નેતાઓને રેલી કાઢવાનો હક છે તો નાગરિકોને તેમના વિરોધનો હક કેમ નહીં?
અમદાવાદના પોલીસ કમિશ્નરે CrPC કલમ-144 હેઠળ જાહેનામું બહાર પાડી સભાઓમાં સૂત્રોચ્ચાર કરવા, કાળા વાવટા, પ્લેકાર્ડ, બેનર દેખાડવા સામે મનાઈ ફરમાવી છે ત્યારે આ લેખ નાગરિક તરીકેના આપણા હકો આપણને યાદ અપાવે છે.
- રમેશ સવાણી
સરકારની સૂચનાથી લોકસભાની ચૂંટણીમાં પોલીસે, સત્તાપક્ષને મદદ કરવાનું નક્કી કર્યું છે. આમ તો સત્તાપક્ષ પોતાના સ્વાર્થ માટે કાયમ પોલીસનો દુરૂપયોગ કરે છે. જેમકે વિપક્ષની સભામાં તમે સૂત્રોચ્ચાર કરો તો પોલીસની ઊંઘ ઉડતી નથી; પરંતુ સત્તાપક્ષની સભામાં જો તમે સૂત્રોચ્ચાર કરો, કાળા વાવટા ફરકાવો, પ્લેકાર્ડ-બેનર દેખાડો તો તમે જાણે આતંકવાદી હો તે રીતે પોલીસ તમારી ઉપર તૂટી પડે. 2001થી 2014 દરમિયાન ગુજરાતમાં એવું જોવા મળેલ છે કે મુખ્યમંત્રીની સભામાં કોઈ કાળા કલરની સાડી, શર્ટ પહેરીને જઈ શકતા નહીં. 2014થી 2024 દરમિયાન એવું જાવા મળેલ છે કે વડાપ્રધાન જો ગુજરાતમાં સભા કરે કે કોઈ કાર્યક્રમ યોજે તો તેમાં કોઈ વ્યક્તિ કાળા રંગના મોજા પહેરીને જઈ શકતી ન હતી. જો કોઈ એવી હિમ્મત કરે તો પોલીસ તેને ડીટેઈન કરતી.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પર લોકસભાની ચૂંટણી લડતા પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માનહાનિ થાય તેવી ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજના યુવાનો રાજયભરમાં અલગ-અલગ જગ્યાએ કાળા વાવટા ફરકાવી રહ્યા છે. જેથી સરકાર મૂંઝાઈ ગઈ છે. સરકારની સૂચનાથી અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 16 એપ્રિલ 2024ના રોજ CrPC કલમ-144 હેઠળ જાહેનામું બહાર પાડી સભાઓમાં સૂત્રોચ્ચાર કરવા, કાળા વાવટા, પ્લેકાર્ડ, બેનર દેખાડવા સામે મનાઈ ફરમાવી છે એટલે આવી પ્રવૃતિ ગુનો બને છે.
