ચૂંટણી પહેલા દૂરદર્શને તેના લોગોનો રંગ બદલીને ભગવો કરી દીધો
એક બાજુ આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, બીજી તરફ નેશનલ બ્રોડકાસ્ટર દૂરદર્શને તેના ફ્લેગશીપ લોગોનો રંગ બદલીને ભગવો કરી દીધો છે.
કેન્દ્ર સરકારે રાજ્યની માલિકીની જાહેર સમાચાર ટેલિવિઝન ચેનલ ડીડી ન્યૂઝ, રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શનની ફ્લેગશિપ ચેનલને નવા ભગવા રંગના લોગો સાથે રિબ્રાન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ભગવા રંગનો ઉપયોગ સત્તાધારી ભાજપ દ્વારા પણ કરવામાં આવે છે. આ નવો લોગો 16 એપ્રિલ, મંગળવારના રોજ અમલમાં આવ્યો હતો અને તેને લાલ રંગના દૂરદર્શનના વર્ષો જૂના લોગોને રિપ્લેસ કર્યો હતો.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડીડી ન્યૂઝે જણાવ્યું હતું કે “તેમના મૂલ્યો એ જ રહેશે અને હવે તે એક નવા અવતારમાં ઉપલબ્ધ છે. એક એવી સમાચાર યાત્રા માટે તૈયાર થઈ જાઓ જે પહેલા ક્યારેય નહોતી જોઈ. એકદમ નવા DD સમાચારનો અનુભવ કરો. અમારી પાસે એ કહેવાની હિંમત છે, ઝડપ કરતા ચોક્સાઈ, દાવાઓ કરતા વધુ તથ્યો, સનસનાટી કરતા વધુ સત્ય. કેમ કે, જો આ ડીડી ન્યૂઝ પર છે, તો એ સત્ય છે.”
આ ઘટનાક્રમની ચોતરફ ભારે ટીકા થઈ રહી છે. કેટલાક લોકોએ રામ નવમી પહેલા જ લોગો બદલવાના ટાઈમિંગને લઈને સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસ સમર્થક વિજય થોટ્ટાથિલે કહ્યું કે, “આ ભારતના ભગવાકરણનો વધુ એક પ્રયત્ન છે. દેશને ભગવાકરણથી બચાવો, ભાજપને મત ન આપો”
https://twitter.com/DDNewslive/status/1780078000710553700
ભૂતકાળમાં ભાજપ દૂરદર્શનની ટીકા કરતો હતો
રસપ્રદ વાત એ છે કે, ભાજપ દ્વારા ભૂતકાળમાં દૂરદર્શનની ટીકા કરવામાં આવતી હતી કે તે સરકાર તરફી ચેનલ છે, જે તેના સમાચારોમાં વિપક્ષને જગ્યા આપતી નથી. જો કે આજે, ભાજપ ખુદ સત્તામાં છે અને વિપક્ષોના સમચાર દૂરદર્શન તો ઠીક ખાનગી ન્યૂઝ ચેનલો પર પણ ભાગ્યે જ જોવા મળે છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન, જેમાં નરેન્દ્ર મોદી સરકાર પ્રથમ વખત સત્તામાં આવી હતી, એ વખતે ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના એક એડીટેડ ઈન્ટરવ્યૂને લઈને દૂરદર્શન પર સેન્સરશિપનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એ વખતે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી કે, "આપણી રાષ્ટ્રીય ટીવી ચેનલને તેની વ્યાવસાયિક સ્વતંત્રતા જાળવવા માટે સંઘર્ષ કરતી જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે." ત્યારે તત્કાલિન સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, દૂરદર્શનની સ્વાયત્તતા અને સંપાદકીય નિર્ણયોની ખાતરી સંસદ દ્વારા આપવામાં આવે છે.
ભાજપના સત્તામાં આવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ
ભાજપની સરકાર આવ્યા બાદ પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયો છે. 2015માં, દૂરદર્શનની ગુજરાતી ચેનલે PM મોદીના પત્ની જશોદાબેન વિશે સમાચાર પ્રસારિત કર્યા પછી તેના આસિસ્ટન્ટ ડિરેક્ટરની અમદાવાદથી આંદામાન બદલી કરવામાં આવી હતી.
2018 માં, દૂરદર્શને ભાજપની એક ઇવેન્ટનું પ્રસારણ કર્યું હતું. જેમાં ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. માર્ગદર્શિકા અનુસાર, ડીડી અને ઓલ ઈન્ડિયા રેડિયોને માત્ર સરકારી કાર્યક્રમોનું લાઈવ કવરેજ ફરજિયાત છે, રાજકીય પક્ષોનું નહીં. દૂરદર્શને કોંગ્રેસ સહિત અન્ય કોઈ રાજકીય પક્ષને આ લાભ આપ્યો નહોતો.
તે જ વર્ષે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ત્યારે હંગામો મચાવી દીધો હતો જ્યારે દૂરદર્શને તેલુગુ સંત અને સંગીતકાર ત્યાગરાજના સમ્માનમાં એક સંગીત કાર્યક્રમના પ્રસારણ દરમિયાન જાહેરાતમાં કાપ મૂકી દીધો હતો. એ વખતે નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને દૂરદર્શનની ઝાટકણી કાઢી હતી અને લખ્યું હતું કે, દૂરદર્શન, તમે પંચરત્ન કૃતિ-એસ પુરી થવા સુધી થોડી વધુ ક્ષણો માટે રાહ નહોતા જોઈ શકતા?
કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી
2019 માં, કોંગ્રેસે ચૂંટણી પંચ (EC) નો સંપર્ક કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે દૂરદર્શન શાસક પક્ષ ભાજપને વધારે પડતી પ્રાયોરિટી આપી રહ્યું છે. જ્યારે EC એ વિવિધ રાજકીય પક્ષો અને અગ્રણી નેતાઓના કવરેજ પર સંપૂર્ણ માહિતી માંગી, ત્યારે દૂરદર્શને એમ કહીને પોતાનો બચાવ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાચાર વધુ મહત્વના છે અને તે હાઈ ન્યૂઝ વેલ્યુ ધરાવે છે.
બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક્ટ મુજબ, દૂરદર્શન નેટવર્કે "જાહેર હિતની તમામ બાબતો પર મુક્તપણે, સત્યતાપૂર્વક અને ઉદ્દેશ્યપૂર્વક માહિતી આપવાના નાગરિકના અધિકારનું રક્ષણ કરવું જોઈએ અને પોતાના કોઈ અભિપ્રાય અથવા વિચારધારાની હિમાયત કર્યા વિના વિરોધાભાસી મંતવ્યો પણ પ્રસારિત કરવા જોઈએ.”
આ પણ વાંચોઃ મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...
તે જ વર્ષે, દૂરદર્શને દૂરદર્શન નેટવર્કના એક સહાયક નિર્દેશકને PM મોદીના ભાષણને લાઇવ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. એ વખતે વડાપ્રધાન આઈઆઈટીમાં હેકાથોન ઈવેન્ટમાં સ્પીચ આપી રહ્યા હતા. સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે કારણ જણાવવામાં આવ્યું ન હતું પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે "ઇરાદાપૂર્વકની અવગણના" ને કારણે હતું.
2020 માં, દરરોજ સંસ્કૃત સમાચાર કાર્યક્રમ માટે સ્લોટ ફાળવવાના દૂરદર્શનના નિર્ણયને ખાસ કરીને તમિલનાડુમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન સહિત ઘણા રાજકીય નેતાઓએ અમુક ભાષાઓને આપવામાં આવતી પ્રાધાન્યતાની ટીકા કરી હતી. તે જ વર્ષે ચેનલે હિન્દી દેશની રાષ્ટ્રભાષા હોવાનો ખોટો દાવો જાહેર કર્યો હતો.
ધ કેરાલા સ્ટોરી ફિલ્મનો વિવાદ
હાલમાં જ 5 એપ્રિલ 2024 ના રોજ નેશનલ બ્રોડકાસ્ટર દૂરદર્શન પર વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ટેલિકાસ્ટ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની આકરી ટીકા થઈ હતી. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે દૂરદર્શને સંઘ પરિવારના સાંપ્રદાયિક એજન્ડા પર નાચતી કઠપૂતળી ન બનવું જોઈએ. પી. વિજયને કેન્દ્ર સરકારને કેરળને બદનામ કરવા માટે દૂરદર્શનના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવાની માંગ કરી હતી. રામ મંદિર ઉદ્ઘાટન, જે સરકારી કાર્યક્રમ નથી, તે પણ દૂરદર્શન નેટવર્ક દ્વારા જાન્યુઆરીમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. જુલાઈ 2023 માં, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નવો રંગ ભગવો હશે, જે ભારતીય રાષ્ટ્રધ્વજમાંના એક રંગથી પ્રેરિત છે.
આગળ વાંચોઃ શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dineshપહેલા બ્લૂ કલર હતો રેડ નહીં
-
Falgun DabhiHave bahujano e "Modi Sarkar" lakhvanu talvu joiye, aa sabd mansik gulami ni nisani 6e, ........