રનો ઉપયોગ ન કરે, સરકાર કોઈ નીતિવિષયક બાબત, યોજના કે મતદાર પર પ્રભાવ પડે તેવી બાબતો જાહેર ન કરી શકે . પક્ષના પ્રચાર માટે સરકારી મશીનરી કે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. મંત્રીઓ સરકારી કામ સાથે પક્ષના ચૂંટણી પ્રચારના પ્રવાસો ન ગોઠવે. ઉદ્દઘાટન, લોકાર્પણ કે શિલાન્યાસના કાર્યક્રમો ના થઈ શકે. જે અધિકારી વતનના જિલ્લામાં કે એક જ જગ્યાએ ત્રણ વરસથી વધુ સમયથી હોય તો તેમની બદલી કરવી. નવી નિમણૂક, બદલી, બઢતી પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ અનિવાર્યતા ઉભી થાય તો પંચની મંજૂરી લેવી પડશે. ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ રાતના ૧૦ થી સવારના ૬ સુધી કરી શકાશે નહીં. રાજકીય પક્ષો ઉમેદવારની ટીકા તેમના જ્ઞાતિ-ધર્મને કારણે કરી શકશે નહીં. હરીફ ઉમેદવારના કાર્યોની જ આલોચના કરી શકાશે. જાહેર મેદાનો, સાર્વજનિક સ્થળો અને હેલિપેડનો ઉપયોગ તમામ રાજકીય પક્ષો એક સમાન  નીતિ, નિયમો અને શરતોથી કરી શકશે.મતદારોને લાંચ, લોભ, લાલચ આપી શકાશે નહીં, ધર્મ, જ્ઞાતિ કે ભાષાના ધોરણે લાગણીઓ દુભાય તેવા પ્રવચનો કરી શકાશે નહીં. પૂર્ણ બજેટ  રજૂ કરવું નહીં અને બંધારણના આદર્શોથી વિપરિત વચનો ચૂંટણી ઢંઢેરામાં આપવા નહીં. આવી અનેક બાબતો આદર્શ આચાર સંહિતાનો ભાગ છે. 

વર્તમાન આદર્શ ચૂંટણી આચારસંહિતા ૧૯૯૦ થી ૧૯૯૫  દરમિયાન દેશના નવમા મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી.એન. શેષનના ભેજાની પેદાશ મનાય છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આચારસંહિતા સૌપ્રથમ વખત ૧૯૬૦ની કેરળ વિધાનસભાની ચૂંટણીમાં અમલી બની હતી. તે પછી તેનો ક્રમિક વિકાસ થયો છે. ૧૯૬૨ની  લોકસભા ચૂંટણી વખતે તેનો પહેલીવાર રાષ્ટ્રવ્યાપી અમલ થયો હતો. ૧૯૭૯માં તેમાં સત્તાધારી પક્ષ માટેની બાબતો ઉમેરવામાં આવી હતી. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેમાં ચૂંટણી ઢંઢેરાની બાબત સામેલ કરાવી હતી. ૧૯૭૯, ૧૯૮૨, ૧૯૯૧ અને ૨૦૧૩માં તેમાં સુધારા થયા હતા. ટી.એન .શેષને તેનો કડક અમલ કરાવી ફ્રી અને ફેર ઈલેકશનમાં આચારસંહિતાની ભૂમિકા અને સ્વાયત્ત તથા સ્વતંત્ર ચૂંટણી કમિશનનો દેશને અહેસાસ કરાવ્યો હર્તો. 
ઈલેકશન કમિશન આચારસંહિતા ભંગની ફરિયાદ પરથી કે સુઓમોટો નોટિસ જારી કરી, સંબંધિતોનો ખુલાસો મેળવે છે. તે પછી  દોષિત જણાય તો ઠપકો  આપે છે. પરંતુ આચારસંહિતા ભંગના ગુના બદલ કોઈ સજા કે દંડ કરી શકાતાં નથી. રીઢા રાજકારણીઓને આચારસંહિતા ભંગ બદલ કમિશનના ઠપકાની સજાની કશી શરમ હોતી નથી. એટલે પણ આચારસંહિતા અસરકારક હથિયાર બની શકતી નથી. જોકે ૨૦૧૯માં કમિશને ઉત્તરપ્રદેશ, અસમ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના મુખ્યમંત્રીઓ, તત્કાલીન બીજેપી પ્રમુખ, બીએસપી સુપ્રીમો અને અન્ય નેતાઓને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ૨૪ થી ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચારથી અળગા રહેવાની સજા કરી હતી. તેના દ્વારા આચારસંહિતાને જો કાયદાકીય સમર્થન હોય તો કેવું પરિણામ આવી શકે તે દર્શાવ્યું હતુ.

૨૦૧૩માં કાનૂન અને ન્યાય સંબંધી સંસદની સ્થાયી સમિતિએ મોડેલ કોડ ઓફ કંડકટને કાયદાનું રૂપ આપવા અને ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો ભાગ બનાવવા ભલામણ કરી હતી. ૨૦૧૫માં કાયદા પંચે ચૂંટણી સુધારા અંગેના અહેવાલમાં લોકસભા કે વિધાનસભાના કાર્યકાળની સમાપ્તિના છ મહિના પૂર્વે સરકારી જાહેરખબરો પર પ્રતિબંધની ભલામણ કરી હતી. વ્યાપક ચૂંટણી સુધારાની માંગ વરસોથી પડતર છે. ચૂંટણી પંચને ડર છે કે જો આચારસંહિતાને કાનૂની રૂપ મળશે તો તેને કારણે કોર્ટ કેસોનું પ્રમાણ અને પંચનું ભારણ વધશે. જોકે હાલમાં પંચ આચારસંહિતા ભંગ કે અન્ય કાયદા ભંગની જે કાર્યવાહી કરે છે તે ચૂંટણી પછી પંચની મટી પોલીસની બની જાય છે. આ સૌથી મોટી મુશ્કેલી છે. 

અદાલતોએ ચૂંટણી આચારસંહિતાનો કાયદા ન હોવા છતાં તેનો સ્વીકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમાં સુધારા પણ સૂચવ્યા છે. એટલે તેનું હાલનું સ્વરૂપ જળવાય રહે તે પણ જરૂરી છે. આખરે ચૂંટણી આચારસંહિતાની સફળતાનો આધાર આપણા રાજકારણીઓમાં કેટલી શરમ બચી છે તેના પર આધારિત છે. જો તે જ નહીં હોય તો કાયદો હોય તો ય સફળ થવાની શકયતા બહુ અલ્પ છે. 
maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ નેતાઓને રેલી કાઢવાનો હક છે તો નાગરિકોને તેમના વિરોધનો હક કેમ નહીં?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.