થોડાં મુદ્દાઓ: [1] ચૂંટણી હોય ત્યારે રેલીઓ નીકળે, સભાઓ થાય ત્યારે નાગરિકો પોતાના પ્રશ્નોને વાચા આપવા જે તે સત્તાપક્ષ સામે કાળા વાવટા ફરકાવે તો તેમાં શાંતિનો ભંગ કેવી રીતે થાય? સરકાર સામે, સત્તાપક્ષ સામે અહિંસક વિરોધ કરવો તે લોકશાહીમાં ગુનો બને? હા, રાજાશાહી, તાનાશાહી, લશ્કરશાહીમાં જરુર ગુનો બને. [2] સરકાર, સત્તાપક્ષે મીડિયાને ગોદી બનાવી દીધું હોય, રોજે કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાત દ્વારા મુખ્યમંત્રી, વડાપ્રધાનની સ્તુતિ થતી હોય, ટેલિવિઝન, સોશિયલ મીડિયામાં સત્તાપક્ષના ભજનો ગવાતા હોય, ગોદી લેખકો, પત્રકારો લોકોને ભ્રમિત કરતા હોય તેવા સંજોગોમાં અકળાયેલા લોકો કાળા વાવટા ન દેખાડે તો કરે શું? શું લોકોએ માત્ર ટેક્સ જ ભરવાનો? અન્યાય સામે અવાજ ઉઠાવે તો ગુનો બને? આ કેવી લોકશાહી? [3] ચૂંટણીપંચ પણ સત્તાપક્ષની પાંખ હોય તે રીતે વર્તી રહ્યું છે. તેમને આ પ્રકારના આદેશોમાં આચાર સંહિતાનો ભંગ દેખાતો નહીં હોય? શું ચૂંટણી દરમિયાન પોલીસ તટસ્થ રહે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની નથી? સત્તાપક્ષની રેલીમાં, સભામાં સૂત્રોચ્ચાર કરો, કાળા વાવટા ફરકાવો, પ્લેકાર્ડ-બેનર દેખાડો તો ગુનો બને; પરંતુ આવી પ્રવૃતિ વિપક્ષની સભામાં સત્તાપક્ષના કાર્યકરો કરે તો પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. એનો અર્થ એ થયો કે પોલીસનું આવું જાહેરનામું સત્તાપક્ષની તરફેણ માટે જ છે. [4] અહિંસક, શાંત વિરોધ કરવાનો નાગરિકનો મૂળભૂત અધિકાર છે, તેના પર CrPC કલમ-144 હેઠળ નિયંત્રણ મૂકી શકાય નહીં. વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એ બંધારણમાં આરિટિકલ- 19(A) મુજબ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને તેનો ભંગ આ જાહેરનામું કરે છે. બંધારણના આર્ટિકલ-19(B) મુજબ શાંતિપૂર્વક અને હથિયારો વિના એકઠા થવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેનો પણ આ જાહેરનામાથી ભંગ થાય છે. સરકાર, સત્તાપક્ષ, પોલીસ કમિશ્નર એવો દેખાડો કરી રહ્યા છે કે કાયદાથી પોતાને લોકોનો અવાજ ગૂંગળાવી દેવાનો અધિકાર મળેલ છે. આ તો CrPC કલમ-144 નો દુરુપયોગ છે. ઢોંગ તો જૂઓ; આ જાહેરનામું ‘ચૂંટણી પ્રક્રિયા શાંતિથી ચાલે અને લોકો ભયમુક્ત રહે’ તે બહાના હેઠળ બહાર પાડ્યું છે. પરંતુ ‘સત્તાપક્ષને ભયમુક્ત રાખવા’નો આ જાહેરનામાનો ઉદ્દેશ છે. તાનાશાહી હંમેશા કાયદાનો દુરુપયોગ કરીને જ પ્રસ્થાપિત થતી હોય છે. [5] પોલીસ કમિશ્નરના જાહેરનામાને રદ કરવા વિપક્ષોએ CrPC કલમ-144(5) હેઠળ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવી જોઈએ. તેમ છતાં પોલીસ કમિશ્નર પોતાનું જાહેરનામું રદ ન કરે તો ચૂંટણીપંચને ફરિયાદ કરવી જોઈએ. સુપ્રિમ કોર્ટે 2020માં, અનુરાધા ભાસિન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં ઠરાવેલ છે કે “CrPC કલમ-144 હેઠળની સત્તા લોકતાંત્રિક હક્કના ઉપયોગને રોકવા માટેના સાધન તરીકે ન કરી શકાય.” [6] લોકશાહીમાં સત્તાપક્ષને કાળા વાવટા દેખાડવા તે પવિત્ર ફરજ છે અને આ ફરજની આડે આવતા સરકાર, સત્તાપક્ષ, પોલીસ કમિશ્નર અપવિત્ર કામ, ગેરબંધારણીય કામ કરી રહ્યા છે. ચૂંટણીપંચ જો ગોદી ન હોત તો તેણે પોલીસ કમિશ્નરનો કાન જરુર આમળ્યો હોત. જો સ્તરહીન નેતાઓને રેલીઓ કાઢવાનો, સભાઓ યોજવાનો અધિકાર છે તો નાગરિકોને તેમનો વિરોધ કરવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં? (લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચોઃ શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો