SBI એ ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો ન આપતા મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

electoral bonds: દેશના સૌથી મોટા રાજકીય કૌભાંડો પૈકીના એક એવા ઈલેક્ટોરલ બૉન્ડનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 6 માર્ચ સુધીમાં ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો આપવા આદેશ કર્યો હતો, પણ તે થઈ શક્યું નથી. હવે ફરી મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે.

SBI એ ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો ન આપતા મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
image credit - Google images

electoral bonds case: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની જાણકારી આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 6 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. પણ આ સમયમર્યાદામાં તેણે માંગેલી વિગતો ચૂંટણી પંચને આપી નથી, જે ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર મૂકવાની હતી. હવે આ મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) એ એસબીઆઈ વિરુદ્ધ કોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરી દીધી છે. એડીઆર તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પોતાની અરજીમાં કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. આ કેસમાં હવે 11મી માર્ચે વધુ સુનાવણી થઈ શકે છે.

આ પણ વાંચોઃ એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

આ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ કોર્ટમાં અરજી દાખલ કરીને ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો સાર્વજનિક કરવાને લઈને વધુ સમયની માંગણી કરી છે. તેની અરજી પર પણ 11મી માર્ચે સુનાવણી થઈ શકે છે. એસબીઆઈએ 30 જૂન સુધી ઈલેક્ટોરલ બૉન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા ફંડની વિગતો આપવાની વાત કરી છે. તેણે સુપ્રીમ કોર્ટમાં આ સમયમર્યાદા વધારવા માટે અરજી પણ દાખલ કરી છે. જેના પર પણ ચીફ જસ્ટિસની અદાલતમાં 11મી માર્ચે વિચાર થઈ શકે છે.


વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે, એસબીઆઈને 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેણે જણાવવાનું હતું કે 12 એપ્રિલ 2019થી લઈને અત્યાર સુધીમાં ઈલેક્ટોરલ બૉન્ડમાં કોણે ક્યા રાજકીય પક્ષને કેટલું દાન આપ્યું છે. જેના પર અત્યાર સુધીમાં એસબીઆઈ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. હવે એસબીઆઈ તેના માટે વધુ ત્રણ મહિનાનો સમય માંગી રહી છે.


ઉલ્લેખનીય છે કે, કન્ટેમ્પ્ટની અરજી પહેલા જ એસબીઆઈએ 4 માર્ચે અરજી દાખલ કરી હતી. જેમાં તેણે માંગ કરી હતી કે 30 જૂન સુધીનો તેને સમય આપવામાં આવે. જેનું કારણ એ છે કે, તેણે આખો ડેટા કાઢવો પડશે અને ફંડ આપનાર દાતા અને તેના તરફથી આપવામાં આવેલી રકમની વિગતો મેળવવી પડશે. એસબીઆઈએ કહ્યું કે આ એક જટિલ પ્રક્રિયા હશે, માટે તેના માટે થોડો વધુ સમય તેને આપવામાં આવે. જો એવું થશે અને એસબીઆઈને જૂન સુધીનો સમય આપવામાં આવશે તો ઈલેક્ટોરલ બૉન્ડ હેઠળ કોણે ક્યા પક્ષને કેટલું ફંડ આપ્યું છે, તેની વિગતો દેશના મતદારોને લોકસભા ચૂંટણી પછી જ મળી શકશે.

SBI એ વધુ સમયની માંગ કરી
સુપ્રીમ કોર્ટે 15મી ફેબ્રુઆરીના પોતાના આદેશમાં એસબીઆઈને નિર્દેશ આપ્યો હતો કે તે 12 એપ્રિલ 2019થી લઈને અત્યાર સુધી ખરીદવામાં આવેલા ઈલેક્ટોરલ બૉન્ડની વિગત 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ પાસે જમા કરાવે. પરંતુ 4 માર્ચે એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં બેંકે વ્યવહારિક અડચણોનો હવાલો આપીને બૉન્ડ સાથે જોડાયેલો ડેટા એકઠો કરવા માટે સમયમર્યાદા 6 માર્ચથી વધારીને 30 જૂન 2024 કરવાની માંગ કરી છે.


ADRની અરજીમાં શું છે?
એડીઆરે પોતાની અરજીમાં એસબીઆઈની અરજીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. વધુમાં તેમાં કહેવામાં આવ્યું છે કે, આ એક રીતે એપ્રિલ-મેમાં થનારી લોકસભા ચૂંટણીઓ પહેલા પારદર્શકતા લાવવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન છે. એડીઆરનો તર્ક છે કે ઈલેક્ટોરલ બૉન્ડના મેનેજમેન્ટ માટે એસબીઆઈ પાસે પહેલેથી એક સિસ્ટમ તૈયાર છે. દરેક બૉન્ડને તેના યૂનિક નંબરથી સરળતાથી ટ્રેક કરી શકાય છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે, દેશના મતદારોને ચૂંટણી બૉન્ડ થકી રાજકીય પક્ષોને મળેલી મોટી રકમ વિશે જાણવાનો મૌલિક અધિકાર છે. ચૂંટણીમાં પારદર્શકતામાં ઉણપ બંધારણની કલમ 19(1)(એ) અંતર્ગત સહભાગી લોકતંત્રના સારની વિરુદ્ધ છે.

આ પણ વાંચોઃ 2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.