ધરમનો ધંધોઃ લાડુના પ્રસાદમાંથી વર્ષે 500 કરોડની કમાણી
તિરૂપતિ બાલાજીના મંદિર પાસે કમાણીના અનેક રસ્તાઓ છે. એકલા લાડુના પ્રસાદમાંથી મંદિર વર્ષે રૂ. 500 કરોડ કમાઈ લે છે.

આંધ્રપ્રદેશના વિખ્યાત તિરુપતિ બાલાજીના મંદિરનો લાડુનો પ્રસાદ વિવાદમાં આવી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમાં દેશી ઘીને બદલે ગાય-ડુક્કરની ચરબી અને માછલીનું તેલ વપરાતું હોવાનું સામે આવતા હોબાળો મચી ગયો છે. ટીડીપીએ આ મામલે જગન મોહન રેડ્ડીની સરકાર પર હિંદુઓની આસ્થા સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્યે જગન મોહન સરકાર સામે કેસ કરવાની વાત કરી છે. સવાલ એ પણ છે કે પ્રસાદ તો મફત આપવામાં આવતો હોય છે, તો શા માટે આ મંદિરમાં પ્રસાદના પૈસા લેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકલા લાડુના પ્રસાદમાંથી જ આ મંદિર વર્ષે રૂ. 500 કરોડની કમાણી કરી લે છે.
કેવી રીતે બને છે તિરુપતિ લાડુ?
મહાપ્રસાદના લાડુ બનાવવાની પ્રક્રિયાને 'દિત્તમ' તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બધી વસ્તુઓ ચોક્કસ માત્રામાં ઉમેરવામાં આવે છે. તેની રેસીપી તેના 300 વર્ષના ઈતિહાસમાં માત્ર છ વખત બદલાઈ છે. 2016માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે એવું ધુપ્પલ ચલાવ્યું હતું કે, આ લાડુમાં એક દૈવીય પ્રકારની સુગંધ આવે છે. પહેલા બેસનમાંથી બૂંદી તૈયાર કરવામાં આવે છે. લાડુને બગડતા અટકાવવા માટે ગોળના શરબતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી તેમાં આમળા, કાજુ અને કિસમિસ મિક્સ કરીને લાડુ તૈયાર કરવામાં આવે છે. બૂંદી બનાવવા માટે ઘીનો ઉપયોગ થાય છે.
દરરોજ ત્રણ લાખ લાડુ બનાવવામાં આવે છે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ TTD દરરોજ લગભગ 3 લાખ લાડુ બનાવે છે. બોર્ડ એક વર્ષમાં લાડુમાંથી અંદાજે રૂ. 500 કરોડની કમાણી કરે છે. એવું કહેવાય છે કે 1715 થી સતત પ્રસાદ તરીકે લાડુ બનાવવામાં આવે છે.
2014માં GI ટેગ મળ્યો હતો
મંદિર ટ્રસ્ટની ચાલાકી જુઓ, 2014માં તિરુપતિ લાડુને GI ટેગ મળ્યો હતો. જેથી કરીને આ નામથી અન્ય કોઈ લાડુ વેચી ન શકે. આ લાડુમાં ખાંડ, કાજુ અને દ્રાક્ષ નાખેલી હોય છે. એક લાડુનું વજન લગભગ 175 ગ્રામ જેટલું હોય છે.
આ પણ વાંચો: ધર્મની તાકાત શું છે?
જુલાઈમાં એક લેબ ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ લાડુઓમાં વપરાતા ઘીમાં કેટલીક બહારની ચરબી હતી. આ પછી, ટીટીડીએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો હતો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું. ટીટીડી એક કિલો ઘી માટે 320 રૂપિયા ચૂકવતી હતી. તે જ સમયે, નવી જગ્યાએથી 475 રૂપિયામાં ઘી ખરીદવું પડ્યું. હવે ટીડીપીએ આ અહેવાલ સાર્વજનિક કરતા કહ્યું છે કે લાડુના ઘીમાં બીફ ફેટ અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત તેમાં માછલીનું તેલ પણ હતું.
23મી જુલાઇના રોજ લાડુના સ્વાદ અંગેની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં નાળિયેર, કપાસના બીજ અને સરસવના તેલની હાજરી પણ મળી આવી હતી. જૂનમાં, TDP સરકારે એક વરિષ્ઠ IAS અધિકારીને TTDના કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. દેશના સૌથી મોટાં મંદિરમાં આટલી હદે લોકો પાસે આસ્થાના નામે લૂંટ ચલાવાતી હોવા છતાં કોઈ કશો વિરોધ નોંધાવતું નથી. જે બતાવે છે કે, આ દેશમાં ધર્મની આડમાં ગમે તેવી છેતરપિંડી કરી શકાય છે.
ત્રણ પ્રકારના લાડુ બને છે, ત્રણેયની કિંમત જુદી જુદી
મળતી માહિતી પ્રમાણે તિરુપતિ મંદિર ત્રણ પ્રકારના લાડુ બનાવે છે અને દરેકની કિંમત જુદી જુદી હોય છે.
પ્રોક્તમ લાડુ- આ લાડુ કદમાં નાનો છે, જે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને નિયમિત રીતે વહેંચવામાં આવે છે. એક લાડુનું વજન લગભગ 40 ગ્રામ છે. આ લાડુઓ દર્શન પૂર્ણ કર્યા પછી અને મંદિરની બહાર આવ્યા પછી દરેકને પ્રસાદ તરીકે મફત આપવામાં આવે છે.
અસ્થાનમ લાડુ- આ લાડુ ખાસ તહેવારોમાં તૈયાર કરવામાં આવે છે, જેની સાઈઝ પ્રોક્તમ લાડુ કરતા થોડી મોટી હોય છે. આ લાડુ મફત નથી મળતા. તેના માટે રૂ. ચૂકવવા પડે છે. એક લાડુનું વજન 175 ગ્રામ જેટલું હોય છે અને તેની કિંમત 50 રૂપિયા છે. તેને બનાવવા માટે મોટાભાગે બદામ, કાજુ અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.
કલ્યાણોત્સવમ લાડુ- આ લાડુઓ અર્જિતા સેવા અને કલ્યાણોત્સવમાં ભાગ લેનાર યાત્રાળુઓને વહેંચવામાં આવે છે. આ લાડુની સૌથી વધુ માંગ છે. જો કે, તે અન્ય લાડુની સરખામણીમાં ઓછી સંખ્યામાં બનાવવામાં આવે છે. આ લાડુ 15 દિવસ સુધી સારા રહે છે અને તે સૌથી મોંઘાં છે. એક લાડુનું વજન અંદાજે 750 ગ્રામ છે અને તેની કિંમત 200 રૂપિયા છે.
અહેવાલો અનુસાર, દરરોજ લાડુ બનાવવા માટે દરરોજ 700 કિલો કાજુ, 10 ટન ચણાનો લોટ, ત્રણથી ચારસો લિટર ઘી, દસ ટન ખાંડ, લગભગ 540 કિલો કિસમિસ વગેરેની જરૂર પડે છે.
આ પણ વાંચો: તિરૂપતિ બાલાજી મંદિરનો પ્રસાદ પશુઓની ચરબીમાંથી બને છે: ચંદ્રબાબુ